આપણાં ફિક્સ રિવાજ- વાક્યો !

આપણે ત્યાં બોલચાલનાં અમુક ફિક્સ 'રિવાજ વાક્યો' છે. કોઈ તમને પૂછે કે 'કેમ છો ?' તો જવાબમાં 'મઝામાં' એવું કહેવાને બદલે તમે ચાલુ પડી જાવ કે ..

'જુઓને, જરાય મઝા નથી.. ઘુંટણમાં સતત દુઃખાવો રહે છે, છાતીમાં બળતરા થાય છે, દાઢમાં પણ છેલ્લા ચાર દિવસથી સણકા મારે છે અને સાલાં મચ્છર કેટલાં વધી ગયાં છે ? રાતના હખણાં ઉંઘવા પણ નથી દેતાં...!'

તમે એકની એક વ્યક્તિ ઉપર છ-સાત વાર આવો વળતો હૂમલો ટ્રાય કરી જોજો ! બેટો એ પછી 'કેમ છો' પૂછતાં ભૂલી જશે ! 

મિત્રો, આવાં તો ઘણાં 'રિવાજ-વાક્યો' છે જેનાં ખરેખર સણસણતા જવાબો આપવા જેવા છે ! જેમકે...

***

કેમ આજકાલ દેખાતા નથી ?

એટલે વળી શું ? આપણે રોજ એમના ઘરની બાલ્કની સામે ઊભા રહીને 'દર્શન' આપવાનાં ? એ રહેતા હોય ગામના સામેના છેડે, તોય?! 

આવાઓને તરત જ સામું પરખાવવાનું મન થાય કે 'બહેન રોજ વિડીયો કોલ કરવાનું રાખો ને ? હું રોજ દેખાઇશ ! અથવા એક કામ કરો, ટ્રાફિક પોલીસમાં અરજી નાંખીને મારા એરિયાના આખા મહિનાના CCTV ફૂટેજ મંગાવવાનું રાખો !' 

આ જવાબ જો તમને વધારે પડતા લાગતા હોય તો મસ્ત સ્માઇલ આપીને કહો : 'મારા ફેસબુક ફ્રેન્ડ બની જાવ ને ? એમાં હું દર અઠવાડિયે મારો DP પણ બદલું છું!'

અને જો અણધાર્યા હૂમલો કરવો હોય તો જેવું એ પૂછે કે 'કેમ આજકાલ દેખાતા નથી?' તો કહેવાનું : 'તમારા ચશ્માના નંબર વધી ગયા લાગે છે. કોઈ સારા ડોક્ટરને બતાડો ને ?'

***

પછી ક્યારેક નિરાંતે બેસાય એમ આવો...

તમે માર્ક કરજો, આ વાક્ય ત્યારે જ બોલાય છે જ્યારે તમને ચા-નાસ્તાને બદલે માત્ર એક ગ્લાસ પાણી અથવા ફાલતુ લીંબુ શરબત પીવડાવીને 'પતાવી' દીધા હોય ! આવા વખતે બિલકુલ સિરિયસ થઈને ચાલુ કરો :

'જુઓને... આ શનિ-રવિ તો બિઝી છું પણ એક કામ કરોને, નેકસ્ટ વીકના બુધવારે સાંજનું રાખો ને? હું સાતેક વાગી આવી જઈશ, તમે ડ્રિંક્સનું મેનેજ કરી રાખજો. હું મન્ચિંગ માટે કંઈક લેતો આવીશ અને આપણા ફ્રેન્ડઝને પણ બોલાવી લઈએ ને ? પેલો ગિરીયો, રાકલો અને રાજિયો તો રાહ જ જોઈને બેઠા હોય છે !'

હવે તમારા 'યજમાન' કન્ફ્યુઝ થઈ જશે. એ કહેશે 'એટલે... આ બુધવારે તો...' 

'તો ગુરુવારે રાખો ? અચ્છા શુક્રવારે ?' 

પેલા હજી કન્ફ્યુઝ હશે 'ના ના, એટલે આમાં ડ્રિંક્સને એવું બધું...' 

ત્યારે તરત હવામાં ગોળીબાર કરી દેવાનો કે 'બોસ, તમે જ હમણાં ના કીધું, કે 'બેસવા' માટે આવો ?'

***

કંઈ કામકાજ હોય તો કહેજો...

મોટાભાગે આ રિવાજ-વાક્ય તમારે ત્યાં કોઈ બિમાર પડ્યું હોય તેની ખબર કાઢવા આવનારા કહેવા ખાતર કહેતા હોય છે !

સાહેબ, તમે આખી માનવતાના છેલ્લાં દસ હજાર વરસનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, આવું કહેનારા કદી કોઈના કશાય કામમાં આવ્યા નથી ! ઉલ્ટું, જે લોકો ખડેપગે સત્તર જાતનાં કામો કરી આપે છે એ આવું 'રિવાજ-વાક્ય' કદી બોલતા પણ નથી.

છતાં જો એકાદ નફ્ફટ 'રિવાજિયા'ને આંટીમાં લેવો હોય તો તરત જ સિરિયસ મોં કરીને, એના ખભા ઉપર હાથ મુકીને કહેવું 'સારું થયું હોં, તમે આ કીધું. જરા આમ આવો ને...'
એમ કહીને એને સાઇડમાં લઈ જાવ અને પછી ધીમે ધીમે શરૂ કરો :

'યાર... તકલીફ એવી છે કે તમને કીધા વિના છુટકો નહોતો... વાત એમ છે કે ગયા સાતમ આઠમના જુગારમાં હું બાર લાખ રૂપિયા હારી ગયો છું... ઘરમાં કોઈને ખબર નથી, બેન્કમાંથી લોન લેવાય એવું નથી. સગાંવ્હાલામાં પૂછાય એવું નથી... મિત્ર, તમે જો માત્ર બે લાખની વ્યવસ્થા કરી આપોને. તો શું છે કે આ જે વર્લ્ડ-કપ આવી રહ્યો છે ને, એમાં આપડે એક અંડરવર્લ્ડના બુકીની ડાયરેક્ટ ઓળખાણ છે... ત્યાં બે લાખના બાર હજાર, સોરી બાર લાખ તો રમતાં રમતાં થઈ જશે... બોલો, ક્યારે વ્યવસ્થા કરી આપો છો ?'

***

તમે તો મોટા માણસ થઈ ગયા...

આવું બોલનારાઓ હકીકતમાં તમારી સફળતાથી જલી ગયેલા હોય છે. તમે પણ જાણતા હો છો કે તમે જે કંઈ નાનીમોટી સફળતા મેળવી છે એમાં આવા 'જલી-કટ્ટુઓ'નો હાથ તો શું ટચલી આંગળી પણ હોતી નથી. છતાં તમરા જ શુભ પ્રસંગમાં આવીને તમને આવું સંભળાવવાથી એમના દિલને એક ભેદી પ્રકારની ટાઢક થતી હોય છે. 

આવાઓને તમે મોટેભાગે એક નમ્ર સ્માઇલ આપીને, કશું જવાબ આપ્યા વિના ટાળતા હો છો, પરંતુ જો એવું ના કરવું હોય તો એ જ નમ્ર સ્માઇલ સાથે કહેવાનું કે...

'તમે પણ મોટા થાવ ને? કોઈ ના પાડે છે ? અરે, હવે તો એના ઓનલાઇન ક્લાસિસ પણ ચાલે છે ! લિન્ક મોકલું ? બોલો !'

***

- જોકે તમને આવી અવળચંડી સલાહો તો આપી દીધી પરંતુ અમારી પાસે પણ કોઈ જવાબ નથી હોતો, જ્યારે અમુક લોકો રિવાજ ખાતર કહે છે કે... 'તમારું વાંચીએ છીએ હોં !'

- મન્નુ શેખચલ્લી


E-mail : mannu41955@gmail.com

Comments