G20 પછીની ઓટલા પંચાત !

જે રીતે લગ્ન પ્રસંગ પછી બૈરાંઓ પંચાત કરતાં હોય છે તે રીતે જો રાજકીય કાર્યકરો G20 સંમેલન પછી ખણખોદ કરતા હોય તો શું શું સાંભળવા મળે ? એક ઝલક...

***

‘જોયું ? આખ્ખરે ચીનવાળા જિનપિંગ ભ’ઈ ના જ આયા ને ? બળ્યું, ચાર દા’ડા માટે ગ્યા હોત તો શું ખાટુંમોળું થઈ જવાનું હતું ?’

‘એ તો જમણવારમાં આપડે સાપ અને ઉંદરડા ને એવું બધું નંઈ રાખેલું ને, એટલે !’

‘લે, એવું તો ચાલતું હશે ? એમ તો આપડે ચિકન, પોર્ક ને ઇંડા-આમલેટ નહોતાં રાખ્યાં તોય અમેરિકાવાળા આયા કે નંઈ ? યુરોપવાળા બી આયાં, બોલો !’

‘એ ખરું, પણ બધું વેજિટેરિયન રાખેલું એમાં ખમણ-ઢોકળાં ને ઢેબરાં થોડાં વધારે રાખવા જોઈતા’તા નંઈ ?’

‘બળ્યું… આ મોદીભઈ ખરા કે’વાય નંઈ ? એ પોતે ફોરેન જાય તોય બધું દેશી વેજિટેરિયન બનાવડાવે અને ફોરેનવાળા અંઈ આવે તોય દેશી વેજિટેરિયન જ ખવડાવે !’

‘તોય બધાં આયાં ને !’

‘પણ રશિયાવાળા પુતિનકાકા ના આયા હોં !’

‘પણ એ કાકાને પોતાનાં દેશમાં ઓછી ઉપાધિઓ છે, બિચ્ચારાને ? તંઈ અગાડી યુક્રેનમાં લડાઈ ચાલુ છે… એ બધું મે’લીને આ બાજુ આયાં હોય… ને ક્યોંક ત્યોં અગાડી નવું હળગે તો ?’

‘બાકી પુતિનકાકાની ભાવના ખોટી નંઈ, હોં ! વિડીયોથી મેસેજ બી મોકલાયેલો… બોલો.’

‘અને બોલો, ઇંગ્લેન્ડવારા સુનકભઈ તો મંદિરે દરસન કરવા ય જઈ આયા !’

‘અલ્યા, જાય જ ને ? ઇન્ડિયા તો ઇનું હાહરું છે ! પેલા ઇનફોશિશવારા સુબ્રમણિયમ્ નંઈ ? એના આ જમઈ થાય !’

‘પણ એક વાત ના હંમજઈ… આ રાહુલ બાબા ચમ રીસઈને ફોરેન જતા ર’યા?’

‘અલી બૂન… મોટા પ્રંસગમોં કોક ને કોકને ખોટું તો લાગવાનું જ ! ચેટલાને હાચબ્બાના ?’

‘પ્રસંગ લઈને બેઠા એટલે કંઈક તો આડું અવળું થાય જ ! જુઓ, વરસાદ પડ્યો તો ‘મંડપમ્’મોં પોંણી ના ભરઇ જ્યાં ?’

‘હા, પણ અગાઉથી તાડપત્રીની વ્યવસ્થા નંઈ કરેલી ઈમોં ને ? પણ એ છોડો, આ બધામાં આપડોંને શું મલ્યું ?’

‘વિડીયોના પરસાદ ! બીજુ શું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments