થોડા દિવસ પહેલાં જ સમાચાર હતા કે વડોદરામાં એક 62 વરસનાં કાકી ઘરનું કબાટ સાફ કરતાં હતાં ત્યાં તિજોરીમાં છેક અંદર સંતાડીને રાખેલા અમુક પ્રેમપત્રો મળી આવ્યા ! આ પત્રો એમના 65 વરસના પતિને કોઈકે લખ્યા હતા !
કાકાની કોઈ પ્રેમિકા ‘હતી’ એમ માનીને કાકી એ પત્રો વાંચતાં ગયાં તેમ તેમ ખબર પડી કે ના, પ્રેમિકા તો હજી ‘છે’! આ બધું વાંચીને કાકીને ખરેખર ચક્કર આવી ગયાં ! પછી કહે છે કે એમણે ‘અભયમ્’માં ફોન કર્યો… વગેરે.
આપણને એમ, કે હશે, કાકાને ‘અભયમ’વાળાએ સમજાવ્યા હશે, પણ કાકાએ સાફ સાફ કબૂલાત કરી લીધી કે આ તો છેલ્લાં 30 વરસથી ચાલે છે ! પણ બોલો, મેં મારી પત્નીને કે સંતાનોને એનાથી કશો ફેર પડવા દીધો નથી !
સોશિયલ મિડીયામાં આ સમાચારનું કટિંગ ફરતું થયું ત્યારે એમાં આવેલી કોમેન્ટો જબરી હતી. કોઈએ લખ્યું કે ‘કાકા, આ જમાનામાં બધું મોબાઇલમાં પતાવવાનું હોય, પત્રો લખવાની શી જરૂર હતી ?’
બીજા કોઈએ લખ્યું કે ‘મુરખ છો ને, પત્રો ઘરના કબાટમાં રાખવાની શી જરૂર હતી ?’
ત્રીજાએ સૌથી પ્રેક્ટિકલ સલાહ લખી હતી કે ‘દિવાળીની સાફસૂફી પહેલાં બધું સગેવગે કરી લેવું જોઈએ !’
જોકે ચોથી સલાહ સૌથી શ્રેષ્ઠ હતી : ‘આવું બધું માળિયામાં જ રાખવાનું ! પત્ની કોઈ દિવસ માળિયામાં ચડે નહીં એટલે એને કશું જડે જ નહીં !’
આ માળિયાંવાળી સલાહ આમ જોકે પ્રેક્ટિકલ ખરી, પણ વરસના વચલે દહાડે અચાનક પેલા પત્રો વાંચવાનું મન થાય તો શું માળિયે ચડી જવાનું ? કદાચ પેલી કહેવત આવી જ કોઈ ઘટના પછી પડી હશે કે ‘મન હોય તો માળિયે જવાય !’
એમ તો બીજી એક કહેવત પણ છે કે ‘મન તો મર્કટ સમાન છે.’ (મર્કટ એટલે વાંદરું) આમ જોવા જાવ તો મોટા ભાગનાં લગ્નો આ મન નામના વાંદરાને કાબૂમાં રાખવાને કારણે જ (અથવા કહો કે પતિ નામના મર્કટને સખણો રાખવાને કાણે જ) ટકી જતાં હોય છે. છતાં અમુક અનુભવી મર્કટો વરસો લગી વિના ડુગડુગીના તાલે આવી રીતે જુદી જુદી ડાળીઓ ઉપર ઠેકડા મારવાના ખેલ રમી જાણતા હોય છે.
થોડા વરસો પહેલાં મુંબઇનો એક કિસ્સો બહાર આવ્યો હતો જેમાં 56 વરસના એક મર્કટ, સોરી, પતિએ અલગ અલગ ઠેકાણે બે પત્નીઓ રાખી હતી ! એક મલાડમાં અને એક ઘાટકોપરમાં ! બન્ને સાથે એ મહિનાના પંદર-પંદર દિવસ રહેતો હતો અને કહેતો હતો કે મારી નોકરી જ એવી છે કે મહિનામાં પંદર દિવસ બહારગામ જવું પડે છે !
આ ડબલ-રોલ ભજવનાર પતિનો ભાંડો છેક ત્યારે ફૂટ્યો જ્યારે એનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. વાત એમ હતી કે એણે પોતાના બબ્બે વીમા ઉતરાવી રાખ્યા હતા ! અને બન્નેમાં અલગ અલગ રીતે પત્નઓનાં નામ હતાં ! આ કેસમાં તો એણે માત્ર બે પત્ની જ નહીં, બે વીમા કંપનીઓને પણ એકબીજાથી અજાણ રાખી કહેવાય ને ?
પેલો ફેમસ શેર છે ને, ‘કૌન કહતા હૈ, કિ બૂઢે ઈશ્ક નહીં કરતે ? અજી ખૂબ કરતે હૈ, મગર હમ શક નહીં કરતે !’
અમેરિકામાં 65 વરસની એક મહિલાએ કોર્ટમાં કેસ કર્યો કે છેલ્લાં 20 વરસથી એનો પતિ ઘરમાં હોય ત્યારે બહેરો હોવાનો ઢોંગ કરતો હતો ! જોકે મામલો એટલો સિમ્પલ નહોતો, એ અંકલ જ્યાં નોકરી કરતા હતા ત્યાં એમને બીજી એક આન્ટી સાથે વરસો સુધી ‘અફેર’ ચાલુ હતો !
અંકલ પણ હોંશિયાર નીકળ્યા કહેવાય ને ? તમામ ‘બેનિફટ્સ’વાળી સરકારી નોકરી જેવી પત્નીને છોડવી ના પડે એટલે પોતાના કાનમાં (અને પત્નીના મોંમાં) મગ ભરી લીધા ! ઉપરથી નોકરી સિવાયની વધારાની ઇન્કમ જેવું ‘ફ્રી-લાન્સિંગ’ પણ ચાલુ રાખ્યું ! કચકચિયણ પત્ની સાથે જો વાત કરે તો ઝગડા થાય ને ? અને પ્રેમિકા સાથે ફોનમાં ઘૂસપૂસ કરો ત્યારે જ શંકા જાય ને ?
આપણે ત્યાં બીજી પણ એક કહેવત છે : ‘વાંદરો ઘરડો થાય, પણ ગુંલાટ ના ભૂલે !’ ચાલો, વાત તો સાચી, પણ કદી એવી કહેવત સાંભળી છે કે ‘વાંદરી ગુલાંટ ના ભૂલે ?’
કેરળમાં આવો જ કિસ્સો બન્યો હતો. પતિ 62 વરસનો થયો ત્યાં સુધી ગલ્ફ કન્ટ્રીમાં મજૂરી કરવા જતો હતો. બિચારો વરસે બે વરસે ઘેર આવે. એમ કરતાં એને બે સંતાનો પણ થઈ ગયાં. છેક 63મા વરસે પતિએ વિદેશ જવાનું છોડીને ઘરે ઠરીઠામ થવાનું નક્કી કર્યું ત્યારે જ ખબર પડી કે ઘરમાં પત્નીનો ‘ભાઈ’ બનીને જે પુરુષ આખો દહાડો વ્હીલચેરમાં ફરતો હતો એ જ એનો પરમેનેન્ટ પ્રેમી હતો !
માત્ર પતિ જ નહીં, પડોશીઓ પણ એમ માનતા હતા કે બિચારીનો બિચારો ભાઈ કમર નીચેના ભાગેથી પેરેલિસિસનો ભોગ બનેલો છે ! હવે ભાંડો ફૂટવાથી પતિએ કેસ કર્યો છે અને સંતાનોના DNA ટેસ્ટ કરાવવાની માગણી કરી છે !
જોકે આવું બધું વાંચીને જો ગુજરાતી અંકલોને પણ આ ઉંમરે ‘આવું બધું’ કરવાના અભરખા જાગે તો એની પણ એક સિસ્ટમ આપણે ત્યાં ચાલે જ છે. એને ‘હની ટ્રેપ’ કહેવામાં આવે છે !
આમાં ફાયદો એટલો જ કે કબાટમાં પ્રેમપત્રો રાખવાની જરૂર નથી હોતી. બસ, બેન્કમાં બેલેન્સ હોવું જરૂરી છે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
પ્રો.બટુકનાથ અને પ્રેમઘેલી જુલી યાદ હશે નહીં તો ગૂગલદેવ મદદ કરશે.
ReplyDelete