એક સમાચાર છે કે બળાત્કારના એક ગુનેગારને 30 વરસ પછી અદાલતે સજા કરી ! બીજા ન્યુઝ છે કે કોર્ટે ઓર્ડર કર્યા પછી 19 વરસે પોલીસે ગુનેગારની ધરપકડ કરી !
મિત્રો, માત્ર ન્યાયતંત્ર અને પોલીસતંત્રમાં જ ટ્યુબલાઇટો હોય છે એવું નથી ! ટ્યુબલાઇટો તો બધે જ છે ! સવાલ નજરનો છે…
***
કેનેડાના વડાપ્રધાને ત્યાંની પાર્લામેન્ટમાં એક જુના નાઝી લશ્કરી અફસરનાં વખાણ થઈ ગયાં પછી કહ્યું કે ‘ભૂલ થઈ ગઈ !’
- આને કહેવાય ટ્યુબલાઇટ !
***
એ તો ઠીક છે, પણ આપણું ચંદ્રયાન હવે ચંદ્ર ઉપર પહોંચ્યા પછી ‘ઠરી’ ગયું છે ! કોઈ સંદેશા મોકલી શકતું નથી !
- તો આપણને હવે મોડે મોડે ટ્યુબલાઇટ ન થવી જોઈએ ? કે અલ્યા, ચંદ્રયાનને મોકલ્યું ’તું શેના માટે ? પબ્લિસીટી માટે ?
***
એમ તો વિરોધપક્ષોને છેક નવ વરસ પછી ટ્યુબલાઇટ થઈ છે કે પેલા 14 ન્યુઝ એન્કરોના પ્રોગ્રામોમાં જવાનું જ નહોતું ! બોલો.
***
અને ભાજપને પણ મોડે મોડે ટ્યુબલાઇટ થઈ... જ્યારે વિપક્ષોએ પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખી લીધું !... કે અલ્યા આપણા દેશનું નામ તો ‘ભારત’ છે !
***
તમે ખાસ માર્ક કરજો, જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જ અમુક નેતાઓ રાતોરાત પક્ષપલટો કરે છે ! કેમ ? શું એમને પાંચ વરસ સુધી ટ્યુબલાઇટ નહોતી થતી કે પોતે જે પક્ષમાં છે ત્યાં મોટા લોચા હતા ?
***
એમ તો જ્યારે છાપામાં વાંચીએ છીએ કે રાજ્યના અને દેશના GST કલેક્શનમાં ગયા વરસ કરતાં જોરદાર વધારો થયો છે... ત્યારે આપણે હરખાઈએ છીએ !
અરે ભાઈ, તમને ટ્યુબલાઇટ કેમ નથી થતી કે એ તમામ પૈસા તો તમારા જ ખિસ્સામાંથી જઈ રહ્યા છે !
***
અને આજે 1 ઓક્ટોબરે સવારે એક કલાક માટે કંઈ હજારો લોકો સફાઈ અભિયાનમાં જોડાઈને ઠેર ઠેર ઝાડુ મારશે !
ટ્યુબલાઇટ એ છે કે બોસ, ત્યાં સફાઈ કર્મચારીઓ શું કરે છે, આખું વરસ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment