અમે રણઝણસિંહને સીધો જ સવાલ કર્યો : ‘આપણા દેશનું અંગ્રેજોએ પાડેલું નામ ‘ઇન્ડિયા’ બદલીને ઓરીજીનલ નામ ‘ભારત’ રાખવામાં વાંધો શું છે ?’
‘ઇ વાંધા પાછળ જ મોટું રહસ્ય છે !’ રણઝણસિંહ કંઈ ભેદી રીતે બોલ્યા છતાં અમે સંભળાવવા જ માંડ્યું :
‘જુઓ, બરોડાનું વડોદરા કર્યું ત્યારે એમને વાંધો નહોતો, બ્રોચનું ભરૂચ કર્યું, પૂનાનું પૂણે કર્યું, બેંગ્લોરનું બેંગલુરુ કર્યું, ત્રિવેન્દ્રમનું તિરુવંતપુરમ, વાઇઝાગનું વિશાખાવટ્ટનમ, કેલકટ્ટાનું કોલકાતા, ઓરિસ્સાનું ઓડીશા અને મદ્રાસનું ચેન્નાઈ કર્યું ત્યાં સુધી એમને કોઈ કરતાં કોઈ જ વાંધો પડ્યો નહોતો. પણ હમણાં –
‘ઇ જ તો આખું રહસ્ય છે ને ?’
‘અરે, દુનિયાભરમાં આખેઆખા દેશનાં નામો બદલાઈ ગયાં ત્યારે પણ આ લોકોને કોઈ વાંધો નહોતો ! તમે જુઓ… સિલોનનું શ્રીલંકા થયું, બર્માનું મ્યાંમાર થયું, રહોડેશિયા ઝિમ્બાબવે બન્યું, ગોલ્ડ કોસ્ટનું મૂળ નામ ઘાના થયું, અરે ઇન્ડોનેશિયાને તો ‘ડચ ઇસ્ટ ઇંડિઝ’ કહેતા હતા… નામિબિયાને ‘સાઉથ વેસ્ટ આફ્રિકા’ કહ્યા કરતા હતા… ફિલિપાઇન્સનું નામ ‘સ્પેનિશ ઇસ્ટ ઇન્ડિયા’ પાડી રાખ્યું હતું ! અરે, ખુદ યુરોપના નેધરલેન્ડનું નામ બગાડીને હોલેન્ડ કહેતા હતા ! આ તમામ દેશોએ અંગ્રેજોના પાડેલાં નામો ફગાવીને પોતાનાં મૂળ નામ ધારણ કર્યા ત્યારે તો આ ‘ભારત’ નામનો વિરોધ કરનારાઓને કોઈ વાંધો નહોતો. તો હવે જ કેમ ?’
‘સસ્પેન્સ સિમ્પલ છે, બકા !’
‘હા, ખબર છે ! અંગ્રેજોએ પાડેલાં નામો બદલાય ત્યાં લગી વાંધો નહોતો પણ મુગલોએ પાડેલા નામો બદલાવા લાગ્યાં ત્યારથી જ તકલીફો છે ! ઈલાહાબાદનું પ્રયાગરાજ થયું… ફેઝાબાદ જિલ્લાનું અયોધ્યા…’
‘વાંધો ઈ પણ નથી મારા વ્હાલા !’
‘તો વાંધો છે શું ?’
‘ભાઈ મારા, સૌથી મોટો વાંધો ઈ છે કે ઈ લોકો વિરોધપક્ષના ગઠબંધનનું નામ ‘ઇન્ડિયા’ પાડીને બેઠા છે ! અને ભાજપવાળા છેક હવે જ ‘ઇન્ડિયા’ નામ ભૂંસવા માગે છે…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment