ચૂંટણીનો ચમત્કાર !

પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકીય કાર્યકરો જોશમાં આવી ગયા છે !

આવા જ એક કાર્યકર વાજીકરણની દવાઓ આપનારા વૈદ્યરાજ પાસે પહોંચીને કહેવા લાગ્યા : ‘હમરી ખોઈ હુઈ તાકત લૌટા દો ! હમારી ઇજ્જત ખતરે મેં હૈ, ઔર સુસરા ઇલેક્સન સર પે હૈ !’

વૈદ્યરાજ કહે ‘અરે ભાઈસા’બ, મારી દવાઓ તો સુખી લગ્નજીવન માટે છે. એ ચૂંટણીમાં શું કામ આવશે?’

‘વૈદ્યરાજ, તમે સમજતા નથી. પાંચ વરસ પહેલાં મારી કાળી ઘટાદાર મૂછો હતી. પહોળી છાતી હતી. બાવડામાં ફૂલેલા મસલ્સ હતા જ્યાં પણ ચૂંટણી ફંડ ઉઘરાવવા જાઉં ત્યાં લોકો ફફડી જતા હતા.. પણ આજે સાલું, કૂતરું ય સામું ભસે છે !’

‘તો?’

‘અરે ચૂંટણીફંડ મળતું નથી એટલે પાર્ટીની ઓફિસમાં મારે કોઈ ભાવ નથી પૂછતું ! આમ ને આમ ચાલ્યું તો આપઘાત કરવાનો વારો આવશે !’

વૈદ્યરાજ કહે ‘ચિંતા ના કરો. હું તમને બે ચાર એવી દવાઓ આપું છું જેનાથી તમારી આંખો લાલઘુમ થઈ જશે ! અવાજ પહાડી બની જશે ! ચહેરાની નસો ફૂલી જશે અને છાતી ટટ્ટાર થઈ જશે ! ભલભલા લોકો કમ સે કમ દેખાવથી જ ડરી જશે !’

કાર્યકર દવા લઈને ગયો. દસ દિવસ પછી વૈદ્યરાજ એને રસ્તામાં મળી ગયા. એમણે પૂછ્યું ‘દવાની કંઈ અસર થઈ?’

કાર્યકર કહે ‘વાત ના પૂછો વૈદ્યરાજજી! તમારી દવા તો જાદૂઈ છે. લોકો મને જોતાંની સાથે જ ફફડી ઊઠે છે ! મારા રૂઆબ વડે આજકાલ હું રોજના ત્રીસ ચાલીસ હજાર ઉઘરાવી લઉં છું!’

‘વાહ, તો તો હવે પાર્ટી ઓફિસમાં પણ તમારો વટ પડતો હશે, નહીં?’

‘પાર્ટી ઓફિસ?’ કાર્યકરે મૂછ મરડતાં કહ્યું, ‘હવે પાર્ટી ઓફિસે જવાની જરૂર જ ક્યાં છે?’

***

- મન્નુ શેખચલ્લી

Comments