અમુક લોકો કહી રહ્યા છે કે આવનારી ફિલ્મ ‘વેક્સિન વોર’ એક પ્રોપોગેન્ડા ફિલ્મ છે. પણ વાત આટલેથી અટકવાની નથી ! હવે તો બન્ને તરફથી પોતપોતાની પ્રોપોગેન્ડા ફિલ્મો આવશે ! જુઓ એક ઝલક...
***
અક્ષયકુમાર RAW એજન્ટ છે. તે કેનેડામાં છૂપા વેશે જઈને ખાલીસ્તાનીઓના સંગઠનમાં ભળી જાય છે. તેનો પ્લાન એવો છે કે મેઇન માણસોનો વિશ્ર્વાસ જીતી લીધા પછી વારાફરતી બધાનું મર્ડર કરતા જવાનું !
પરંતુ બે ત્રણ ખાલીસ્તાનીઓને માર્યા પછી ખબર પડી કે આડા ફાટેલા આતંકવાદીઓ હવે કેનેડાના પ્રેસિડેન્ટનું જ મર્ડર કરવાના છે !
આખરે જીવસટોસટની બાજી ખેલીને અક્ષયકુમાર કેનેડિયન પ્રેસિડેન્ટનો જીવ બચાવે છે… એ ભારત-કેનેડાના સંબંધો ફરીથી સુધરી જાય છે ! બોલો.
***
એમ તો સામેવાળા પણ કંઈ બેસી રહેશે ? એ લોકો પણ પ્રોપોગેન્ડા ફિલ્મ બનાવશે ! સાંભળો એની સ્ટોરી…
ગોદી મિડીયાના સપોર્ટથી ચગેલા એક ટીવી ચેનલના એન્કર, જે પોતે ઘાંટા પાડવા માટે મશહૂર છે, એનું રાતોરાત ગળું બેસી જાય છે ! મેડિકલ રીપોર્ટમાં ખબર પડે છે કે એમને ગળાની સ્વરપેટીનું કેન્સર છે !
હવે ? ચેનલ શી રીતે ચાલશે ? તો બોલીવૂડથી એક એવા ડ્રામેબાજ છતાં ગોખણિયા એકટરને શોધી લાવવામાં આવે છે (આમિર ખાન) જેની ખાસિયત એ છે કે હજારો શબ્દોનું લખાણ તે ફક્ત એક જ વાર વાંચી લે, તો તેને યાદ રહી જાય છે !
હવે પેલા કેન્સરગ્રસ્ત એન્કર જે લખી આપે તે આમિર ખાન ફૂલ ડ્રામાબાજી સાથે બોલે છે ! મગર… કહાની મેં ટ્વીસ્ટ …! એક વાર આમિર ખાનના હાથમાં સરકારનાં કૌભાંડોના પુરાવા આવી જાય છે ! એ તો ધડાધડ વાંચેલું ગોખીને ટીવીમાં બોલવા માંડે છે… અને સરકાર તૂટી પડે છે ! બોલો.
***
અને, તમે તો જાણો જ છો, સલમાન ખાન RAW એજન્ટ છે અને કેટરીના ISIની એજન્ટ છે ! એ બન્નેનું ગુપ્ત જોઈન્ટ મિશન શું છે ?
POKમાં ચીનનું આર્મી ઘૂસીને એવી ઘટનાઓને અંજામ આપશે જેથી ભારત-પાક વચ્ચે પરમાણુ યુધ્ધ ફાટી નીકળે !
પણ સલમાન-કેટરીના ‘બેકલે’ હાથે એ પરમાણુ મિશન ફોક કરીને ભારત-પાક વચ્ચે ‘શાંતિ’ સ્થાપે છે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment