બોલો, તમને આવું થાય છે ને !

જીવનમાં અમુક એવી ઝીણી ઝીણી ઘટનાઓ થાય છે જે આમ જોવા જાવ તો ખાસ મહત્વની નથી હોતી. પણ જ્યારે થાય છે ત્યારે મારું બેટું ઓકવર્ડ લાગે છે ! જુઓ, તમને પણ આવું આવું થાય છે ને...

*** 

ભજીયું હાથમાં લઈએ ત્યારે ખાસ ગરમ ના લાગે તો પણ મોટું બટકું ભરી લઈએ પછી મોં એવું દાઝી જાય છે કે ના તો ભજીયું ચાવી શકીએ, ના બહાર કાઢી શકીએ કે ના ગળી શકીએ !

- બોલો આવું થાય છે ને ?

*** 

સલુનમાં વાળ કપાવી લીધા પછી અરીસામાં જોઈએ ત્યારે બધું બરોબર લાગે છે પણ ઘરે આવીને માથું ધોયા પછી વાળ ઓળીએ ત્યારે... યાર, કંઈક જુદા જ લાગતા હોય છે !

- બોલો, આવું થાય છે ને ?

*** 

ઘણા સમય પછી ફ્રેન્ડઝ લોકો ભેગા થયા હોય ત્યારે જે બે ત્રણ વેબસિરીઝો અને ફિલ્મોનાં બહુ વખાણ થતાં હોય... તેના નામો જ તમે પહેલી વાર સાંભળ્યાં હોય... અને તમે ભૂલથી એમ પૂછી બેસો કે 'એ વળી કઈ ?' ... ત્યારે ફ્રેન્ડ્ઝ લોકો તમને જે રીતે જોઈ રહ્યા હોય...!

- બોલો, એવું થાય છે ને?

*** 

તમે ટોઈલેટમાં બેઠા હો એ જ વખતે કોઈ મહત્વની પાર્ટીનો મિસ-કોલ આવી જાય, તમે બહાર આવીને કોલ કરો ત્યારે એ પાર્ટી ટોઇલેટમાં હોય.. અને તમે જ્યારે નહાવા જાઓ ત્યારે જ એ પાર્ટીનો મિસ-કોલ આવે... અને જ્યારે તમે કોલ કરો ત્યારે...

- બોલો, એવું થાય છે ને ?

*** 

અરે, ઘરમાં બીજા બધા લોકો ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે ફક્ત તમારા જ કાન પાસે એકનું એક મચ્છર આવી આવીને ગણગણ્યા કરતું હોય !

- બોલો, એવું થાય છે ને !

*** 
બાકી, 'સ્વર્ગીય રાજીવ ગાંધી'ને બદલે સ્વર્ગીય 'રાહુલ ગાંધી' એવું બોલી જવાની ઘટના...

- બોલો, કોંગ્રેસીઓમાં જ થાય છે ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments