નમૂનાઓ ઠેર ઠેર મળશે !

કહેવત છે કે ‘ગાંડાઓનાં ગામ ના હોય, એ તો ગમે ત્યાંથી મળી આવે’ એ જ રીતે અમુક નમૂનાઓ આપણા સમાજમાં બેધડક રીતે છૂટ્ટા ફરી રહ્યા છે ! જુઓ…

*** 

ફોન લગાડીને પૂછશે : ‘બે મિનિટ વાત થઈ શકશે?’
પછી એ નમૂનો બાર મિનિટ સુધી લપ કરશે પણ ફોન નહીં મુકે !

*** 

એ જ રીતે સમારંભમાં ‘બે શબ્દો’ બોલવા માટે ઊભા થયેલા વકતા પુરા બારસો શબ્દો બોલ્યા પછી કહશે : ‘આમ તો આ વિષય ઉપર આખું પુસ્તક લખી શકાય... પણ સમયના અભાવે જો હું ટુંકાણમાં કહું તો...’

- એમ કહીને બીજા બારસો શબ્દો બોલશે ! (બોલો.)

*** 

‘દેશનું બુધ્ધિધન વિદેશોમાં ખેંચાઈ જાય છે તેને અટકાવવું જોઈએ...’ એવું કહેનારાઓ પાસે ‘ધન’તો હોતું જ નથી, પણ ‘બુધ્ધિ’ યે ખાસ નથી હોતી !

*** 

અને હા, ‘તમે લખી રાખજો...’ એવું વારંવાર કહેનારા પોતે ક્યાંય કશું લખીને રાખતા જ નથી હોતા !

*** 

‘અડધી રાતે મારું કામ પડે તો મને ફોન કરજે..’ એવું કહેનારાને તમે ભરબપોરે ફોન કરો તોય ઉપાડશે નહીં !
(લખી રાખજો !)

*** 

અચ્છા, મને એ સમજાવો કે ‘આજકાલ બધી ફિલ્મોમાં અને વેબસિરીઝોમાં અશ્ર્લીલતા અને નગ્નતા બહુ વધી ગઈ છે...’ એવું કહેનારા આજકાલની ફિલ્મો અને વેબસિરીઝો જાયા પછી આવું કહે છે ? કે જોયા વિના?

*** 

‘... અને બીજી એક વાત !’ ‘... અને બીજી એક વાત !’ એવું વારંવાર કહીને અમુક લોકો ત્રીજી, ચોથી, પાંચમી વાત પણ ‘બીજી એક વાત!’ એમ કહીને જ સંભળાવતા હોય છે !

*** 
અને અમુક નમૂના પચ્ચીસ જાતની વાહિયાત વાતો કર્યા પછી પણ કહેશે :
‘ના ના, આ તો એક વાત થાય છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments