રાવણની મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ !


તમે આ દશેરામાં તમારા ‘અંદરના રાવણ’ને સળગાવી નાંખ્યો હોય છતાં તમને હજીયે અલ્સર, એસિડીટી, હરસ-ભગંદર જેવી તકલીફો ના થઈ હોય તો આજે બિચારા રાવણની તકલીફો સાંભળીને રાજી થઈ શકો છો !

*** 

રાવણ પોતાના દસે દસ હાથ પોતાનાં દસે દસ લમણે પછાડીને ધૂંધવાતો બેઠો હતો ત્યાં કોઈએ આવીને પૂછ્યું :

‘શું થયું ?’

રાવણે મોં બગાડીને કહ્યું, ‘અરે યાર, શું કહું? મેન્યુફેકચરીંગ ડિફેક્ટ છે !’

‘મેન્યુફેકચરીંગ ડિફેક્ટ?’

‘હા… જુઓને, દસ દસ હાથ છે છતાં બરડામાં ખંજવાળ આવે છે ત્યારે એકેય હાથ ત્યાં એકઝેક્ટ જગાએ પહોંચી શકતો નથી.’

*** 

રાવણ ડોક્ટર પાસે જઈને ફરિયાદ કરવા લાગ્યો :

‘ડોક્ટર, વરસોથી મને પેટમાં સતત તકલીફ રહે છે.’

‘શું તકલીફ રહે છે?’

‘પેટ હંમેશાં ભારે ભારે લાગે છે, સતત અપચો રહે છે. વારંવાર ઓડકારો આવ્યા કરે છે… એ તો ઠીક, વરસોથી મને બહુ ખરાબ ટાઇપની કબજિયાત રહે છે, કદી ખુલાસીને ઝાડો થતો જ નથી અને જ્યારે થાય છે ત્યારે ત્રાસ ત્રાસ કરાવી નાંખે છે !’

ડોક્ટરે બધી રીતે તપાસ કરી. જાતજાતના રિપોર્ટ્સ કરાવ્યા. બધું સ્ટડી કર્યા પછી ડોક્ટર કહે છે :

‘જુઓ, તમને આ પ્રોબ્લેમ તો રહેવાનો, કેમકે તમારામાં મેન્યુફેકચરીંગ ડિફેક્ટ છે !’

‘વળી પાછી મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ?’

‘હા. તમારે શું છે, ઇન-કમિંગ લાઇનો તો દસ છે પણ આઉટ-ગોઇંગ લાઇન એક જ છે !’

*** 

રાવણને કોઈએ કહ્યું ‘તમે સ્વિમિંગ ટ્રાય કરો. એનાથી તબિયત સુધરશે.’

પણ રાવણે બીજા જ દિવસે સ્વિમિંગ છોડી દીધું ! કેમ?

‘અરે મેન્યુફેકચરીંગ ડિફેક્ટ ! તરતી વખતે મારા દસ દસ હાથ ગોળગોળ ફેરવું છું ત્યારે મારાં દસે દસ માથાં નડે છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments