મનમોહન દેસાઇની ફિલ્મો આજે જુઓ તો એની મઝા જ કંઈ ઓર છે ! કેમકે એ ફિલ્મોમાં જે સિરિયસ સીનો હતા એ જોઇને પણ તમને સખત હસવું આવશે ! આજે એમની ફિલ્મો જોઈને ખરેખર સવાલ થાય છે કે શું મનમોહન દેસાઇ શૂટિંગ કરતી વખતે પણ સિરિયસ હતા ?
દાખલા તરીકે 'મર્દ' ફિલ્મમાં એક ગોરો અફસર ભારતની કિંમતી મૂર્તિઓનો ખજાનો એક નાનકડા વિમાનમાં ભરીને ટેક-ઓફ કરવાની તૈયારીમાં જ હોય ત્યાં તો દારાસિંહ દૂરથી ઘોડા ઉપર આવે... મારતે ઘોડે મશીનગન ચલાવીને સિપાઇઓને મારી નાંખે... બે હેન્ડ-ગ્રેનેડ બે ટેન્કો ઉપર ફેંકે એટલે બન્ને ટેન્કો ધડાકાબંધ કરીને ફાટીને સળગી ઊઠે... અને પછી દારાસિંહ પોતાના ખભે લટકતુ દોરડું ગોળ ગોળ ફેરવીને પેલા વિમાનની પૂંછડીમાં ફસાવીને ખેંચવા લાગે !
એટલું જ નહીં, રન-વે ઉપર એક થાંભલો હોય તેના ફરતે દોરડું વીંટાળીને બાંધી દે એટલે વિમાન બિચારું ઘુમરી ખાઈને ભોંય ઉપર પછડાય ! બોલો.
એ જ ફિલ્મમાં દારાસિંહ એના દિકરાનું 'નામકરણ' શી રીતે કરે છે, ખબર છે ? બિચારા માંડ બે મહિનાના બાળકની છાતી ઉપર ખંજરની અણી વડે 'મર્દ' શબ્દ કોતરી કાઢે છે ! એ તો ઠીક, પણ એ વખતે બાળકને હસતો બતાડે છે !! બોલો.
આવું તો કંઈ જાતજાતનું બનતું હતું મનમોહન દેસાઇની ફિલ્મોમાં ! 'અમર અકબર એન્થની'ના ક્લાઇમેક્સમાં ત્રણે ત્રણ હિરો વિલનના અડ્ડામાં મામૂલી દાઢી-મૂછ લગાવીને પહોંચી ગયા પછી છડે ચોક પોતાની 'ઓળખાણ' આપતું ગાયન ગાય છે, જેમાં ત્રણે જણા પોતપોતાનું નામ બોલે છે... 'અમર... અકબર... એન્થની...' તોય વિલનોને ટપ્પી નથી પડતી કે આ તો અહીં આવી પહોંચ્યા છે !
'નસીબ'નો ક્લાઇમેક્સ એક ઊંચા બિલ્ડીંગ ઉપર આવેલી રિવોલ્વીંગ રેસ્ટોરન્ટમાં થાય છે. ત્યાં પણ વિલનો સામે આવીને ત્રણ હિરો પ્લસ બે હિરોઇનો આ જ રીતે ગાયન ગાય છે ! પણ ચાલાક, ખતરનાક, શાતિર ગણાતા વિલનોને અહીં પણ જરાય ટપ્પી પડતી નથી ! એ તો ઠીક, ગાયન પછી ફાઇટિંગ શરૂ થાય ત્યારે આખી રિવોલ્વીંગ રેસ્ટોરન્ટ કોઈ એસ્સેલ વર્લ્ડના ચકડોળ જેટલી સ્પીડે ગોળગોળ ફરવા માંડે ! અરે ભાઈ, કોઇ બિલ્ડર આટલી ઝડપે ફેરવી શકે એવી પાવરફૂલ મોટર નંખાવે જ શેના માટે?
તમારે મનમોહન દેસાઇનું સિરિયસલી 'ફની' ગાયન જોવું હોય તો 'કિસ્મત'નું પહેલું જ ગાયન યુ-ટ્યુબમાં શોધીને જોજો ! ગાયનના શબ્દો તો સિરિયસલી ફની છે જ 'વન ટુ થ્રી... બેબી યાયાયા... યાયાયા... આઆ...' પણ એમાં બિચારો વિશ્વજીત હાથમાં ગિટાર પકડીને જે ટાંટીયા ફફડાવીને (હા પાંખોની જેમ પગ ફફડાવે છે) તથા ગુંલાટો ખાઈને ડાન્સ કરે છે એ જોઈને તમને હસવું આવ્યા વિના નહીં રહે !
એ જ ફિલ્મમાં ગુન્ડાઓથી ભાગી રહેલા વિશ્વજીતને બાપના ઘરથી ભાગી છૂટેલી બબિતા ભિટકાઈ જાય છે પછી બંને હસીં વાદિયોંમાં પહોંચી જાય ત્યારે એક જ ગાયનમાં બબિતા ભરબપોરે બે વાર ઝરણાં કે તળાવમાં નહાય છે અને ત્રણ વાર કપડાં બદલે છે ! (આંખો મેં કયામત કે બાદલ...)
અને હા, ફિલ્મમાં આગળ જતાં બબિતા વિશ્વજીતને જલાવવા માટે VAT69ની બોટલ મોઢે માંડી દીધા પછી પાર્ટીમાં ગાયન ગાતાં ગાતાં જે કઢંગી રીતે લથડિયાં ખાય છે એવાં લથડિયાં તો આજ સુધી કોઈ રિયલ દારૂડિયણ પણ ખાઇ બતાવે તો ચેલેન્જ છે ! (આઓ હુજુર તુમ કો સિતારોં મેં લે ચલું...)
'મર્દ'ના એક સીનમાં ગુસ્સે ભરાયેલી અમૃતા સિંહ અમિતાભ બચ્ચનને કોરડા ફટકારે છે પછી એમાં મુઠ્ઠી ભરીને જખમો ઉપર મીઠું ચોપડે છે ! છતાં બચ્ચનજી હસતા રહે છે. ત્યારબાદ અમૃતા બચ્ચનને ભરી મહેફિલમાં દોરડેથી બાંધીને તેને 'જલાવવા' માટે કોઈ મામૂલી એકસ્ટ્રા જોડે ડાન્સ કરે છે !
ત્યાં તો અમિતાભનો પાળેલો કૂતરો આવીને ચૂપચાપ (100 મહેમાનોની નજર ચૂકવીને) દોરડાંની ગાંઠો દાંત વડે છોડી નાંખે છે ! એટલું જ નહીં, એ પછી બચ્ચનજી અમૃતાને ખભે ઉપાડીને બારીમાંથી કૂદકો મારીને સીધા પોતાના ઘોડા ઉપર પહોંચે ! ઘોડો તેમને મીઠાના અગરમાં પહોંચાડી દે !
અને વેઇટ, આ મીઠાના ઢગલાઓની આસપાસ બંજર જમીન કે ખારાપાટનું રણ નથી ! અહીંતો લીલોતરી છે ! ઝાડપાન છે ! અને પાછળ તળાવ પણ છે ! અહીં લાવીને અમિતાભ અમૃતાને મીઠામાં રીતસર રગદોળી નાંખે છે ! પછીની ક્ષણે શું થાય છે, ખબર છે ? અમૃતાને અમિતાભ માટે 'પ્યાર' થઈ આવે છે ! અને તે ગાવા લાગે છે : 'વિલ યુ મેરી મી ?'
આજે તો મનમોહનજીની આવી 'મેડ' ફિલ્મો જોતાં વિચાર આવી જાય કે સાલું, જુવાનીમાં આપણે પણ એટલા જ 'મેડ' હતા ને ? એટલે જ તો આવું જોઇને થિયેટરોમાં તાળીઓ અને સીટીઓ વગાડતા હતા !
છતાં સિરિયસલી, આજે મનજીની ફિલ્મો જોતાં જોતાં એવો વિચાર પણ આવે છે કે આવી મેડનેસ તો કદાચ કોઈ ડિરેક્ટરમાં નહોતી, નહોતી અને નહોતી ! શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
સાચી વાત છે. મર્દ વખતે રાજકોટમાં આમ્રપાલી સિનેમામાં પોલીસ બંદોબસ્ત રાખવો પડતો હતો. દિવસો સુધી એડવાન્સ બુકિંગમાં પણ ટિકિટ મળતી નહીં. હમણાં નવી પેઢીને આ ફિલ્મ વિશે માહિતી મળે તે માટે ફરીથી ફિલ્મ શોધીને બતાવવાનું શરૂ કર્યું. જોકે ત્યારે જ ખબર પડી કે કેટલી બધી વાતો સાવ હંબગ હતી. ફિલ્મમાં બાપ દીકરા એકબીજાની હત્યા કરવા પ્રેરાય તે માટે વારાફરતી બંનેના માસ્ક પહેરીને.. વિલન ક્રાંતિકારીઓનું લોહી ઇન્જેક્શન વડે ખેંચીને બોટલો ભરતો દેખાય. પછી એ જ લોહી અંગ્રેજ સૈનિકોના માટે વપરાવવાનું હોય આવી ઢંગધડા વગરની વાતો... લોહી
ReplyDeleteસાચવવા માટે ટોમેટો કેચપ ની કાચની બોટલો વગેરે વગેરે અનેક ગોટાળાઓ હતા.
હા હા હા ! આજે એ બધું જોઈએ તો સિરિયસ દ્રશ્યો જ વધારે ફની લાગે છે ! બસ, એ જ છે મનમોહન દેસાઈની મેડનેસ !
DeleteJay Ho.Jay Ho. Entertrainment,Entertrainment,
ReplyDelete& Only ?????