હજી જુની યાદોમાં ફસાયા છો ?

ચાલો, આજે એક નાનકડી એક્ઝામ થઈ જાય ! નીચેના સવાલોના જવાબ ‘હા’ કે ‘ના’માં આપો…

(1) વરસો પહેલાં અઠવાડિયામાં એકવાર આવતી બિનાકા ગીતમાલા, અઠવાડિયામાં એક જ વાર દૂરદર્શન પર આવતું પિકચર કે બે વાર આવતુ છાયાગીત જોઈને ખુશખુશાલ થઈ જતા હતા… 

પણ આજે FM રેડિયોની ડઝન જેટલી ચેનલો, ટીવીની ચાર ડઝન ચેનલો અને OTTની સેંકડો મુવીઝ તથા વેબસિરિઝો અવેલેબલ છે છતાં અડધો પોણો કલાક લગી શું જોવું એની સર્ચમાં ટાઇમ જતો રહે છે ! અને પછી જે જોયું હોય તેમ પણ મઝા આવતી નથી ! 

બોલો આવું થાય છે ને ? હા કે ના ?

(2) આ સવાલ ખાસ બહેનો માટે છે. વરસો પહેલાં કોઈ લગ્ન-પ્રસંગમાં જવાનું હોય તો કબાટમાંના યુનિફોર્મ અથવા સાદા ડ્રેસિસ સિવાયનું જે કંઈ ચળકાટભર્યું અથવા ગયા વરસે જે નવું લીધેલું હોય એવું કોઈ ફ્રોક, ડ્રેસ કે ચણિયા-ચોળી સાથે એના એ જ દાગીના પહેરીને પહોંચી જતા હતા છતાં કેટલો આનંદ આવતો હતો ! 

અને આજે… કબાટમાં સત્તાવીસ, જાતના કેઝ્યુઅલ્સ, પાર્ટીવેર, સાડીઓ, ડ્રેસિસ, જિન્સ, ટોપ અને બધાને મેચિંગ જ્વેલરી એસેસરીઝ, સેન્ડલ્સ વગેરેથી ઠાંસોઠાંસ ભરેલું છે. છતાં કોઈ પ્રસંગ આવવાનો હોય તો નવું શોપિંગ થાય છે ! છતાં… પહેલાં જે મિનિમમમાં મઝા પડતી હતી એવો આનંદ ખાસ આવતો જ નથી ! 

બોલો, આવું થાય છે ને ? હા કે ના ?

(3) વરસો પહેલાં રવિવારે ફેમિલી સાથે ચોપાટી, ગાર્ડન કે કોઈપણ મામૂલી જગ્યાએ જઈને હરતાં ફરતાં, ધમાલ મસ્તી કરતા અને પછી પાણીપુરી, ઈડલી-ઢોંસા, ભાજીપાંવ કે લારીમાં બનેલા પિઝા પણ હોંશેહોશે ખાઈ લેતા હતા... 

પણ આજે ? જમવા માટે બહાર જતાં પહેલાં સત્તર જાતના ચોઈસ છે… ચાઇનિઝ, કોન્ટિનેન્ટલ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, થાઈ, મેક્સિકન કે પછી ટ્રેડિશનલ ગુજરાતી થાળી ? એમાંય કંઈ કેટલા ડિસ્કશન પછી જ્યાં ગયા હોઈએ ત્યાં જમ્યા પછી પણ કંઈ ખાસ મજા ના આવી હોય એવી ફિલીંગ્સ થયા કરે છે ! 

બોલો આવું થાય છે ને ? હા કે ના ?

(4) અગાઉ વેકેશનમાં મામાને ત્યાં કાકાને ઘેર અથવા ગામડે જવા માટે રિઝર્વેશન વિનાની ટ્રેનમાં ભીડમાં અથડાતા હતા, ધૂળિયા રસ્તાઓ પર જતી એસટી બસમાં ઉલાળા ખાતા હતા અને પછી ત્યાં પહોંચ્યા પછી રોજ ઘરના છાશ-રોટલા અને દાળ-ભાત જ ખાતા હતા છતાં સરખી ઉંમરના કઝિનો સાથે અને બીજા સગાવ્હાલાંઓ સાથે ધમાલમસ્તીમાં વેકેશન ક્યાં પુરુ થઈ જતું હતું તેની ખબર પણ પડતી નહોતી... 

પણ આજે… ફરવા જવા માટે કોડાઈ કેનાલ, રાજસ્થાન, ગોવા, મહાબળેશ્વર વગેરે તો ‘કોમન ડેસ્ટિનેશન’ થઈ ગયાં એવું લાગે છે ! અને અગાઉથી બુક કેરલી ટ્રેનો, ફ્લાઇટો અને કેબમાં ફરીએ છીએ, આપણી ટ્રિપના સેંકડો ફોટા લઈને ફેસબુકમાં મુકીએ છીએ પણ… અગાઉ જેવો શુદ્ધ નિર્ભેળ આનંદ આજે મળતો નથી ! 

બોલો, આવું થાય છે ને ? હા કે ના ?

હવે ધ્યાન આપજો… 

જો આ ચારેય સવાલના જવાબમાં તમે ‘હા’ લખી હોય તો મને કહો, તમે આજે સુખી છો કે દુઃખી છો ? 

(જોયું ? ભરાયા ને ?) હવે એક મિનિટ થોભીને સિરિયસલી વિચારો… શું તમે આજે પહેલાં કરતાં ખરેખર વધારે ‘દુઃખી’ છો ખરા ?

એકચ્યુલી, તો એક ટ્રિક ક્વેશ્ચન છે ! પણ એ ટ્રિક ક્વેશ્ચનમાં ફસાયા વિના તમારે તમારી સાચી સ્થિતિ જાણવી છે ? તો સાંભળો… મિત્ર, તમે સુખી કે દુઃખી નથી… તમે માત્ર પહેલાં કરતાં વધારે ‘ઘરડા’ થઈ ગયા છો !

યાર, એક વાત ક્લિયરલી સમજી લો : બાળપણ અને યુવાની એવી અવસ્થાઓ છે કે એમા જ્યારે જે સ્થિતિમાં જે કંઈ મળે તે બધું ગમતું જ હોય છે ! 

તમને શું લાગે છે, આજની આ સ્માર્ટફોનવાળી યંગ જનરેશન ‘એન્જોય’ નથી કરતી ? શું એ લોકો એવા રોદણાં રડે છે કે :

‘બોસ… પેલા નોકીયાના ડબલાં ફોનવાળો શું જમાનો હતો !  બે જ ગેમો હતી અને પપ્પા એ પણ બહુ રમવા નહોતા દેતા એટલે આપણે સૂતી વખતે ચાદર ઓઢીને છૂપે છૂપે રમતા હતા.. આહાહા… એવી મઝા તો આજની પબ્જી કે બીજી પચાસ ગેમોમાં ક્યાં ?’ 

બોલો, આજના 30-35 વરસની ઉંમરના પરણેલાઓ પણ આવાં ‘સેન્ટી’ નથી જ થઈ રહ્યાં ને ? કેમ ? કેમ કે હજી તેઓ ‘ઘરડા’ નથી થયા ! 

તમને શું લાગે છે, એમને પણ OTTમાં શું જોવું, લેપ-ટોપમાં શું માણવું કે મોબાઈલમાં શું શું કરવું એના કન્ફ્યુઝનોમાં કલાકો નહી જતા હોય ? જતા જ હશે ! પણ તમે જે રીતે બરફના ગોળાની દાંડી ચૂસવામાં પણ મઝા માણતા હતા એવી જ સ્ટુપિડ મઝા એ લોકો એકનાં એક રીલ્સ કલાકો લગી જોયા કરવામાં માણે છે ! 

હા, તમે હવે એમ કહેવાના કે એ રીલ્સ જોવાથી એમને શું મળવાનું ? તો બોસ, તમને પણ બરફગોળાની દાંડી ચૂસવામાં કે છાયાગીતમાં એકનાં એક ગાયનો જોવામાં શું ‘મળતું’ હતું ?

આખા લેખનો સાર એટલો જ કે બાળપણ તથા યુવાનીની મીઠી યાદનો વાગોળવામાં ખરેખર ‘સુખ’ તો છે જ ! (કેમકે તે આજે પણ મનને આનંદ આપે છે) પરંતુ આજે તમારી પાસે જે સગવડો, પૈસા અને ભૌતિક સાધનો છે તે બધું હોવા છતાં જો ‘સુખ’નો અનુભવ ના થતો હોય તો… 

કાન પકડીને કબૂલ કરો ભૈશાબ, કે તમે ‘ઘરડા’ થઈ ગયા છો ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail. : mannu41955@gmail.com

Comments