તમારામાંથી કોઈ વોટ્સએપ ગ્રુપના એડમિન બન્યા છો ? તો આ જરૂર વાંચજો…
***
સૌથી પહેલાં તો જ્યારે તમે ગ્રુપ બનાવી રહ્યા હો ત્યારે જ અમુક લોકોના ધમકીભર્યા મેસેજો આવી પડે છે : ‘કોને પૂછીને મને ગ્રુપમાં એડ કર્યો છે ?’
***
હજી તો તમે તમામ લોકોને એડ કરાવનું કામ પુરું પણ ના કર્યું હોય ત્યાં અમુક લોકોના ફોન આવવા માંડશે : ‘ફલાણાને ગ્રુપમાં રાખવાના હો તો મને શું ઝખ મરાવવા રાખ્યો છે ? કાં તો એને રિમુવ કરો, કાં તો મને માફ કરો !’
***
અચ્છા, હજી ગ્રુપ બન્યું ના બન્યું, ત્યાં તો જાણે ભારતનું બંધારણ ઘડવાનું હોય એવા અઘરા સવાલો ઊભા થવા લાગશે : ‘ગ્રુપનો હેતુ શું છે ?’
‘ફક્ત મજાક મસ્તી કરવાની હોય તો એવાં સત્તર ગ્રુપ ઓલરેડી છે, તમારું અઢારમું શા માટે ?’
‘અહીં પોલિટિક્સની ચર્ચા થવાની હોય તો મને નહીં ફાવે !’
‘બધા મેમ્બરો પાસે બાંહેધરી લખાવી લો કે કોઈ કોઈનું ઇન્સલ્ટ નહીં કરે !’
‘પોસ્ટ વાંધાજનક છે કે નહીં તે નક્કી કરવાનાં ધોરણો શું છે ? અત્યારથી ક્લિયર થઈ જવું સારું…’
***
સૌથી ખતરનાક સિચ્યુએશન ‘વાંધાજનક’ પોસ્ટમાંથી ઊભી થાય છે ! કેમકે હવે તો કાયદા મુજબ વાંધાજનક પોસ્ટ માટે એડમિન પણ જેલભેગા થઈ શકે છે !
***
આના કારણે બિચારા એડમિન સાહેબે આખા દિવસ દરમ્યાન મુકાતી દોઢસોએ દોઢસો ‘બિન-વાંધાજનક’ પોસ્ટ પણ વાંચવી પડે છે !
(ખાસ તો એકના એક વિડીયો ખોલીને જોવાનો ત્રાસ !)
***
અને જો કોઈ મેમ્બરને રિમુવ કરવા પડે તો અંગત રીતે ફોન કરીને એની આગળ ખુલાસા, મનામણાં કરતાં કરતાં એમ થઈ આવે કે ‘ભૈશાબ, આટલું તો હું મારી પત્નીને ય નથી મનાવતો !’
- બોલો, ખોટી વાત છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment