આજકાલ શ્રાદ્ધપક્ષ યાને કે સરાદિયાં ચાલી રહ્યાં છે. આખા વરસમાં આ જ એક સમય હોય છે જ્યારે માણસજાતનું ધ્યાન આ પક્ષી ઉપર જાય છે. જરા સાંભળો, ક્યાંક એ કાગડાઓની સભા ભરાઈ લાગે છે !
***
‘હલોઓઓ… કાઆ… કાઆ… કાઆઆ.. ભઈ શાંતિ રાખો થોડી વાર માટે…’
‘એક મિનિટ ! આ શાંતિનો ઠેકો તો કબૂતરોએ લઈ રાખ્યો છે. આપણે એ જફામાં શું કામ પડવું છે ?’
‘સાચી વાત છે. આપણે કંઈ ઓછી જફાઓ લઈ રાખી છે?’
‘સોરી હોં ? એવી તે શું મોટી જવાબદારીઓ છે કાગડા સંપ્રદાયને માથે? આપણી કાગડીઓ તો ઇંડા પણ કોયલના માળામાં મુકી આવે છે !’
‘કાઆ… કાઆ… કાઆ… મતલબ કે નાઆ… નાઆ… નાઆ..! આ બિલકુલ વાહિયાત આરોપ છે. અમે કાગડીઓ એનો સખત વિરોધ કરીએ છીએ !’
‘લો બોલી મોટી કાગડીઓ ! થોડી ટીવી સિરિયલો જોવાનું રાખો મારી ભાભીઓ ! એમાં તમને જાણવા મળશે કે એક માં હોના ક્યા હોતા હૈ !’
‘આહાહા… તો તમે કાગડાઓ ન્યુઝ ચેનલો જોઈ જોઈને આખરે આ જ શીખ્યા છો ને ? કારણ વિના કા… કા… કરીને દરેક વાતમાં કાળો કકળાટ મચાવવાનું ?’
‘હલોઓઓ… શાંતિ… શાંતિ…’
‘ફરી પાછું કબૂતરવાળું ?’
‘પ્લીઝ યાર, જુઓ, આપણે આ શ્રાધ્ધપક્ષ બાબતે થોડી ચર્ચા કરવા ભેગા થયા છીએ.’
‘એમાં પણ કંઈ ઓછી જફા છે ? આખા વરસમાં આવડી મોટી માનવજાત ફક્ત એક જ પખવાડીયા માટે આપણને યાદ કરે છે.’
‘યસ, અને બાકીના આખા વરસમાં આપણને એંઠવાડ સિવાય બીજું કંઈ આપે છે ખરા?’
‘પોપટ અને મેનાને બોલતાં શીખવાડશે. મોર જોડે સેલ્ફીઓ લેશે, કબૂતરને શાંતિદૂત કહેશે, પણ-’
‘ફરી પાછું કબૂતર?’
‘પણ આપણા માટે ? કાગડા બધે કાળા !’
‘કાઆ… કાઆ… કાઆ…’
‘મારો પ્રસ્તાવ છે કે પેલા ચૌદ ન્યુઝ એન્કરોની જેમ આપણે પણ પંદરમાંથી 14 તિથિઓએ શ્રાધ્ધભોજનનો બહિષ્કાર કરવો જોઈએ !’
(પરંતુ ક્યાંકથી મીઠી ખીરની સુગંધ આવતાની સાથે, તમામ કાગડાઓ સભાનો જ બહિષ્કાર કરીને ઉડી જાય છે.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment