‘રામચંદ્ર કહ ગયે સિયા સે,
ઐસા કલજુગ આયેગા…
હંસ ચુગેગા દાના ધૂન કા,
કૌવા મોતી ખાયેગા…’
આ ભજનમાં ગીતકાર ઇન્દીવરે એકાદ અંતરામાં એવી ભવિષ્યવાણી પણ કરવા જેવી હતી કે
‘વેબસિરીઝ મેં ગાલી હોગી,
ભજન કોઈ ના ગાયેગા!’
તમે જુઓ સાહેબો, આજકાલની ફિલ્મોમાં ભજનો જ ક્યાં હોય છે ? છેલ્લું ભજન જે થોડું ઘણું ફેમસ થયું તે ‘લગાન’ ફિલ્મમાં હતું ‘ઓ પાલનહારે… તુમ રે બિન હમરા કૌનો નાહીં…’ (2003) એ તો ઠીક, હમણાં થોડાં વીક પહેલાં એક ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી’ નામની ફિલ્મ આવી છે જેનો હિરો પોતે એક ભજનિક છે છતાં એમાં એને કોમેડીયન જેવો બતાડ્યો છે, જે ‘કન્હૈયા ટ્વિટર પે આ જા’ જેવા શબ્દો ઉપર ગાયનની જેમ જગરાતામાં ‘નાચતો’ બતાડ્યો છે ! વીસ વરસમાં ભજનની આ દશા કરી છે આપણા બોલીવૂડે !
બાકી એક જમાનો હતો જ્યારે ‘દો આંખે બારહ હાથ’ જેવી ફિલ્મમાં બાર ખૂંખાર કેદીઓ પોતાનું જીવન સુધારવાના પંથ ઉપર આવે છે ત્યારે ગાય છે :
‘એ માલિક તેરે બંદે હમ,
ઐસે હોં હમારે કરમ;
નેકી પર ચલેં ઔ બદી સે ટલેં,
તાકી હંસતે હુએ નિકલે દમ…’
પરંતુ કવિ પ્રદીપજી વરસો પહેલાં પોતે લખેલું ભજન પોતે ગાઈને કહી ગયા હતા કે ‘દેખ તેરે સંસાર કી હાલ ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન!’ આજે ગાવું પડે કે ‘કિતની બદલ ગઈ ફિલ્મેં !’
જોકે હકીકત તો એ છે કે મામૂલી ઇન્સાનો તો જરાય નથી બદલાયા, પણ બોલીવૂડની ફિલ્મો જ બદલાઈ ગઈ છે ! ભારતના ભોળા ઇન્સાનો તો હજીયે સારાં ભજનો આવે તો ગાવા (અને ઝીલવા પણ) તૈયાર છે પરંતુ એવા ભજનો બનવાં પણ જોઈએ ને ?
આપણી જુની હિન્દી ફિલ્મોમાં તો ગીતકારો સંગીતકારો અને ગાયકોએ પુરેપુરી ભક્તિ અને પ્રેમથી બનાવેલાં ભજનો આપણને ખોબલે ખોબલે આપ્યાં છે પણ પેલું ફિલોસોફીકલ ભજન છે ને :
‘બહોત દિયા દેનેવાલે ને તુજ કો,
આંચલ હી ના સમાયે તો ક્યા કીજે?’
આજે હાલત એવી છે કે નવાં ભજનો માત્ર યુ-ટ્યુબમાં જ આવે છે જેમાં કોઈ ફિલ્મી કલાકારો નથી હોતા. બલ્કે કોમર્શિયલ ભજનકારો જ હોય છે. બીજી બાજુ યુ-ટ્યુબમાં ડઝનના હિસાબે રિ-મિક્સ ગાયનો ગાનારા તથા વેસ્ટર્ન સ્ટાઇલમાં અગડમ બગડમ શબ્દોવાળાં લવ-સોંગ, દારૂ-સોંગ અથવા ડાન્સ-સોંગ લઈને ઘણાં આવે છે પણ કોઈ માઈનો લાલ એવો ગાયક નથી જે લાઈવ પરફોર્મન્સમાં ભજન પણ ગાતો હોય !
બાકી, એક જમાનો હતો જ્યારે ભજનો સુપરહિટ થતાં હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે મનોજ કુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’માં જે આરતી હતી ‘ઓમ જય જગદીશ હરે…’ તેની રેકોર્ડઝનું એ વરસમાં રેકોર્ડો તોડી નાંખે એટલું સૌથી વધુ વેચાણ થયું હતું !
એ જ રીતે, તમને યાદ હોય તો ‘ગીત ગાતા ચલ’ ફિલ્મમાં રવિન્દ્ર જૈને હિરો પાસે સીધેસીધી તુલસીદાસની ચોપાઈઓ જ ગવડાવી હતી ‘મંગલ ભવન અમંગલ હારિ..’ (બાય ધ વે, એ ફિલ્મમાં પણ હિરો ભજનિક જ હતો ! બસ. આ જ ફરક છે.)
અગાઉ જે સ્થિતિ હતી તેને એમ સમજો ને, કે ‘ભજન બિના ચૈન, ના આયે રામ…’ (આ ભજન કલ્યાણજી આનંદજીએ મશહૂર કવ્વાલ અઝીઝ નાઝા પાસે ગવડાવ્યું હતું) ભારતીય નાટ્ય શાસ્ત્રમાં નવ રસ ગણાવ્યા છે જેમાંનો એક રસ છે ભક્તિ રસ.આજે લોકો મંદિરોમાં લાખની સંખ્યામાં જાય છે. ધર્મનો પ્રચાર અને પ્રભાવ પહેલાં કરતાં અનેક ગણો વધ્યો છે. પણ બોલીવૂડના ફિલ્મી લોકોને તેની કંઈ ખબર જ નથી અથવા પરવા પણ નથી.
આજે પણ માણસ મુસીબતમાં આવે ત્યારે ભગવાનને શરણે જાય છે. કોઈ ચમત્કાર થાય એવી આશા પણ રાખે છે. પરંતુ બોલીવૂડના દિમાગમાં કોઈ ચમત્કાર થાય એવી આશા ઠગારી લાગે છે.
અગાઉની ફિલ્મોમાં ભજન આવે ત્યારે કંઈક ચમત્કાર થાય એવું ઘણીવાર બનતું હતું. ‘અમર અકબર એન્થની’માં પણ એક મુસ્લિમ કવ્વાલ (જોકે જન્મે હિન્દુ, હોં!) ‘શીરડીવાલે સાંઈબાબા..’ ગાય ત્યારે આંધળી માતાની આંખોમાં દીવા પ્રગટે છે. ‘ફૂલ ઔર પથ્થર’ જેવી ફિલ્મમાં એક બાજુ મીનાકુમારી મંદિરમાં ‘સુન લે પુકાર…’ ગાતી હોય અને બીજી બાજુ ગાયનનો એન્ડ આવતાં આવતાં બેભાન થયેલો ધર્મેન્દ્ર ભાનમાં આવી જાય છે.
વળી એવું પણ નહીં કે મોટા લોકો જ ભગવાન પાસે ભજન ગાતા હોય. ‘હરિશ્ચંદ્ર તારામતી’મા તો રાજા હરિશ્ચંદ્રનો બાબો પણ ડાયરેક્ટ મંદિરમાં જઈને ભગવાનને ફેસ-ટુ-ફેસ કહેતો હતો કે ‘મૈં ઇક નન્હા સા, મૈં એક છોટા સા બચ્ચા હું, તુમ હો બડે બલવાન… પ્રભુજી મેરી લાજ રાખો.. '
‘સંત જ્ઞાનેશ્વર’ તો આખું ભજનથી જ ભરેલું હતું. એકથી એક સુપરહિટ ગાયનો હતાં. ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો’, ‘જય જય રામ, ક્રીષ્ન હરે’, ‘જાગો રે જાગો પ્રભાત આયા’ વગેરે. પણ એમાં જે વિરહનું પ્રેમગીત હતું એ પણ જાણે કૃષ્ણ ભગવાનને સંબોધીને ગવાતું હોય તેવું હતું ‘ખબર મોરી ના લીની રે, બહોત દિન બીતે…’
અગાઉની ફિલ્મોમાં જે લવ-સોંગ હતા એમાં પણ ક્યાંકને ક્યાંક ભગવાનની સરખામણી (અથવા સંડોવણી) થતી હતી. જેમ કે ‘રામ તેરી ગંગા મૈલી’માં ‘એક રાધા એક મીરાં, અંતર ક્યા દોનોં કી પ્રીત મેં બોલો..’ કે પછી ‘સિલસિલા’માં જયા ભાદૂરી સીધું જ મીરાનું ભજન ગાય છે : ‘જો તુમ તોડો પિયા, મૈ નાહીં તોડું રે…’
રાજકપૂરે તો ‘સંગમ’ ફિલ્મમાં ભલે લવ-ટ્રાએંગલની સ્ટોરી કીધી હોય પણ એનાં મુખ્ય પાત્રોનાં નામો જ કૃષ્ણની પ્રેમકહાણી સાથે જોડાયેલાં છે. હીરોઈન ‘રાધા’ છે, જે ‘ગોપાલ’ને પ્રેમ કરે છે પરંતુ લગ્ન તો ‘સુંદર’ સાથે થાય છે ! એટલે જ રાજકપૂરે બીજી એક ફિલ્મમાં છેક ક્લાઈમેક્સમાં જ્યાં હીરો-હીરોઈન છૂટાં પડી ગયા છે ત્યારે બેકગ્રાઉન્ડમાં ભજન મુક્યું છે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્…’
આજે ખરેખર અફસોસ થાય છે કે ‘આદિપુરુષ’ જેવી ફિલ્મમાં આપણા આ ભૂલાઈ રહેલા ભક્તિરસને પુરેપુરો બહેલાવવાની તક હતી છતાં તે વેડફાઈ ગઈ…!
હશે, ‘સબ કો સન્મતિ દે ભગવાન’ બીજું શું ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment