ક્રિકેટની એ રેડિયો કોમેન્ટ્રીઓ !

જો તમે 60 પ્લસ હો તો એક વાત કબૂલ કરવી જ પડશે કે તમે સાવ અડધી ચડ્ડી પહેરતા ટાબરિયાં હતાં ત્યાંથી માંડીને નાડાવાળા પાયજામા પહેરતા થયા ત્યાં સુધીમાં તમારામાંથી નેવુ ટકાએ ના તો સાચુકલી ક્રિકેટ મેચ જોઈ હતી, કે ના સાચુકલો, નવો નક્કોર લાલઘુમ મેચિસ બોલ જોયો હશે ! 

છતાં સાચું કહેજો, અંગ્રેજીમાં આખું એક વાક્ય પણ બોલતાં નહોતું આવડતું ત્યારે પણ ક્રિકેટ મેચોની રેડિયો કોમેન્ટ્રી સાંભળતાં તમારાં રૂવાડાં અધ્ધર થઈ જતાં હતાં કે નહીં ?

એ પેઢીના ટેણિયાં જો ટેકસ્ટ-બુક બહારનું પહેલું અંગ્રેજી વાક્ય બોલતાં શીખ્યા હોય તો એ હતું : ‘…એન્ડ ઇટ ઇઝ ફોર રન્સ !’ (એમાંય અમે તો ‘ફોર’ને  ‘ફૉર’ કહેતા!) એ જમાનો એવો હતો કે થિયેટરમાં ચાલતી હિન્દી ફિલ્મ શરૂ થાય એ પહેલાં જો ન્યુઝ રીલમાં કોઈ ટેસ્ટ-મેચની હાઈલાઇટ્સ (માંડ 10 જ મિનિટની, હોં !) બતાડતા હોય એમાં તો છાપામાં જાહેરખબર આવતી : ‘ઇન્ડીયા ઇંગ્લેન્ડ મેચનું રીલ જુઓ!’ 

ફક્ત એટલી મેચ જોવા ખાતર લોકો ત્રણ ત્રણ વાર પિકચર જોઈ નાંખતા ! (આમાંને આમાં ભા.ભૂ. યાને કે ભારત ભૂષણ જેવાની ફિલ્મ પણ ચાલી જતી હતી.)

એક જમાનામાં ટીવીમાં રામાયણ જોવા માટે ભક્તજનોનું ટોળું ટીવી સામે ભેગું થઈ જતું હતું, એ જ રીતે રેડીયોની આસપાસ ક્રિકેટ ભક્તો ખેંચાઈ આવતા હતા. આજે વિચારીએ તો સાલું, આખા દેશની મુર્ખાઈ ઉપર હસવું આવે, કે જે દેશમાં એ વખતે અંગ્રેજી જાણનારા જ માંડ પાંચ-સાત ટકા હતા, એ દેશમાં રેડિયો કોમેન્ટ્રી માત્ર અને માત્ર અંગ્રેજીમાં આવતી હતી!

જોકે ઇંગ્લીશ શીખવા માટે એ સારામાં સારી રીત હતી ! અમે તો અમારા ઘર આંગણે રમાતી ટેનિસ બોલની ટેણિયા-મેચની કોમેન્ટ્રી પણ ઇંગ્લીશમાં આપતા શીખી ગયા હતા : ‘દિપક ચોટલી ઇઝ કમિંગ ફ્રોમ શામજીકાકાના વાડા… રનિંગ ફાસમ ફાસ… એન્ડ બોલિંગ ફાસમફાસ…! બટ મુકેશ બાંઠિયા ઇઝ ઘુમાવિંગ બેટ વેરી જોર સે… એન્ડ એન્ડ… બોલ ઇઝ ગોંઇગ ઇન ચંપામાસી કા વંડા ! ઇટ ઇઝ ‘ફૉર’ રન્સ !!’

એ જમાનામાં ક્રિકેટ મેદાનની ફિલ્ડીંગ પોઝિશનોને બતાડતો એક ચાર્ટ પણ મળતો હતો… 10 પૈસામાં ! આ ચાર્ટ કંઇ નિશાળમાં દિવાલ ઉપર લટકાવ્યો હોય એવો મોટો ના હોય ! ઉલ્ટું, ઘરકામની નોટમાં ગડી વાળીને સંતાડી શકાય એવો, અને પિકચરની ટિકીટો જે રદ્દી કાગળ ઉપર છપાતી, એવા જ ફાલતુ કાગળ ઉપર છાપેલો રહેતો! પરંતુ અમે અને અમારા ક્રિકેટઘેલા સાથીઓ જુની નોટનું પૂઠું ફાડીને ગુંદર વડે એની ઉપર ચાર્ટ ચોંટાડતા ! પછી જ્યારે બે પોળો વચ્ચે કે બે સોસાયટીઓ વચ્ચે મેચ હોય ત્યારે (ઝિરોમાં આઉટ થયા પહેલાં અથવા મુરખની જેમ રન-આઉટ થયા પછી) કોઈ ઝાડ નીચે બેસીને, ઇંગ્લીશમાં કોમેન્ટ્રીઓ આપતા હતા !

હવે તમે જ વિચારો, જ્યાં ‘મેદાન’ જ માંડ 20 ફૂટ બાય 30 ફૂટનું હોય ત્યાં વળી ‘ફિલ્ડ પ્લેસિંગ’ કેવું હોય? છતાં કોમેન્ટ્રી આપતા હતા : ‘કનુ કાકડી ઇઝ વિકેટકીપર… વિનુ ફાંકોડી ઇઝ વેરી ક્લોઝ ઓન મિડ-ઓફ, જીતુ ડાબોડી ઇઝ મિડ ઓન, એન્ડ બાકીના પ્લેયર્સ નિયર ઓટલા, ઝાંપા એન્ડ કંપાઉન્ડ વોલ…’ 

મઝાની વાત એ હતી કે અમારી મેચોમાં રનો માટેની ખાસ દેશી ટર્મિનોલોજી હતી. જેમાં ‘વન-ડી’ ‘ટુ-ડી’ અને ‘થ્રી-ડી’ આવતી હતી ! સાવ નજીક, ડાબે મંછામાસીના ઓટલે અને જમણે શાંતામાસીના ઓટલે બોલ જાય તો ‘વન-ડી’… જરાક દૂર શામજીકાકાની ભીંતે અથવા છોટુકાકાની ભીંતે બોલ ટચ થાય તો ‘ટુ-ડી’  એ ટપ્પી પડ્યા વિના એ બે ભીંતે બોલ ટકરાય તો ‘થ્રી-ડી’! (આ થ્રી-ડી ફિલ્મો તો 50 વરસ પછી આવી, બોસ.)

રેડિયો કોમેન્ટ્રીનું સૌથી એક્સાઇટિંગ પાસું એટલે એનો ઘોંઘાટ ! ભારતની બેટિંગ ચાલતી હોય અને સતત થોડી થોડી વારે ઘોંઘાટ થયા કરતો હોય તો સમજવું કે ભલે ઠિચૂક ઠિચૂક, પણ રન લેવાઈ રહ્યા છે ! જો અચાનક ઘોંઘાટ વધી જાય તો માનવું કે ચોગ્ગો વાગ્યો છે ! અને કોમેન્ટેટર પણ ઊંચા અવાજે રાડો પાડે તો નક્કી છગ્ગો ! પણ બોસ, જો રેડિયોમાં ઘોંઘાટ ના સંભળાય તો છાતીના ધબકારા ઓછા થઈ જતા હતા! સાલું ધડાધડ બબ્બે વિકેટો ગઈ કે શું?

મોટા થયા પછી જ્યારે ટીવીમાં મેચો જોઈ ત્યારે અમને સૌથી મોટો આઘાત એ લાગ્યો હતો કે, ‘અલ્યા? આમાં ‘ટ્રાયલ બોલ’ હોય જ નહીં?’ મેચ ચાલુ થાય કે તરત રમવા જ માંડવાનું ?

બીજો આઘાત એ લાગ્યો હતો કે જ્યારે ફાસ્ટ બોલિંગ ચાલી રહી હોય ત્યારે પેલો વિકેટકીપર છેક આખેઆખી પિચ જેટલો દૂર ઊભો હોય? પેલા 10 પૈસાવાળા ચાર્ટમાં તો એવું કશું બતાડ્યું જ નહોતું ! (ચિટીંગ કહેવાય ને?)

અને બોલો, તમે બધા એગ્રી થશો કે રેડિયો કોમેન્ટ્રીનો સૌથી મોટો વિલન કોણ હતો? યસ! પેલા ધીમી ગતિના સમાચાર!

સાલું, અમને હજી સુધી એ નથી સમજાયું કે ભારતની આઠ વિકેટ પડી ગઈ હોય, એક છેડો આબિદ અલીએ માંડ માંડ જાળવી રાખ્યો હોય અને ભારત ‘ફોલ-ઓન’થી બચવા મથી રહ્યું હોય ત્યારે કયા ‘સમાચાર’ મહત્વના હોય? ધીમી ગતિના? કે ધીમી છતાં મક્કમ બેટિંગના?

***

- મન્નુ શેખચલ્લી

E-mail :mannu41955@gmail.com

Comments

  1. Voh kagaz ki kashti, barish ka pani.pleasure of childhood with out લક્ઝરી.

    ReplyDelete
  2. ખરેખર અમેં આ બધું જ અનુભવ્યું છે...્અમતઓ સુશીલ દોશીની કોમેનટરીની કોપી કરતા.. એમની હિન્દી કોમેનટરી સાંભળવાની મજા જ કંઈક ઔર હતી.... રેડિયો પછી એ ટીવી પર કોમેનટરી આપતા પણ રેડીયો જેવી મજા નહોતી આવતી....્

    ReplyDelete
  3. હા. એ જમાનાના કોમેન્ટેટરો સુરેશ સરૈયા, બાલુ અલગનન, બોબી તાલ્યારખાન, વગેરેને રેડિયો પર સાંભળી સાંભળીને તો મોટા થયા છીએ.

    ReplyDelete

Post a Comment