સોશિયલ મિડીયામાં ફરતી જોક મુજબ બે સાઢુભાઈઓ ‘સમદુખિયા’ બન્ને એક જ ઠેકાણેથી છેતરાયા છે !
જોકે આ સિવાય પણ જ્યાં ને ત્યાં તમને સમદુખિયા જોવા મળશે ! જુઓ…
***
સોસાયટીમાં રહેતી છોકરી પાછળ ત્રણ ત્રણ વરસ સુધી ફિલ્ડીંગો ભરી હોય પછી અચાનક તેનું લગ્ન ક્યાંક બીજે નક્કી થઈ જાય, ત્યારે લગ્નના મંડપમાં ‘ડેકોરેશન’ કરી રહેલા સોસાયટીના અડધો ડઝન છોકરાઓ…
- ‘સમદુખિયા’ કહેવાય !
***
અને અડધો ડઝન ‘નવોદિત’ કવિઓના કવિ સંમેલનમાં તેમનો ઉત્સાહ વધારવા આવેલું ચાર ડઝન લોકોનું ટોળું ઓડિયન્સ પણ…
- ‘સમદુખિયું’ કહેવાય !
***
એમ તો ટિકીટની આશાએ પાંચ પાંચ વરસ લગી મહેનત કરી હોય, પણ બરોબર ચૂંટણી આવતાં પહેલાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા ચાર નેતાને કારણે ભાજપના જે બાર નેતાઓનાં પત્તાં કપાઈ જાય…
- એ પણ ‘સમદુખિયા’ કહેવાય !
***
ફૂલ્લી એરકન્ડીશન્ડ મલ્ટિપ્લેક્સનો શો હાઉસફૂલ હોય અને ઇન્ટરવલ પડે ત્યારે વોશરૂમમાં થયેલા એકસામટા ધસારામાં માત્ર થોડી જ સેકન્ડો માટે મોડા પડેલા પ્રેક્ષકો જે ‘મજબૂરી’ સાથે રાહ જોતા ઊભા હોય છે…
- એ સૌને ‘સમદુખિયા’ કહેવાય !
***
મિડીયાની હાઇપમાં હરખઘેલા થઈને કોઈ ફિલ્મની ટિકીટો 300-400 રૂપિયામાં ખરીદીને મોટા ઉપાડે મુવી જોવા ગયા પછી જ્યારે ફિલ્મ પતે ત્યારે એમ થાય કે ‘અં… ઠીક છે… એવી કંઈ ગ્રેટ ફિલ્મ નહોતી..’ છતાં ‘ઇન્ટરવલમાં પેલા ગરમાગરમ સમોસા ખાધા, એ મસ્ત હતા…’ એવું વિચારનારા…
- ‘સમદુખિયા’ કહેવાય !
***
અને તલાટીની 3600 જગ્યા માટે જે નવ લાખ ઉમેદવારો એકઝામ આપ્યા પછી ‘રીઝલ્ટની’ રાહ પણ જુએ છે…
- એ બધા જ ‘સમદુખિયા’ કહેવાય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment