'આ વન નેશન, વન ઇલેક્શનની વાત તમને કેવી લાગે છે ?' અમે સીધા પોઇન્ટ ઉપર આવી ગયા.
'જાવા દ્યે ને મન્નુડા, આની પહેલાં વન નેશન, વન ટેક્સના નામે આપણે છેતરાઇ ચૂક્યા છંઈ !'
'કેમ, હવે તો ફક્ત જીએસટી જ -'
'તો આ ઇન્કમટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, ગિફ્ટ ટેક્સ, સર્વિસ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, વેલ્યુ એડેડ ટેક્સ... ઇ હંધુય શું છે?'
'ઇ તો-' અમે અકળાયા. 'તમે મૂળ વાતને આડે પાટે નો ચડાવો. સીધું બોલો. આ તમામ ચૂંટણીઓ એકી હાર્યે થાય એમાં દેશના કરોડો રૂપિયા બચી તો જાય ને ?'
'બચી બચીને કેટલા બચે ? જરા ગણિત માંડી જો, મારા વ્હાલા ! લોકસભાની ચૂંટણીમાં સરકારને માત્ર 3500 કરોડનો બોજો છે. તું ઇમાં વિધાનસભાઉંની ચૂંટણીનો ખર્ચ ઉમેર, તો બધુ થઈને 10,000 કરોડ થાય ! વ્હાલીડા, દહ હજર કરોડ તો આપણા કેન્દ્રિય બજેટમાં પાશેરાની પૂણી જેવું થ્યું ! કેમકે આપણું કેન્દ્રિય બજેટ અધધધ પુરા 45 લાખ કરોડનું છે ! રાજ્યોનાં બજેટું તો અલગ !'
અમે માથું ખંજવાળવા લાગ્યા. છતાં દલીલ કરી કે 'એકવાર ચૂંટણી થઈ જાય પછી સરકારો પ્રજાનાં કામોમાં જ ધ્યાન આપી શકે ને ?'
'અલ્યા મન્નુડા ! તને કોણે કીધું કે આ હંધાય ગિલિન્ડરો જે ચૂંટણીયું લડે છે ઈ પરજાની સેવા માટે લડે છે ?'
'પણ-'
'ઇ ખાઉધરાવને તો પછી ફાવતું મળી જાશે ને કે પાંચ વરહ લગી પરજાને મોઢું જ નહીં બતાડવાનું !'
'હા, પણ ચૂંટણીઓમાં રાજકીય પક્ષો જે ખર્ચા કરે છે...'
'ઇ જ તો મોટી ઇકોનોમી છે ગાંડા ! મંડપવાળા, માઇકવાળા, પોસ્ટરવાળા, રેલીમાં ફૂડ-પેકેટું સપ્લાય કરનારા, દારૂ સપ્લાય કરનારા, ભીડ ભેગી કરી આપનારા, ટીવી ચેનલુંવાળા...'
'બસ બસ.' અમે કહ્યું. 'કોરોના વખતે જેમ દારૂડિયાઓ દેશની ઇકોનોમી ટકાવી રાખતા હતા એવું જ કંઈક -'
'હવે હઇમજ્યો, તું !'
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment