નવરાત્રિમાં આમેય આપણે ગરબાની પહેલી લાઇન સિવાય કશું સાંભળવાનું રાખ્યું જ નથી. (ગાવાની જવાબદારી તો રાખી જ ક્યાં છે? કાં તો પેન-ડ્રાઇવ, કાં તો કોમર્શિયલ ગાયકો!) પરંતુ અમુક ગરબાના શબ્દો હવે જરા મિસ-ફીટ થતા લાગે છે ! જુઓ…
***
‘ઇંધણાં વીણવા ગઈ ’તી મોરી સૈયર,
વેળા બપોરની થઈ ’તી મોરી સૈયર…’
ઓ બહેન ! ઘરમાં ગેસ છે, ઓવન છે, વોટર હિટર છે… તો પછી ઇંધણાં વીણવા જવાની જરૂર જ ક્યાં છે? અને જ્યારે વેળા બપોરની થઈ ’તી ત્યારે તો તું બ્યુટિ-પાર્લરમાં હતી… મસ્ત એસીમાં !
***
‘આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો
કહી દો સુરજને કે ઊગે નહીં ઠાલો…’
શાંતિ રાખો બ્હેન! સુરજને કહેવા કોણ જશે? પેલું સૂર્યયાન તો હજી અડધે રસ્તે પણ નથી પહોંચ્યું… અને કાલે સુરજ તો ઉગવાનો જ! તું ટાઇમસર એલાર્મ મુકીને ઊઠજે મારી બ્હેન! નહીંતર મમ્મી મગજ ખાશે…
***
‘પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ ’તી…’
ઓનલાઇન પેમેન્ટનો જમાનો આવી ગયો આન્ટી! હવે પાવલી તો એન્ટિક મ્યુઝિયમમાં જોવા મળે અથવા તો કોઈ ચસકેલના દિમાગમાં !
***
‘ઝીણું દળું તો ઊડી ઊડી જાય ,
જાડું દળું તો કોઈ ના ખાય..’
સમજો બહેન! કાં તો તમારું મિક્સર ગ્રાઇન્ડર રીપેર કરાવી લો, કાં તો બજારમાંથી તૈયાર લોટનાં પેકેટો લાવવાનું રાખો ! બાકી ઘરઘંટી બગડી ગઈ હોય એમાં બીજાઓનો વાંક ના કાઢવાનો હોય !
***
‘એક લાલ દરવાજે તંબૂ તાણિયા રે લોલ…’
માસી ! ત્યાં હવે કોઈ તંબૂ-બંબૂ નથી! ત્યાં સિટી-બસોનું ટર્મિનસ છે… બસની રાહ જોવી હોય તો હજી ઊભાં રહો, બાકી આ શટલિયું આવી ગયું! બોલો, જવું છે?
***
‘તમે કિયા તે ગામનાં ગોરી રાજ?
અચકો મચકો કારેલી…’
એ ડોબા! આમ ડફોળની જેમ સવાલો શું કરે છે? ફેસબુકમાં જોઈ લેને? બધી ડિટેલ મળી જશે!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment