નવરાત્રિમાં કામિની, દામિની, ગામિની !

નવરાત્રિમાં માતાજીનાં તો નવ સ્વરૂપ છે, આપણે સૌ જાણીએ છીએ, પણ શું ગરબે રમનારીઓનાં વિવિધ સ્વરૂપો તમે જાણો છો ? આ રહ્યાં…

*** 

પાર્લર-કામિની
ઓરીજીનલ ફેસ ભલે આધારકાર્ડના ફોટા જેવો હોય પણ આ કન્યાઓ નવરાત્રિમાં ઓલમોસ્ટ ‘બ્રાઇડલ મેકપ’ કરાવીને મેદાનમાં ઉતરે છે !

*** 

મોબાઇલ-ધારિણી
મોબાઇલ લીધા વિના તો કંઈ ગરબા ગાવા જવાતું હશે? પણ પછી રમતી વખતે મોબાઈલને ક્યાં મુકાવાનો? ચંપલ સાથે? પર્સ સાથે? બીજી ચૂગલીખોર બહેનપણી પાસે? (રિસ્કી છે!) એટલે આ કન્યા હાથમાં જ મોબાઈલ ધારણ કરીને ગરબામાં ફરે છે!

*** 

સ્ટોરી-ગામિની
સરસ તૈયાર થઈ? ફોટા પાડીને સ્ટોરી મુકો ! પાસ મળ્યા? સ્ટોરી મુકો ! ગરબા રમવા ઉતરી? સ્ટોરી મુકો ! ફ્રેન્ડઝ સાથે સેલ્ફી? સ્ટોરી મુકો ! નાસ્તા કરવા ગયાં? સ્ટોરી મુકો! ફ્રેન્ડે સ્ટોરી મુકી? એની પણ સ્ટોરી મુકો !

*** 

સ્ટેપ-પ્રભાવિની
દોઢ દોઢ મહિના લગી ગરબા ક્લાસિસમાં નવાં નવાં સ્ટેપ્સ શીખ્યાં હોય તેને બતાડવાં તો પડે જ ને? આખું ગામ ડાબેથી જમણે ફરતું હોય ત્યારે આ સ્ટેપ-રાણી જમણેથી ડાબે ચકરડી ભમતી દેખાશે! એમાંય જો કોઈ મોટો કેમેરો લઈને વિડીયો ઉતારતો દેખાય તો એને બબ્બે પાંખો ફૂટશે!

*** 
નાસ્તા-દાબિણી
હજી ચાર આંટા માર્યા ત્યાં તો ભૂખ લાગી જશે ! ગરબા ક્યાં સારા થાય છે એના કરતાં કયો ઓર્ગેનાઇઝર નાસ્તા સારા (અને ડિસ્કાઉન્ટમાં) આપે છે તેમાં વધારે રસ હોય છે! બાર વાગ્યા પછી તો અચૂક ખાઉગલીઓમાં જ દર્શન દેતી હશે!

*** 

ઓટલા-બિરાજિની
આ પ્રકાર મોટેભાગે પોળો, સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં જોવા મળે છે. આ મહિલાઓ નામ પુરતા બે ચાર ગરબા કર્યા પછી કોઈ ઓટલો પકડી લે છે! છેવટે બાર વાગ્યે જ્યારે મફતિયો નાસ્તો આવે ત્યારે પેટપૂજા કરીને તથા ઘરનાં બીજાં મેમ્બરો માટે એ જ પૂજાનો સામાન લઈને ઘરે સીધાવે છે! જય માતાજી.

***

- મન્નુ શેખચલ્લી

Comments