ક્રિકેટરો સિવાયના એવોર્ડ્સ !


વર્લ્ડકપની મેચો ચાલુ થઈ ગઈ ! એમાં અગાઉ ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ આપતા હતા પણ હવે એનું નામ ‘પરસન ઓફ ધ મેચ’ થઈ ગયું છે.

જોકે માત્ર ક્રિકેટરોને એવોર્ડ્ઝ શા માટે ? અન્ય લોકોને પણ એવોર્ડ્ઝ મળવા જોઈએ…

*** 

બેસ્ટ વેશભૂષા ઇન મેચ
સ્ટેડિયમમાં ક્રિકેટના ચાહકો જે ચહેરા ઉપર જાતજાતના લપેડા કરીને, ચિત્રવિચિત્ર ટોપા પહેરીને કે રંગબિરંગી વસ્ત્રો પહેરીને આવે છે એમાંથી બેસ્ટને એક ઇનામ આપો !

*** 

બેસ્ટ ડાન્સ ઇન ધ મેચ
એક વાર એવોર્ડ એનાઉન્સ તો કરો ? પછી જુઓ, લોકો ‘નાગિન ડાન્સ’ પણ કરશે ! ચેન્નાઈમાં ભાંગડા કરશે અને મોહાલીમાં ગરબા થશે ! ઇન્ડિયા મેચ હારતું હશે તો છાતી કૂટીને રૂદાલી ડાન્સ પણ કરશે !

*** 

બેસ્ટ બેનર ઇન ધ મેચ
‘કમ ઓન કોહલી’ અને ‘રોકિંગ રોહિત’ સિવાય આપણી પાસે કોઈ સ્લોગનો જ નથી ? એક વાર સ્ટેડિયમમાં કલર, કુચડો અને કાપડના તાકા એલાઉ તો કરો ? સ્પર્ધામાં છેવટે ‘આયેગા તો મોદી હી !’ પણ જોવા મળશે !

*** 

બેસ્ટ રિએક્શન ઓફ ધ મેચ
ચોગ્ગા છગ્ગા ઉપર ઉછળીને ચિચિયારીઓ પાડવી, વિકેટ જાય ત્યારે કપાળ કૂટવું, કેચ છૂટે ત્યારે ‘ઓઓહ...’ કરીને માથાના વાળ ખેંચવા, જીતી જઈએ તો હવામાં મુક્કાબાજી કરી નાંખવી અને હારી જઈએ તો બેસણામાં આવ્યા હોઈએ એવું ડાચું કરવું...

હાલમાં તો આ બધું નેચરલ રીતે થાય છે પણ જો એવોર્ડ એનાઉન્સ થાય તો એના ‘એક્ટિંગ ક્લાસિસ’ પણ ખૂલી જાય !

*** 

બેસ્ટ પ્રેયર ઓફ ધ મેચ
અત્યાર સુધીમાં તો નીતા અંબાણીજી પેલી નાનકડી ચોપડી લઈને જે પ્રાર્થના કરતાં હતાં તે બેસ્ટ છે ! પણ યાર, બીજાઓને પણ ચાન્સ મળવા જોઈએ ને ?

*** 

બેસ્ટ બ્યુટિ ઓફ ધ મેચ
ભાજપે 40 હજાર મહિલાઓને ફ્રી પાસ આપ્યા છતાં મોટેરા સ્ટેડિયમ ખાલી કેમ રહ્યું ? આવો કોઈ એવોર્ડ નહોતો ને એટલે ! હજી ટાઇમ છે ! આવો એવોર્ડ રાખશો તો એની મેળે 33 ટકા કરતાંય વધુ સીટો બુક થઈ જશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments