જુઓ સાહેબો, જ્યાં મહિલાઓ હોય ત્યાં ‘બિલ’ ના હોય એવું કદી બન્યું છે ? જોકે અહીં વાત આપણી સંસદની છે. એકવાર સંસદમાં 33% સીટો ઉપર દેશની મહિલાઓ બેસતી થઈ જાય પછી કેવાં કેવાં બિલો રજૂ થશે ? જુઓ એક ઝલક..
***
સૌંદર્ય રાહત બિલ :
સુંદર દેખાવું એ તો મહિલાઓનો જન્મસિધ્ધ અધિકાર છે ! પ્રોબ્લેમ એ છે કે સૌંદર્ય પ્રસાધનોના ભાવ કેટલા ઊંચા છે ? તો સૌથી પહેલો ખરડો સંસદમાં એ આવશે કે દેશમાં વેચાતાં તમામ સૌંદર્ય પ્રસાધનોનાં ઉત્પાદન અને વેચાણ ઉપરના તમામ કરવેરા નાબૂદ કરવામાં આવે !
એટલું જ નહિ, નાનકડી સ્ટિકર બિંદી (ચાંલ્લો)થી માંડીને મોંઘામાં મોંઘી મેકપ કીટની ખરીદી ઉપર રાંધણ ગેસના બાટલાની જેમ સરકારી રાહત આપવામાં આવે ! અને હા, તમામ બ્યુટિ પાર્લરોને ‘ગૃહઉદ્યોગ’ ઘોષિત કરીને એમને વિના વ્યાજની લોનો આપવામાં આવે !
સુંદર હોગી મહિલા તો સુંદર બનેગા દેશ…
***
સૌંદર્ય રખરખાવ ભથ્થું બિલ :
ફક્ત ચહેરો અને ચામડીને સુંદર રાખવાથી શું થશે ? દેશની મહિલાઓ એમની સાડીઓ, ડ્રેસિસ, જિન્સ, ટી-શર્ટ, શર્ટ, શરારા, ચણિયાચોળી, સેન્ડલો, બંગડીઓ, નેકલેસ, એરિંગ્સ, મેચિંગ પર્સ, મેચિંગ કેરી બેગ, મેચિંગ ટ્રાવેલ બેગ, મેચિંગ સ્લિંગ બેગ, અરે મેચિંગ હેન્ડકરચિફ જેવી એસેસરીઝના ખર્ચા ક્યાંથી કાઢશે ?
તો એ માટે દરેક મહિલાના ખાતામાં દર મહિને અમુક રકમ સૌંદર્ય રખરખાવ ભથ્થાં પેટે જમા કરવામાં આવે !
આગે બઢેગી સૌંદર્ય ઇન્ડસ્ટ્રી તો આગે બઢેગા દેશ…
***
રાંધણ છઠ બિલ :
હાસ્તો વળી ? રાંધણ છઠના દિવસે મહિલાઓ આખો દહાડો રસોઈ કરે છે, પણ શું એમને રજા મળે છે ? ના ! તો આ બિલ દ્વારા એ સમસ્યા દૂર થઈ જશે.
માત્ર રાંધણ છઠ નહીં, જ્યારે જ્યારે ઘરમાં મહેમાનો આવી ચડે અને છ વ્યક્તિથી વધારે લોકોની રસોઈ કરવાની આવે ત્યારે પણ મહિલાઓ આ હક-રજા વાપરી શકે એવી જોગવાઈ કરવામાં આવે !
ભોજન પકાતી નારી, સારે વિશ્ર્વ પે ભારી…
***
પ્રાયમરી કુકિંગ એજ્યુકેશન બિલ :
શું ભારતની મહિલાઓ જિંદગીભર રસોડામાં જ કેદ થઈને રહેશે ? શું પુરુષોની ફરજ નથી કે રસોઈ કરે ?
તો એના માટે જાગ્યા ત્યારથી સવાર ! દરેક ખાનગી તેમજ સરકારી શાળાઓમાં છેક બાલમંદિરથી લઈને બારમા ધોરણ સુધી ‘રાંધણ-કળા’નો વિષય દરેક છોકરાઓ માટે ફરજિયાત કરો !
આજકાલ બધા મહા-મોડર્ન થઈને સ્કુલોમાં સેક્સ-એજ્યુકેશનની વાતો કરે છે પણ સાચી ક્રાંતિ તો કુકીંગ-એજ્યુકેશનથી જ આવશે !
મર્દ બને રસોઈ કા રાજા, યહી હૈ સમય કા તકાજા…
***
પતિ સંરક્ષણ બિલ :
મહિલાઓ કરવા ચોથનું વ્રત શેના માટે કરે છે ? જેથી પતિ લાંબો સમય સુધી જીવતો રહે ! પતિ લાંબો સમય સુધી જીવતો શા માટે રહેવો જોઈએ ? જેથી એ ઘરડો થયા પછી પણ રૂપિયા કમાઈને લાવતો રહે ! અને એ જ પતિ સાત સાત જનમ સુધી શા માટે મળવો જોઈએ ? જેથી દરેક વખતે પતિને ‘સીધો’ કરવામાં નવેસરથી વરસો ના બગાડવાં પડે !
તો જ્યારે દેશની મહિલાઓ દેશના ‘વર્ક-ફોર્સ’ને સ્વસ્થ, મજબૂત, કાર્યક્ષમ અને દીર્ઘજીવી રાખવામાં આવડું મોટું પ્રદાન કરે છે એ દિવસને ‘પતિ સંરક્ષણ દિવસ’ શા માટે જાહેર ન કરવામાં આવે ?
કેમકે આગળ જતાં ‘પતિ’ નામની આ પ્રજાતિ જો લુપ્ત થતી જશે તો મહિલાઓનું અસ્તિત્વ જ જોખમમાં આવી પડશે ! માટે…
પતિ બચાઓ, દેશ બચાઓ…
***
સિરિયલ સુધારણા બિલ :
અહીં પહેલો પ્રોબ્લેમ તો એ છે કે પુરષો ટીવી સિરિયલો જોતા જ નથી ! તો આના માટે શું કરવું ? શું ‘પુરુષ સુધારણા બિલ’ લાવવું, કે ભઈ, દરેક પુરુષે સિરિયલો ફરજિયાત જોવી જ પડશે ? આ તો શક્ય નથી, એટલે બીજો ઉપાય એ છે કે સિરિયલોને ‘સુધારવામાં’ આવે ! (અહીં પુરુષોએ એકદમ હરખાઈ જવાની જરૂર નથી ! જરા આગળ સાંભળો…)
આના માટે સિરિયલોમાં હાલમાં પુરુષ પાત્રોની સંખ્યા માંડ 5 થી 10 ટકા રહી ગઈ છે, તે ફરજિયાતપણે વધારીને 33 ટકા કરવામાં આવે ! જેથી મહિલા પાત્રો જે અંદરો અંદર ઝગડ્યા કરે છે તેના બદલે પુરુષ પાત્રોનાં પણ દિમાગ ચાટતાં બતાડી શકાય !
સિરિયલોં મેં સુધાર હો, પુરુષોં પર ભી વાર હો…
***
નામ-બદલ બિલ :
આમાં તો સરકારને પણ વાંધો નહીં હોય ! કેમકે જુઓને ‘ઇન્ડિયા’ નામ બદલીને ‘ભારત’ કરતાંની સાથે જ દેશમાં કેટલી બધી ચેતના જાગૃત થઈ ગઈ !
તો એ જ રીતે મહિલાઓનાં સંસર્ગમાં આવનાર જે કોઈ ચીજો, સ્થળો વગેરેનાં નરવાચક નામો હોય તેને બદલી નાંખવામાં આવે ! જેમકે તાવડો, તવેથો, ઓટલો, રોટલો, ચોટલો, અંબોડો, ગજરો, ઘાઘરો, કચરો… વગેરે તો ઠીક છે પણ ધણી, પતિ, મિસ્ટર… બધું જ અડફેટે આવશે !
બદલેંગે નામ, તો બદલેગી નારી…
***
...અને સેલ્ફીનું શું ?
જોકે આ તમામ બિલો પહેલાં એક બિલ તો લાવવું જ પડશે ! હાલમાં જે સંસદ ભવનમાં ‘સેલ્ફી’ લેવા ઉપર પ્રતિબંધ છે, એ તો દેશની દરેક મહિલા ઉપર ઘોર અત્યાચાર જ છે ને ? શું કહો છો… હટાવો પ્રતિબંધ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Zakkash.!!!!
ReplyDelete