એ જમાનામાં ગોવિંદાનાં શું ફિલ્મી કપડાં હતાં ! યલો કલરનું પેન્ટ, ગુલાબી કલરનું શર્ટ, ભડકીલા ગ્રીન કલરનો કોટ, જાંબલી કલરના ગોગલ્સ (વ્હાઈટ ફ્રેમવળા) માથે રેડ કલરની ટોપી અને પગમાં વ્હાઈટ કલરનાં શૂઝ ! ગોવિંદાની આ ફેશનનો ચેપ મિથુનને પણ લાગ્યો હતો !
આજે બિચારો રણવીર સિંહ આવા વિચિત્ર કપડાં ‘ખાનગી’ ધોરણે પહેરીને પોતાની પત્ની અથવા સ્પેશિયલ મિડીયાના ચાહકો આગળ ‘ક્રેઝી’ બનવાની ભૂંડી કોશિશ કરે છે !
જોકે ગોવિંદાએ પોતાની પર્સનલ લાઇફમાં ક્યારેય આવાં ‘ફેશન-સ્ટેટમેન્ટો’ કરવાની કોશિશો નહોતી કરી છતાં અંગ્રેજીમાં છપાતાં ફિલ્મી મેગેઝિનો માટે ગોવિંદા મજાકનું કેન્દ્ર હતો. પણ ગોવિંદાએ એમની પરવા સુધ્ધાં કરી નહોતી !
આજે જ્યારે તમે ડેવિડ ધવનની પોતાની જ જુની ફિલ્મો ‘કુલી નંબર વન’ કે ‘જુડવા’ના રિ-મેકમાં એના પોતાના જ દિકરા વરુણ ધવનને કોમેડી કરવાની વ્યર્થ કરવાની કોશિશ કરતો જુઓ ત્યારે આપણને સમજાય છે કે ગોવિંદાની ક્રેઝી કોમેડીમાં શું ગજબનું મેજિક હતું !
ડેવિડ ધવને ગોવિંદા સાથે કુલ 17 ફિલ્મો કરી. સલમાન, સંજય દત્ત, અનિલ કપૂર અને બચ્ચન સાહેબ સાથે પણ કરી છતાં ગોવિંદાની સંગતમાં એ જેટલા ‘ચગ્યા’ હતા તેની હજી પણ ટક્કર લેનાર એકટર-ડિરેકટરની જોડી દેખાતી નથી.
ગોવિંદા સાથે ડેવિડ ધવનની ‘તાકતવર’ એકશન મુવી હતી. બીજી ‘સ્વર્ગ’ સામાજિક હતી, ત્રીજી ‘શોલા ઔર શબનમ’ જેની વાત આપણે આગળ કરી ગયા તે સરપ્રાઇઝ હિટ નીકળી ! અને એ પછી આવી ‘આંખે’ જેની પાછળ ડેવિડ ધવનની કેડી ફિલ્મોની આખી હારમાળા ચાલી !
ગોવિંદા સાથેની પાંચમી ફિલ્મ ‘રાજાબાબુ’ આમ તો સાઉથની એક ફિલ્મની રિ-મેક જેવી જ હતી જેમાં સ્ટોરી પણ એવી ઘનચક્કર જેવી હતી કે ગોવિંદા અભણ હોવા છતાં વકીલ, ડોકટર, ઇન્સપેક્ટર વગેરેના ડ્રેસમાં ફોટા પડાવીને હરખાય છે. તે એક દિવસ એ જ સ્ટુડિયોમાં કરિશ્માનો ‘ફોટો’ જોઈને એના પ્રેમમાં પડી જાય છે ! ઘેલી કરિશ્મા પણ એના પ્રેમમાં પડીને પરણવા તૈયાર થઈ જાય છે ત્યારે ખબર પડે કે ભાઈ તો અંગૂઠાછાપ છે ! બોલો, સિરિયસ સ્ટોરી લાગે છે ને ? છતાં ગોવિંદાની કોમિક ટાઇમિંગની સેન્સ ઉપરાંત ફાઇટિંગ અને ઇમોશનલ ડ્રામાબાજી જ આખા પિક્ચરને ખેંચી જાય છે.
‘કુલી નંબર વન’માં ફરી ગોવિંદા બેફામ બનીને ચગ્યો હતો કેમકે આ તો હતી જ આઉટ-એન્ડ-આઉટ કોમેડી ! સસરા કાદર ખાન આગળ બે ગોવિંદા ઊભા કરવાના હતા ! સેઇમ ખેલ ‘સાજન ચલે સસુરાલ’માં હતો ! ગામડે બેઠી છે એની પહેલી પત્ની અને પ્રેમિકા કરિશ્મા અને શહેરમાં મજબૂરીના કારણે જેને પરણવું પડ્યું છે તે તબ્બુ ! આ બન્ને ફિલ્મો તો થિયેટરમાં માંડ છ મહિનાના ગેપમાં આવી હતી છતાં બન્ને સુપરહિટ હતી !
ડેવિડ ધવને ગોવિંદામાં શી ખબર શું જોયું હશે તે બે સ્ત્રીઓ વચ્ચે ફસાયેલા પુરુષની થિમમાં એમણે એ પછી પણ ઘણી ફિલ્મોમાં ચલાવી… ‘હસીના માન જાયેગી’માં ગોવિંદા સંજયદત્તનો કાકો બનીને બનાવટ કરવા જાય છે એમાં પ્રૌઢ છતાં રોમેન્ટિક અરુણા ઇરાની તેના પ્રેમમાં પડી જાય છે !
‘કુંવારા’માં પણ એવી અજીબ ઘટનાઓ બને છે કે ગોવિંદા તેની પ્રેમિકા ઉર્મિલા માંતોડકરની બહેનનો મજબૂરીથી પતિ બનીને ઉર્મિલાના જ ઘરે આવી પહોંચે છે ! છેલ્લે છેલ્લે 2009માં આવેલી ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં તો ગોવિંદા બિન્દાસપણે લારા દત્તા સાથે ચાલુ છે અને પત્ની સુસ્મિતા સેનને સતત ઉલ્લુ બનાવે છે !
ગોવિંદાની આ ડબલ-રોલની કેપેસિટી જોઈને એક દિવસ ડેવિડ ધવનને વિચાર આવ્યો કે ‘યાર, અમિતાભ બચ્ચનનો પણ ડબલ રોલ હોય તો કેવું ?’ આ રીતે ‘બડે મિયાં છોટે મિયાં’ની સ્ટોરી બની ! ગોવિંદા તો આંખો મીંચીને ડેવિડ ધવનને હા પાડતો હતો, પણ બચ્ચન સાહેબને શી રીતે મનાવવા ?
તો કિસ્સો એવો છે કે બાકાયદા સ્ટોરી-સેશન ગોઠવાયું… ચા-નાસ્તો વગેરે આવી ગયા અને બચ્ચન સાહેબે ડેવિડ ધવનને કહ્યું, ‘હાં, સુનાઇયે…’ તો ડેવિડ ધવને શું કહ્યું, ખબર છે ? ‘તમે અને ગોવિંદા ડબલ રોલમાં છો. બસ ! આ જ છે સ્ટોરી.’
બચ્ચનજી કહે છે ‘અરે પણ-’
ડેવિડજી એમને રોકતાં કહે છે ‘જસ્ટ કલ્પના કરો, નાનાં ટાઉન્સમાં પેલી સાઇકલ રીક્ષાવાળો ફિલ્મનાં પોસ્ટરો સાથે માઈકના ભૂંગળામાં શું કહેતો હશે ? દેખિયે.. દેખિયે… એક હી ટિકીટમેં… દો દો ગોવિંદા ઔર દો દો અમિતાભ !’ આ સાંભળીને કહે છે કે અમિતાભે સ્ટોરી સાંભળવાનું માંડી જ વાળ્યું હતું ! (સારું કર્યુ ને !)
એ ફિલ્મના શૂટિંગ વખતે ગોવિંદા અને અમિતાભ સાથે મળીને એવા ચગી જતા હતા કે લખાયેલો સીન આખો બદલાઈને ક્યાંનો ક્યાં પહોંચી જતો હતો ! આખરે એવો ટાઇમ આવ્યો જ્યારે ફિલ્મના લેખક રૂમી જાફરી લખેલા સીનની ગડીઓ વાળીને ફૂટપટ્ટી આકારનો બનાવીને કહેતા હતા ‘બસ, યે એક લાઇન હૈ ! બાકી કા આપ લોગ કર લો !’
ગોવિંદાની આ સેટ ઉપર ‘ચગી’ જવાની ટેલેન્ટથી ડરેલા સલમાન ખાને પોતાના ભાઈની ફિલ્મ ‘પાર્ટનર’માં ગોવિંદાના ઢગલાબંધ સીનો કાપવા પડ્યા હતા ! જોકે છેલ્લે છેલ્લે આવેલી ડેવિડ-ગોવિંદાની જોડી ‘ડુ નોટ ડિસ્ટર્બ’માં બોક્સ ઓફિસને ખાસ રીઝવી શકી નહોતી, પણ આજે તમે ગોવિંદા-ડેવિડની જુની ફિલ્મો જુઓ તો જરૂરથી બોલી ઉઠશો કે ‘યહી હૈ જોડી નંબર વન !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Very nice
ReplyDelete