ફિલ્મી ભક્તિગીતોમાં કૃષ્ણ કનૈયા નંબર વન છે !



‘મુગલ-એ-આઝમ’નું પેલું ગાયન તો તમને યાદ જ હશે : ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…’ 

હવે જરા ફિલ્મમાં એની સિચ્યુએશન પણ યાદ કરો… એમાં રાજા અકબર મુસલમાન છે, રાજકુમાર સલીમ મુસલમાન છે, અરે, નાચનારી અનારકલી પણ મુસલમાન છે! તો ત્યાં ગાયનમાં કૃષ્ણ કનૈયા એટલે કે ‘નંદલાલ’ ક્યાંથી આવ્યા? 

પરંતુ એ જ હિન્દી ફિલ્મોના ગોલ્ડન પિરિયડની ખૂબી હતી. ફિલ્મોમાં કોઈને કોઈ રીતે ભજન, સ્તુતિ કે રામ, કૃષ્ણ, મહાદેવ, માતાજી જેવા દેવી દેવતાઓનો લગતાં ગીતો વણી લેવાં એ બહુ સહજ હતું.

એમાંય આપણા સૌના ફેવરીટ એવા કૃષ્ણ ભગવાનનો નંબર તો કદાચ ટોપ ઉપર આવે છે ! કેમકે એમાં ભક્તિની સાથે સાથે પ્રેમનો રંગ પણ ભળ્યો છે ! હીરો હિરોઈનની સરખામણી ક્યાંકને ક્યાંક રાધા અને કૃષ્ણ સાથે થઈ જતી હતી. લેટેસ્ટ એક્ઝામ્પલ લઈએ તો ‘લગાન’માં ગીત આવે છે :

‘મધુબન મેં કન્હૈયા 
કિસી ગોપી સે મિલે, 
રાધા કૈસે ના જલે?’ 

તમે ગણતા જાવ...એ જ રીતે રાધા કૃષ્ણની પ્રીતનું પેલુ ફેમસ ગીત છે : 

‘વૃન્દાવન કા ક્રિશન કન્હૈયા 
સબ કી આંખો કા તારા, 
મન હી મન ક્યું જલે રાધિકા, 
મોહન તો હૈ સબ કા પ્યારા !’ 

બીજી બાજુ સંગીતકાર રવિન્દ્ર જૈન રાધાને સાંત્વન આપતા હોય એમ લખી ગયા કે..

‘શ્યામ તેરી બંસી કો બજન સે કામ, 
રાધા કા ભી શ્યામ વો તો મીરાં કા ભી શ્યામ !’

ફિલ્મમાં જો લવ-ટ્રાએંગલ હોય તો રાધા અને મીરાં બન્નેની સરખામણી કરતાં ગીતો તો લવ-સ્ટોરીને એક અલગ જ લેવલ ઉપર લઈ  જતાં હતાં! ફરી એકવાર કવિ રવિન્દ્ર જૈનને યાદ કરીને વંદન કરો કે, આહા શું સુંદર રચના કરી છે ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં કે… 

‘ઇક રાધા, એક મીરાં, 
અંતર ક્યા દોનોં કી પ્રીત મેં બોલો,
એક પ્રેમ દિવાની 
એક દરસ (દર્શન) દિવાની…’ 

આગળ તો શું જબરદસ્ત સરખામણી કરી છે કે ‘એક હાર ન માની, એક જીત ના માની!’ 

બીજું એક ગીત એવું છે કે જાણે એમાં રાધા રીસાઈ છે અને ગોકુલવાસીઓ વિનંતી કરી રહ્યા છે કે..

‘શામ ઢલે જમુના કિનારે, 
આજા રાધે આજા તોહે શ્યામ પૂકારે..’ 

(કેટલાં ગીતો થયાં? જોડે જોડે ગણતા રહેજો ! અત્યાર સુધીમાં સાત થયાં છે.)

રીસાયેલી રાધા કનૈયાની બંસરી ચોરીને જતી રહે છે કેમકે એને લાગે છે કે કનૈયાને રાધા કરતાં બંસરી વધારે વ્હાલી છે. તો એનું પણ એક ગીત છે, 

‘રાધિકે તૂને બંસરી ચૂરાઈ, 
બંસરી ચૂરાઈ ક્યા તેરે મન ભાઈ…’ 

કનૈયો વળી જુદી જ ફરિયાદ લઈને માતા યશોદા પાસે જાય છે:
 
‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા, 
રાધા ક્યું ગોરી, મૈં ક્યું કાલા?’ 

અને ગોપીઓની તો નોન-સ્ટોપ ફરિયાદો યશોદા મૈયાએ સાંભળવી જ પડે છે : 

‘મૈયા યશોદા, તેરા કન્હૈયા, 
તંગ મુઝે કરતા હૈ રે’ 

પણ યશોદાજી પણ શું કરે ? 

‘બડા નટખટ હૈ યે, 
કિશન કન્હૈયા, ક્યા કરે યશોદા મૈયા?’

ફિલ્મોમાં હિરો-હિરોઈન વચ્ચેની નટખટ છેડછાડને પણ કૃષ્ણ સાથે સાંકળીને ગીતો બનતાં હતાં. 

‘મોહે છેડો ના, નંદ કે લાલ મોહે છેડોના!’ 

(આમાં એક વાર ‘છેડો-ના’ ઇનકારના લહેજામાં આવે છે અને બીજી વાર ‘છેડોના’ મીઠી ઉશ્કેરણીની જેમ ગવાયું છે! સાંભળજો ધ્યાનથી! અને હા, સ્કોર કેટલો થયો ? પુરા એક ડઝન ગીતો ! હજી આગળ ગણો.. )

કનૈયા અને ગોપીઓની વાત પણ કંઈ કેટલાય ગીતોમાં જુદી જુદી રીતે આવતી હતી. ગોપી કહે છે 

‘જા તોસે નહીં બોલું કન્હૈયા, 
રાહ ચલત પકડી મેરી બૈંયાં..’ 

અથવા 
‘મનમોહના તુમ બડે જુઠે…’ 

( અને હલો, ગુજરાતીમાં સુપરહિટ થયેલું ગીત ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે…’ હજી કેમ કોઈ ગુજરાતી કે હિન્દી ફિલ્મમાં નથી આવ્યું?) 

પરંતુ જ્યારે ફિલ્મમાં વિરહની સિચ્યુએશન આવે ત્યારે હિરોઈનને ગોપી સ્વરૂપે વિચારીને કેવાં સુંદર ગીતો આવ્યાં છે !

‘કાન્હા રે કાન્હા તૂને 
લાખોં રાસ રચાયે, 
ફિર કાહે તોસે 
ઔર કિસી કા પ્યાર ના દેખા જાયે?’ 

‘ખબર મોરી ના લીની રે, 
બહોત દિન બીતે…’ 

‘બડી દેર ભઈ નંદલાલા, 
તેરી રાહ તકે બ્રિજબાલા…’ 

‘કાન્હા કાન્હા, આન પડી મૈં તેરે દ્વાર, 
મોહે ચાકર સમજ નિહાર…’

બાળ કનૈયાનું સ્વરૂપ ફિલ્મમાં કોઈ બાળ કલાકારને આપીને પણ કેટલાં અદ્ભુત ગીતો લખાયાં ! 

‘મૈયા મોરી મૈં નહીં માખન ખાયો…’ 

‘ઓ રે કન્હૈયા કિસ કો કહેગા તૂ મૈયા, 
એક ને તૂજ કો જનમ દિયા 
ઔર એક ને તુજ કો પાલા…’ 

અને કૃષ્ણ આગળ બધું સમર્પિત કરીને તેને પૂજવા માટે પણ કેટલાં સુરીલાં ગીતો હતાઃ 

‘મનમોહન ક્રિષ્ન મુરારી, 
તેરે ચરણોં ક બલિહારી, 
વારિ વારિ જાઉં મૈં, બનવારી!’ 

‘ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 
રાધા રમણ હરિ ગોપાલ બોલો…’ 

‘ક્રિષ્ના ક્રિષ્ના બોલો ક્રિષ્ના 
રાધે રાધે ક્રિષ્ના ક્રિષ્ના…’ 

‘જય નંદલાલા જય જય ગોપાલા…’ 

અરે છેલ્લે છેલ્લે ‘સૂટ બૂટ મેં આયા કન્હૈયા, સબ કા દિલ લલચાને કો’ પણ આવી ગયું !

(આને લો, સ્કોર પહોંચી ગયો છે બે ડઝન ઉપર !)

આજની ફિલ્મોમાં તો વાત જ કરવા જેવી નથી ! ભજન તો જાણે દેશનિકાલ થઈ ગયાં છે. આમેય ફિલ્મોમાંથી ભક્તિરસ ગાયબ છે. કારણ એવું આપવામાં આવે છે કે જ્યાં સ્ટોરી જ એવી હોય ત્યાં ભજન શી રીતે ફીટ થાય? 

તો સાહેબો, ‘જ્હોની મેરા નામ’ને યાદ કરો. એ તો થ્રિલર હતું ને? છતાં પિતાની તલાશ કરી રહેલી હેમામાલિનીને પ્રાણની ગેંગમાં સામેલ થયા પછી એકવાર જ્યારે ભગવાનના મંદિરમાં મૂર્તિનાં ઘરેણાંની ચોરી કરવાની મજબૂરી ઊભી થાય છે ત્યારે ભજન આવે જ છે ને ? 

‘ચૂપ ચૂપ મીરાં રોયે 
દર્દ ના જાને કોયે !’

(આ કૃષ્ણ કનૈયાને સમર્પિત પચ્ચીસમું ભક્તિ ગીત થયું ! હજી એકાદ બે રહી ગયાં હોય તો કોમેન્ટમાં‌ ઉમેરી દેજો. જય
શ્રીકૃષ્ણ !)

પરંતુ મિત્રો, કહેવાનો મતલબ એટલો જ કે જો ફિલ્મમાં ભજન લાવવું હોય તો એની સિચ્યુએશન ઊભી કરવાનું કંઈ મુશ્કેલ નથી! પરંતુ અહીં સવાલ આજકાલના બોલીવૂડીયા સર્જકોની માનસિકતાનો છે ! શું લાગે છે?

***

- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com

Comments