આ દેશમાં કામ કરવાની અને કરાવવાની ત્રણ જાતની મેથડ પ્રચલિત છે ! જુઓ.
***
કામ કરવાની મેથડ
સરકારી મેથડ : બે કલાકનું કામ બે દિવસ સુધી… જરૂર પડે તો બે મહિના સુધી ખેંચે રાખો.
NGO મેથડ : બે દિવસનું કામ કરવામાં બે વરસ લગાડો પણ એનું રિસર્ચ, ડોક્યુમેન્ટેશન, પ્રેઝન્ટેશન, વિડીયો, PPT, બુકલેટ, ચાર્ટ વગેરે જોરદાર બનાવો.
રાજકીય મેથડ : બે દિવસના કામનું ટેન્ડર ૨૦૦ દિવસના હિસાબે બહાર પાડો અને જાહેર કરો કે ૨૦૦ કરોડનું કામ થઈ રહ્યું છે !
***
રૂપિયા બનાવવાની મેથડ
સરકારી મેથડ : બે કલાકનું કામ બે મહિના સુધી નહીં કરવાથી જેને કામ કરવાની ગરજ હશે તે સામેથી આવીને રૂપિયા આપી જશે !
NGO મેથડ : બે દિવસનું કામ બે વરસ સુધી કરીને એનું જોરદાર પ્રેઝન્ટેશન કર્યા પછી એનો વિરોધ કરાવડાવો ! અને વધારે ફંડ મેળવો !
રાજકીય મેથડ : બે દિવસના કામને ૨૦૦ દિવસનું ગણાવીને ટેન્ડર બહાર પાડ્યા પછી કામમાં વિલંબ થવાને કારણે ભાવવધારાને બહાને વધુ રકમો મંજૂર કરો અને દરેક વખતે 40 ટકા કમિશન ખાઓ.
***
પ્રમોશન લેવાની મેથડ
સરકારી મેથડ : કંઈ જ કરવાનું નથી ! જેમ જેમ નોકરીમાં વરસો જશે તેમ તેમ માત્ર ‘સિનિયોરીટી’ને કારણે પ્રમોશનો મળતાં રહેશે.
NGO મેથડ : વિરોધ કરાવડાવી મિડીયામાં ચગાવો, ઇન્ટરનેશનલ સેમિનારોમાં ઘૂસ મારો, મૂળભૂત કાર્ય સિવાયના તમામ ઈશ્યુ ઉપર મિડિયામાં ‘ઇન્ટેલેક્ચ્યુઅલ’ સ્ટેન્ડ લો !
રાજકીય મેથડ : દરેક પ્રોજેક્ટનું ચાર વાર શિલારોપણ કરો, આઠ વાર ઉદ્ઘાટન કરો અને પતી ગયેલા પ્રોજેક્ટોનું બાર વાર લોકાર્પણ કરો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment