પાકિસ્તાની જોક !

લોકો ઇઝરાયેલ અને ગાઝા પટ્ટીની ચિંતા કરે છે પણ આ બાજુ પાકિસ્તાનની પણ કોઈ ચિંતા કરો સાહેબો! જુઓ…

*** 

કલ્લુમિયાં રાવલપિંડીમાં ત્રણ કલાકથી રેશનની દુકાને લોટ લેવા માટે લાઇનમાં ઊભા હતાં. છેવટે એમનો નંબર આવ્યો ત્યારે દુકાનદારે દુકાનનું શટર પાડતાં કહી દીધું :

‘માફ કરો ! આટે કા સ્ટોક ખતમ હો ગયા!’

કલ્લુમિયાંની ખોપડી હટી ગઈ. એ એક ખાલી પીપ ઉપર ચડીને મોટે મોટેથી સરકારને ભાંડવા માંડ્યા.

‘સાલી, આ કઈ જાતની સરકાર છે? લોટનો સ્ટોક ખલાસ થઈ જાય છે.. ખાંડનો સ્ટોક ખલાસ થઈ જાય છે… કેરોસીનનો સ્ટોક ખતમ થઈ જાય છે… દાળનો સ્ટોક ખતમ થઈ જાય છે… તો પછી આ બધી રેશનની દુકાનો શા માટે ખોલીને રાખી છે ? હું કહું છું એ લખી રાખજો, આ શાહબાજ શરીફ આખા પાકિસ્તાનને કબ્રસ્તાન બનાવીને જ દમ લેશે !’

એક હટ્ટોકટ્ટો પોલીસ હવાલદાર આ તમાશો ક્યારનો જોઈ રહ્યો હતો. છેવટે તેણે કલ્લુમિયાં પાસે આવીને કહ્યું : 

‘મિયાં, શુક્ર કરો કે પાકિસ્તાનમાં આજે શાહબાજ શરીફનું રાજ છે. બાકી જો પરવેઝ મુશર્રફનું રાજ હોત તો અત્યારે તમને-’

‘અત્યારે મને શું ?’ કલ્લુમિયાં જુસ્સામાં આવીને પીપ ઉપરથી કૂદીને સામે આવી ગયા.

જવાબમાં હવાલદારે કલ્લુમિયાંના કપાળ ઉપર બે આંગળી મુકીને ‘ભિશૂમ્મ…’ એવો અવાજ કર્યો.

કલ્લુમિયાં જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે બીબીએ પૂછ્યું ‘આટા લે આયે?’

કલ્લુમિયાં કહે છે ‘સરકાર પાસે આટાનો સ્ટોક ખતમ થઈ ગયો છે. પણ ચિંતા ના કરીશ. બીજી એક જોરદાર ખુશખબરી છે !’

‘શું?’

‘સરકાર પાસે ગોળીઓનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments