'સ્માર્ટ- ફોનિયાઓ' માટે શબ્દકોશ !

ધોળે દહાડે મોબાઇલમાં મોં ખોસીને સડક ઉપર ચાલનારાઓ માટે અંગ્રેજીમાં નવો શબ્દ આવ્યો છે : Smombie ! મતલબ કે સ્માર્ટફોન સાથે બેભાન અવ્સથામાં ચાલતા Zombie !
આવા જ અમુક શબ્દો હવે ગુજરાતીમાં પણ લાવવાની જરૂર છે ! જેમકે…

*** 

અંગૂઠાપ્રજાતિ
આખો દહાડો મોબાઇલમાં મોં ખોસીને બે અંગૂઠા વડે સતત પ્રત્યાયન કરી રહેલી ભણેલી છતાં અંગૂઠાછાપ પ્રજાતિ !

*** 

આઇફોનાકર્ષણ
ગુરુત્વાકર્ષણની જેમ અમુક ફોન-ઘેલાઓને આઇ-ફોન માટે જે સખત આકર્ષણ રહે છે તે ! મંદિરમાં દર્શન માટે જેમ ભક્તો લાઇન લગાડે છે તેમ આ લોકો નવા આઇ-ફોનના મોડલ માટે લાઈનો લગાડે છે !

*** 

ફિલ્ટરાભિમુખ
જે પોતાનાં મુખ એટલે કે ડાચાંનો ફોટો અમુક ફિલ્ટર વિના મુકી જ શકતા નથી એવી પ્રજાતિ !

*** 

ઓન-લાલિત્ય
એ જ પ્રજાતિ, જો ઓનલાઇન હોય તો જ સુંદર લાગે છે પણ રિયલ લાઇફમાં આધારકાર્ડના ફોટા જેવી લાગે છે !

*** 

રીલપચ્યા
જાગૃત અવસ્થાના 18 કલાકમાંથી જેઓ 10 કલાક તો મોબાઇલમાં રીલ્સ જોવામાં રચ્યાપચ્યા રહે છે તે !

*** 

કોલાતૂર
આ મહિલાઓની પ્રજાતિ છે, જેમાં યુવાનવયે કલાકો લગી બોયફ્રેન્ડ સાથે અને પ્રૌઢવયે પિયરીયાં સાથે લાંબા લાંબા ફોન-કોલમા જ લાગેલી હોય છે !

*** 

ફેકાઈડીપણું
ફેસબુકમાં કન્યાઓ સાથે રોમાન્સ કરવા માટે અને ટ્વિટરમાં સેલિબ્રિટીઓને ટ્રોલ કરવા માટે જે ફેક-આઈડી ધારણ કરવામાં આવે છે તે !

*** 

સેલ્ફીત્વ
એકમાત્ર મહાન ફિલોસોફિકલ શબ્દ, જે મોબાઇલ યુઝરનું ‘અસલી વ્યક્તિત્વ’ મોબાઇલમાં જ છુપાવીને રાખે છે ! બોલો, આ જ છે ને તમારું અસલી ‘સેલ્ફીત્વ’ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments