જરા વિચારો, જે માણસે પોતાની 34 વરસની કરિયરમાં 40 જેટલી ફિલ્મો બનાવી હોય, એમાંથી શરૂઆતની ચાર ફિલ્મો બાદ કરતાં બાકીની તમામ 36 ફિલ્મો આઉટ-એન્ડ-આઉટ કોમેડી જ હોય એ માણસના દિમાગમાં રમૂજ, હાસ્ય, તોફાન અને તરકટનાં એવાં તે કેવાં ફ્રેશ ઝરણાં ઉપરવાળાએ ફીટ કર્યા હશે ?!
ડેવિડ ધવનને પહેલી કોમેડી ફિલ્મ બનાવવાનો કીડો શી રીતે વળગ્યો તેનો કિસ્સો પણ અજીબ છે. વાત એમ હતી કે તે 'સ્વર્ગ' નામની એક શુધ્ધ સામાજિક ફિલ્મ બનાવી રહ્યા હતા જે સાઉથની એક હિટ ફિલ્મની ડાયરેક્ટ રિ-મેક હતી. 'સ્વર્ગ'માં રાજેશ ખન્નાના વફાદાર નોકર તરીકે ગોવિંદા પોતાના માલિકને જેણે જેણે છેતરપિંડી વડે કંગાળ અને બરબાદ કરી નાંખ્યા છે, તે સૌ આગળ જુદા જુદા સ્વરૂપે જઈને એમને છેતરપિંડી વડે ઉલ્લુ બનાવીને તમામ મિલકતો પાછી મેળવે છે. બસ, આ જ સ્ટોરી હતી.
આના શૂટિંગ દરમ્યાન ગોવિંદા જે ઓન-ધ-સ્પોટ કોમિક ટાઇમિંગ વડે પોતાનો આગવો ટચ ઉમેરતો હતો એ જોઈને ડેવિડ ધવનને થયું કે ગોવિંદાને લઈને એકાદ કોમેડી ફિલ્મ બનાવવી જોઈએ ! જોકે તે વખતે ડેવિડ ધવનને પણ ક્યાં ખબર હતી કે એ પછીની આખી જિંદગી એ આ જ જોનરમાં કામ કરીને બોલીવૂડમાં છવાઈ જશે ! 'સ્વર્ગ' પછીની એ ફિલ્મ હતી 'શોલા ઔર શબનમ'.
જ્યારે 'શોલા ઔર શબનમ' રિલીઝ થઈ ત્યારે શરૂઆતમાં ખાસ નહોતી ઉપડી. એક તો ફિલ્મનું ટાઇટલ કોમેડી ફિલ્મ જેવુ નહોતું. એટલે શરૂશરૂમાં પ્રેક્ષકોને આમાં કોમેડીની આશા જ નહોતી ! પરંતુ એ જમાનો સિંગલ સ્ક્રીનનાં થિયેટરોનો હતો. મામૂલી એવરેજ પિકચર પણ પાંચ સાત વીક થિયેટરોમાં પડી રહેતી હતી. બસ, આ જ ટાઇમમાં 'શોલા ઔર શબનમ'ની કોમેડી માઉથ પબ્લિસીટીના કારણે લોકોમાં પહોંચી અને ફિલ્મ ચાલી નીકળી !
અચ્છા, તમે જો માનતા હો કે ડેવિડ ધવનની આ પહેલી કોમેડીમાં ગોવિંદાનો મુખ્ય હાથ હતો, તો એ તમારી ભૂલ છે ! ખુદ ડેવિડ ધવન કહે છે કે 'ટોટલ ક્રેડિટ ગોઝ ટુ અનુપમ ખેર !'
આર્મી ટ્રેનિંગ કેમ્પના કડક, છતાં કોમિક, છતાં અંદરથી અતિશય ઇરોટિક એવા કર્નલ સાહેબના રોલ માટે અનુપમ ખેર પહેલા જ દિવસે જે કપડાં, કડક મૂછો અને જે ચાલ-ઢાલ સાથે મેકપ રૂમમાંથી બહાર આવ્યા એ જોતાં જ ડેવિડ ધવન પોતાનું હસવું રોકી શક્યા નહોતા ! આના કારણે જેમ જેમ ફિલ્મનું શૂટિંગ આગળ વધતું ગયું તેમ તેમ સ્કીપ્ટ પણ બદલાતી રહી ! (જે આગળ જતા ડેવિડ ધવનની ટ્રેડ-માર્ક સ્ટાઇલ બની ગઈ.)
'શોલા ઔર શબનમ' પછીની કોમેડી ફિલ્મ હતી 'આંખે', જેમાં કોઈ કારણસર અનુપમ ખેર નહોતા. પરંતુ આ ફિલ્મથી ડેવિડ ધવન, પેલું કહે છે તેમ 'સોળે કળાએ ખીલ્યા'! ફિલ્મની શરૂઆતમાં કોઈ મોટા કૌભાંડનો સસ્પેન્સ ઘૂસાડી દીધા પછી ગોવિંદા અને ચંકી પાન્ડેની કોમેડી શરૂ થાય છે.
બન્ને નબીરાઓ ઘરેથી ભાગી નીકળ્યા પછી કોઈ અતિશય ધનવાન વ્યક્તિના ઘરજમાઈઓ બનીને ઘરમાં જ અડિંગો જમાવે છે. (બાય ધ વે, આ જ પ્લોટ એમણે આગળ જતાં 'જોડી નંબર વન'માં પણ અજમાવ્યો હતો.) પરંતુ 'આંખે'માં તો આગળ જતાં ગોવિંદાનો ડબલ રોલ ફૂટી નીકળે છે ! (જે મહેમૂદની ફિલ્મ 'દો ફૂલ'નો પ્લોટ હતો !) છેલ્લે બાકી હોય તેમ, કાદરખાનનો અને પછી વિલન રાજ બબ્બરનો પણ ડબલ રોલ નીકળે છે !
સ્ટોરીમાં આટલા બધાં આટાપાટા ગુંથવાની કળા ડેવિડ ધવને એકલવ્યની જેમ મનમોહન દેસાઈની ફિલ્મો જોઈને આત્મસાત કરી હતી. પરંતુ આપણને નવાઈ લાગે, ડેવિડ ધવનની કોમેડીની પ્રેરણામૂર્તિ કોણ છે ? એ છે ઋષિકેશ મુખર્જી !
જી હા, ડેવિડ ધવન આજે પણ કબૂલ કરે છે કે ઋષિદા સાવ રિયાલિસ્ટીક માહૌલ રાખીને જે કોમેડી ઊભી કરતા હતા તે આજે પણ બેમિસાલ છે. (અને હલો, ડેવિડ ધવને ઋષિદાની પણ એક ફિલ્મનો પ્લોટ ઉઠાવ્યો છે ! 'બાવર્ચી'ની મેઇન સ્ટોરી 'હીરો નંબર વન'માં ચિપકાવી છે !)
આમ જોવા જાવ તો ડેવિડ ધવને ક્યાં ક્યાંથી પ્લોટ નથી ઉઠાવ્યા ! 'બડે મિયાં છોટે મિયાં'ની શરૂઆતનો પાર્ટ અંગ્રેજી ફિલ્મ 'Bad BOys'માંથી લીધો છે. 'પાર્ટનર' (સલમાન, ગોવિંદા)ની સ્ટોરીનાં મૂળિયાં હોલીવૂડની 'Hitch' ફિલ્મમાં પડ્યાં છે અને 'દિવાના મસ્તાના' (ગોવિંદા, અનિલ કપૂર)નો બેઝિક પ્લોટ 'What about BOB?' ફિલ્મને મળતો આવે છે.
અને તમને શું લાગે છે. ડેવિડ ધવને માત્ર બીજા લોકોની ફિલ્મોમાંથી સ્ટોરીઓ કોપી કરી છે ? ના ભઈ ના ! એમણે પોતાની જ ફિલ્મોમાં એકની એક પ્લોટ-લાઇન રીપીટ કરી છે !
ખાતરી ના થતી હોય તો યાદ કરો, 'સાજન ચલે સસુરાલ'ની સ્ટોરી શું હતી ? ગોવિંદા કરિશ્માના પ્રેમમાં છે પરંતુ મજબૂરીમાં બિચારાને તબ્બુ સાથે પરણવું પડે છે ! 'બનારસી બાબુ'માં શું હતું ? ગોવિંદા શિલ્પા શેટ્ટીના પ્રેમમાં છે પણ સંજોગો એવા છે કે રવિના ટંડન સાથે પરણવું પડે છે ! અને 'કુલી નંબર વન'? સસરાને છેતરવા માટે બે ગોવિંદા બનીને બે પત્નીઓને સાચવવી પડે છે !
ડેવિડ ધવન કહે છે 'કોમેડીમાં ઘણું બધું સ્ટુપિડ લેવલે કરવું પડે છે પરંતુ તેને 'બિલિવેબલ' બનાવનાર એકટર હોય છે !' અને એટલે જ ડેવિડ ધવને ગોવિંદા સાથે એક બે નહીં, કુલ 17 કોમેડી ફિલ્મો કરી છે ! એ સત્તર ફિલ્મોની ઝલક આવતા અઠવાડિયે...
***
- મન્નુ શેખચલ્લી
E-mail :mannu41955@gmail.com
Comments
Post a Comment