મહિલા અનામતની તત્કાલ અસરો !

સંસદમાં 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત રાખવાનો ખરડો પસાર થઈ ચૂક્યો છે ! ભલે એનો અમલ 2029માં થાય, એની તાત્કાલિક અસરો થવાની શરૂઆત ટુંક સમયમાં થવા માંડશે ! જેમકે…

*** 

તમામ નેતાજીઓ એમની પત્નીઓ સાથે અચાનક ‘સારો’ વ્યવહાર કરવાનું શરૂ કરી દેશે !

*** 

અમુક નેતાજીઓ એમની પત્ની સિવાય જે ‘ખાસ’ હોય તે ક્યાંક બીજે પલ્ટી મારીને ‘જતી ના રહે’ તેના માટે સતર્ક થઈ જશે !

*** 

પત્નીઓ અથવા જે ‘ખાસ’ હોય, તેને સતત પ્રેરણા મળતી રહે એટલા ખાતર ઘરની દિવાલો ઉપર, કિચનમાં, બેડરૂમમાં તથા મોબાઈલના લોક-સ્ક્રીનમાં ‘ટિકીટ’નો ફોટો ફરજિયાત રીતે મુકાવશે !

*** 

ખાનગી ધોરણે મહિલાઓ માટે ‘એક્ટિવ પોલિટીક્સ’ના ટ્યૂશન ક્લાસો ચાલુ થઈ જશે ! જેમાં… ભાષણ શી રીતે કરવું, ધરણાં શી રીતે ધરવાં, રેલીઓમાં સૌ સામે હાથ શી રીતે હલાવવા, મિડીયામાં નિવેદનો શી રીતે આપવાં… વગેરેની ટ્રેનિંગ અપાશે !

*** 

ઓછું ભણેલી નેતા-પત્નીઓ માટે એક રાષ્ટ્રવ્યાપી ટ્યૂશન સંસ્થા ચાલુ થશે, જેનું નામ હશે ‘રાબડીદેવી મહિલા રાજનીતિ પ્રશિક્ષણ સંસ્થાન’…!

*** 

અને ભણેલી મહિલાઓએ સતત ન્યુઝમાં શી રીતે રહેવું તેના ક્લાસિસ રિવાબા જાડેજા અને પૂનમ માડમ દ્વારા શરૂ થશે…!

*** 

જોકે આ કોચિંગ ક્લાસોમાં સામેવાળી વ્યક્તિની ભૂલો શી રીતે કાઢવી, વાંક શી રીતે કાઢવો અને તકરાર શી રીતે કરવી તેની ટ્રેનિંગ આપવાની તો જરૂર જ નથી ! કેમકે…

*** 

અને હા… જે હિરોઈનોની કરિયર હવે પતવા આવી છે એમને અચાનક પોલિટિક્સમાં બહુ રસ પડવા માંડશે ! સંભાળજો…

***

- મન્નુ શેખચલ્લી

Comments