સરકારે તો નવરાત્રિની શરૂઆતમાં જ થોડી એડવાઇઝરીઓ જાહેર કરી છે કે ફેસબુકમાં ફ્રેન્ડશીપ થઈ હોય એવા અજાણ્યા સાથે રાત્રે મળવાનું ટાળો… કપલ્સને કહ્યું છે કે એકાંત સ્થળે અંધારામાં ના બેસો… વગેરે.
અમે એમાં થોડી સિમ્પલ એડવાઇઝરીઓ ઉમેરવા માગીએ છીએ…
***
જેને હાર્ટની થોડી પણ તકલીફ હોય એવા યુવાનોએ દિલ તોડી શકે એવી ગર્લફ્રેન્ડોથી સાવધ રહેવું!
કેમકે આ ટાઇપના હાર્ટ-એટેકમાં તો સ્થળ પર હાજર મેડિકલ ટીમ પણ કંઈ નહીં કરી શકે.
***
જે વડીલોને કાનમાં સ્હેજ પણ તકલીફ હોય એમણે કોમર્શિયલ ગરબાનાં જાયન્ટ સ્પીકરોથી દૂર રહેવું !
કેમકે કાનમાં ધાક પડી જાય એના માટે કોઈ ફર્સ્ટ-એઇડ હોતી નથી !
***
જે બહેનોને દિવસના સમયે ઘૂંટણ દુઃખતા હોય, કેડમાં કળતર થતું હોય, માથું લબકારા મારતું હોય...
... છતાં રાત્રે ગરબા રમતાંની સાથે જ બધી તકલીફો દૂર થઈ જતી હોય એમણે દશેરાના દિવસની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ અગાઉથી લઈને રાખવી !
- કેમકે નવરાત્રિ પતે પછી જ અસલી દર્દ ક્યાં છે તેની ખબર પડશે !
***
નવરાત્રિના ગરબા વખતે છોકરીઓની છેડતી કરતા રોમિયોને પકડવા માટે જે મહિલા પોલીસો સુંદર ચણિયા ચોળી પહેરીને ‘છૂપા વેશે’ ગરબા રમે છે તેમને વિનંતી કે...
રોમિયોને શોધવા માટે તમારે પોતે ઉત્તેજક અદાઓ કરવાની જરૂર નથી !
(અને હા, પોલીસ સ્ટેશનમાં સેલ્ફી લેવાથી ઠપકો મળી શકે છે, પણ ગરબાના ડ્રેસમાં સેલ્ફી લઈ શકાય કે કેમ, તેની કોઈ એડવાઇઝરી હજી સુધી આવી નથી.)
***
‘ભક્તો’ માટે ખાસ એડવાઇઝરી:
યુ-ટ્યુબમાં જઈને સાહેબના ગરબાના વ્યુઝ વધારવાની ઝુંબેશને હજી વધુ ઝડપી બનાવો ! જય માતાજી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment