અમુક કોર્પોરેટ સ્ટાઇલની ઓફિસોમાં કામ કરતાં મિટિંગો વધારે થતી હોય છે ! આવી મિટિંગોમાં જો તમારે સતત સ્માર્ટ, હોંશિયાર અને પ્રભાવશાળી દેખાવું હોય તો શું કરવું જોઈએ ? અજમાવો નુસખા…
***
મિટિંગોમાં હંમેશાં દસ પંદર મિનિટ મોડા પહોંચો. હાથમાં બે ચાર ફાઇલો જરૂર રાખો. અને દર વખતે કહો : ‘સોરી, હું બીજી એક મિટિંગમાં હતો !’
***
મિટિંગમાં ડાચું સિરિયસ રાખો, હાથમાં પેન રાખીને એના વડે જુદા જુદા સિરિયસ ટાઇપના પોઝ આપતા રહો, અને હા, પેન વડે કોઈ નોટ્સ ટપકાવતા રહો !
***
કંઈ પણ બોલતાં પહેલાં પેલી નોટ્સનાં કાગળિયાં ઉથલાવો, ચશ્મા પહેરો-કાઢો અને પછી જે બોલો તેમાં પહેલું વાક્ય આ બોલો કે, ‘ઓકે… સો લેટ મિ ડુ એ ક્વિક રિ- કેપ ઓફ પ્રેઝન્ટ સિનેરીયો…’
***
તમારો બોસ જે બોલી ગયો હોય એ વાત જુદા છતાં અઘરા શબ્દોમાં ફરીથી બોલો, દાખલા તરીકે બોસ કહે કે ‘વિ નીડ ટુ મેક ચેન્જીસ..’ તો તરત જ કહો, ‘યસ, આઇ થિન્ક વિ નીડ ટુ રિ-સ્ટ્રક્ચર ધ વર્ક-ફ્લો ઓફ ઓપરેશન્સ !’
***
લેપ-ટોપ ખુલ્લું રાખો. જાણે મિટિંગમાં બેઠાં બેઠાં તમે બીજું પણ ઘણું કામ કરી રહ્યા હો એવો દેખાવ કરતા રહો !
***
ચાલુ મિટિંગે જાણે ફોન ઉપર પણ લાખોનાં કામો પતાવતા હો એ રીતે કાનમાં હેન્ડ્ઝ-ફ્રી રાખીને કાન ઉપર હાથ મુકીને થોડી થોડી વારે ‘આઇ વિલ કોલ યુ બેક. આઇ એમ ઇન અ મિટિંગ’… ‘શ્યોર…’ ‘ડન ડન…’ ‘અભી કરતા હું’… એવું બધું બોલતા રહો.
***
અને મિટિંગ પતવાની દસ મિનિટ પહેલાં જ બધું સમેટીને ઊભા થઈ જાવ ! જતાં જતાં કહો કે ‘સોરી મારે બીજી એક મિટિંગ છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment