કેટલી જાતના વરસાદ ?

‘હવે તો નહીં પડે,. નહીં પડે…’ એમ કરતાં કરતાં ઠેર ઠેર ફરી જળબંબાકાર થઈ ગયું ! સવાલ એ છે કે આખરે કેટલી જાતના વરસાદ હોય છે ? વાંચો લિસ્ટ…

*** 

કેરળનો વરસાદ
ધોમધખતા ઉનાળા પછી લોકો છેક કેરળ સુધી લાંબી ડોક તાણીને કહેતા હોય છે કે ‘હજી તો કેરળમાં ચોમાસું નથી બેઠું… આપણે ત્યાં તો ક્યારે આવશે ?’

*** 

અમી-છાંટણાં વરસાદ
આ દર વરસની રથયાત્રા વખતનો એક રિવાજ છે ! રથયાત્રા અગાઉ ચોમાસુ બેસી ગયું હોય તો પણ ‘અમી-છાંટણાં’ની હેડલાઇન બનવી જ જોઈએ !

*** 

તંત્રની પોલ-ખોલ વરસાદ
એ પછી જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે વરસોથી ચાલ્યા આવતા રિવાજ મુજબ સરકારી તંત્રોની પોલ ખુલી જાય છે ! ડામરના રોડ ધોવાઈ જાય છે, ગટરો ઉભરાય છે અને ‘પ્રિ-મોન્સૂન પ્લાનનાં ધજાગરા’ થાય છે !

*** 

વિડીયો વરસાદ
આમાં બે પ્રકાર હોય છે : પહેલા પ્રકારમાં મુંબઈની ચોપાટી ઉપર ઉછળતાં મોજાં અને પલળતાં કપલ જોવા મળે છે. (આ વખતે તો એક સિનિયર સિટિઝન કપલ એક ફિલ્મી ગાયનના રિવાજ મુજબ પલળ્યું હતું !)

બીજા પ્રકારમાં જ્યા જ્યાં પૂર આવ્યાં હોય તની તબાહીના વિડીયોનો પણ વરસાદ વરસવા લાગે છે ! (એ જોવાની લોકોને મજા પણ પડે છે, બોલો.)

*** 
અંબાલાલ વરસાદ
લિલીયા ગામના આ વડીલ દરેક સિઝને વધુ ને વધુ ફેમસ થતા જાય છે ! નોસ્ત્રાદોમસ કરતાંય એમની વરસાદની આગાહીઓની ચર્ચા વધારે થાય છે !

*** 

આફતમાં અવસર વરસાદ
પુર રાહતનાં ફૂડ-પેકેટો પર ફોટા, હેલિકોપ્ટરથી નિરીક્ષણ, હોડીમાં બેસીને વિડીયો ઉતરાવવા, ઘુંટણ સમાણાં પાણીમાં લોકસંપર્ક… આ બધા રાજકીય અવસરો ઊભા કરી આપતો ઉપયોગી વરસાદ !

***

- મન્નુ શેખચલ્લી

Comments