કાગડાઓનાં સુલક્ષણો !

આજકાલ શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યું છે. આપણે કાગડાઓને વરસના આટલા દિવસોમાં જ યાદ કરીએ છીએ પરંતુ યાદ રહે, આ કાગડાઓમાં કેવા કેવા ગુણ ભર્યા છે !

*** 

રંગભેદ વિરોધી છે
‘કાગડાઓ બધે જ કાળા’ એ માત્ર કહેવત નથી. કાગડાઓની પોલીસી છે ! માણસોની જેમ કાગડાઓમાં ધોળા, બ્રાઉન, પીળા વગેરે ટાઈપના રંગભેદ હોતા જ નથી.

*** 

નારી સમાનતામાં માને છે
શું તમે દૂરથી જોઈને કહી શકો કે એ કાગડો છે કા કાગડી ? કેમકે એમનામાં સદીઓથી ‘જેન્ડર ઇક્વાલિટી’નો કોન્સેપ્ટ ચાલ્યો આવે છે !

બીજું, એમણે કાગડીઓને માળા બાંધવાની કે સંતાનોને ઉછેરવાની જફામાં બાંધી રાખી નથી. એ આખો કારભાર કોયલને સોંપી દેવાય છે !

*** 

પર્યાવરણમાં સ્વચ્છતા રાખે છે
કબૂતર કે ચકલીઓની જેમ એમની અઘાર તમને ક્યાંય જોવા નહીં મળે ! (સિવાય કે તમે પર્યાવરણ વિરોધી વિચારો રાખતા તો કાગડો બરોબર તમારા માથે જ ચરકશે!)

બીજું, મરેલાં ઢોલ, કૂતરાં, ઉંદર, પક્ષીઓ વગેરેના મૃતદેહોનો નિકાલ આ લોકો નિયમિત રીતે કરતા રહે છે. આવું કામ તો સફાઈ કર્મચારીઓ પણ નથી કરતાં ! બોલો.

*** 

પરલોકના પાસપોર્ટ વિઝા છે
ભગવાને એમને VIPનો દરજ્જો આપ્યો છે જેથી તેઓ આ લોકમાંથી સદેહે પરલોકમાં જઈને તમારા પિતૃઓને તર્પણ પહોંચાડે છે.

*** 
સ્પેશીયલ કુરિયર / હવાલા સેવા આપે છે
તમે ધરાવેલા ભોજનને ગ્રહણ કરીને તાત્કાલિક પરલોકમાં તેનો હવાલો પાડી આપે છે ! ગીધ, ગરુડ કે સમડીઓ પણ આવી સર્વિસ નથી આપતાં.

*** 
સંગીતમાં સમાન-અધિકાર છે
બધાના ગળામાં એક જ સૂર છે ! એક જ બોલ છે ! અને એક જ તાલ છે ! સંગીતની બાબતે તો શ્રેષ્ઠ ‘સામ્યવાદીઓ’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments