શ્રાદ્ધપક્ષમાં કાગડાઓની માંગણીઓ !

તમે માર્ક કર્યું હશે કે શ્રાધ્ધપક્ષમાં તમે ધાબા ઉપર જઈને તમારા પિતૃઓ માટે જે ભોજન ધરાવો છે તે ખાવા માટે કાગડાઓ ઝટ આવતા જ નથી !
આનું કારણ શું? કારણકે તેમની અમુક ડિમાન્ડો હશે ! જેમ કે…

*** 

(1) ધાબા પર ચડીને ખાલીખોટી ‘કાગવા… કાગવા...’ એવી બૂમો પાડવી નહીં. અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાનું રાખો !

*** 

(2) વરસોથી એક જ ટાઈપની ખીર ખાઈ ખાઈને અમે કંટાળ્યા છીએ ! હવે મેનુ તો બદલો ? પિત્ઝા, બર્ગર, દાબેલી, મોમોઝ, મન્ચુરીયન… આ બધું ફક્ત તમારે જ ખાવાનું છે ?

*** 

(3) દાળ, કઢી, દૂધપાક વગેરે ઉપરાંત મેનુમાં પેપ્સી, કોક, સ્પાઇસ અને ફ્રૂટી જેવાં ઠંડા પીણાં પણ રાખો !

*** 

(4) તમારાં જે સ્વજનોને જમતાં પહેલાં મદ્યપાનની ટેવ હતી તેમના શ્રાદ્ધભોજનમાં સાઇડમાં એક પેપરકપમાં થોડી વ્હીસ્કી પણ રાખો ! હજી કેટલું સમજાવવાનું !

*** 

(5) પણ જો સદગતને ડાયાબિટીસની બિમારી હોય એનો મતલબ એમ નથી કે ખીરમાં ખાંડ જ ના હોય ! અને ભોજનમાંથી લાડવા પણ કેન્સલ કરવાના નથી, હા !

*** 

(6) ભોજનની બાજુમાં સદગતનું આધારકાર્ડ રાખવું ફરજિયાત છે, એટલું જ નહીં, એ સાથે સદગતનો બીજો એક ફોટો પણ રાખવો, જેથી ચહેરો બરાબર ઓળખાય ! કેમકે શ્રાધ્ધની ડિલીવરી બીજા કોઈને થશે તો જવાબદારી અમારી નહીં !

*** 

(7) અને હા, તમારા બધાં સદગત કોઈ સ્વર્ગમાં જ જઈને બેઠા હોય એવું જરૂરી નથી ! એટલે પ્રાર્થના કરતી વખતે તમારા સ્વજનનાં લક્ષણો યાદ કરીને સ્વર્ગ કે નર્ક ? એમ પ્રોપર પસંદગી કરીને જ ભોજન ધરવું ! સમજી ગયા ?

*** 

(8) અને ફાઇનલી, અમે ચાંચ ભલે ના મારીએ પરંતુ તમારા ભગવાનોની માફક દૂરથી જ નજર નાંખી લઈએ તો એને પણ માન્ય ગણવું ! ઓકે ? સી યુ ઓન ધાબા !

***

- મન્નુ શેખચલ્લી

Comments