અઘરા સવાલો... સહેલા જવાબો !

જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે સવાલો બહુ અઘરા હોય પણ એના જવાબો સાવ સહેલા હોય છે ! દાખલા તરીકે…

*** 

સવાલ :
મને રાતના સૂતાં પછી બહુ બિહામણાં સપનાં આવે છે. સપનામાં ભૂતો આવે છે, ડાકણો આવે છે, પૂર આવે છે, ધરતીકંપ થાય છે, બોમ્બ ફૂટે છે, ગોળીઓ ચાલે છે, વાવાઝોડાં આવે છે, દુકાળ પડે છે, પહાડ ઉપરથી કાર ગબડે છે, દરિયામાં સ્ટિમરો ઊંધી વળી જાય છે, આકાશમાંથી વિમાનો તૂટી પડે છે, પૃથ્વી ઊંધી ફરે છે, સૂર્ય કાળો પડી જાય છે, ચાંદો લાલચોળ બનીને આગ ઓકવા લાગે છે ! આખી રાત પરેશાનીમાં વીતે છે. હું શું કરું ?

જવાબ :
રાત્રે સૂવાનું ટાળો. દિવસે સૂઓ.

*** 

સવાલ :
જીવનનો આખરે મતલબ શું છે ? જન્મ લેવો, મોટા થવું, ભણવું, પરીક્ષાઓ આપવી, પાસ થવું, ડિગ્રી લેવી, નોકરી શોધવી, નોકરી કરવી, છોકરી શોધવી, લગ્ન કરવાં, બાળકો પેદા કરવાં, એમને ભણાવવાં, મોટાં કરવાં, એમને નોકરી અપાવવી, છોકરી અપાવવી, લગ્ન કરાવવાં, એમનાં સંતાનો થાય તો એમને રમાડવાં, રિટાયર થવું, બિમાર પડવું અને મરી જવું… શું આ જ જિંદગી છે ?

જવાબ :
હા.

*** 

સવાલ :
મોબાઇલમાં જાત જાતના વિડીયો આવે છે, ફિલ્મો આવે છે, ગાયનો આવે છે, વેબસિરીઝો આવે છે, જોક્સ આવે છે, ફેક ન્યુઝ આવે છે, પોલિટીક્સ આવે છે, કોમી ઉશ્કેરણી આવે છે, ગેઈમો આવે છે, ઇનામો આવે છે, બોગસ મેસેજો આવે છે, ફ્રોડ આવે છે, રીલ્સ આવે છે, મેચો આવે છે, ગંદા મેસેજો આવે છે… આ બધું સતત જોવાથી શું અસર પડે છે ?

જવાબ :
બેટરી પતી જાય છે. ડેટા પણ પતી જાય છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments