ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્શનેરીએ આ વરસે 'ઇન્ફર્મેશન પોલ્યુશન' 'નિપોબેબી' 'ગ્રીનવોશિંગ' જેવા શબ્દો ઉમેર્યાં છે. અમને લાગે છે કે ભારતની ડિક્શનેરીમાં પણ થોડા નવા શબ્દો ઉમેરવાની તાતી જરૂર છે ! દાખલા તરીકે...
***
અંધભક્ત
અગાઉ જે શબ્દ ધાર્મિક અર્થમાં વપરાતો હતો તેમાં હવે ભગવાન જ બદલાઈ ગયા છે !
***
સિક્યુલર
એવા લોકો જેને સર્વ ધર્મ સરખા લાગતા હોવા છતાં એક ખાસ ધર્મ માટે એલર્જી છે !
***
અંડેલેક્ચુઅલ
એવા બુદ્ધિજીવી લોકો જેની પાસે પોતાનું ઓરીજીનલ કહી શકાય એવું જ્ઞાન માત્ર એક ઇંડાના આકાર જેટલું જ છે !
***
આંદોલનજીવી
વડાપ્રધાનશ્રીએ પ્રચલિત કરેલો આ શબ્દ એવા લોકો માટે છે જે બારે મહિના વિવિધ પ્રકારનાં આંદોલનો વડે જ પોતાની રોજીરોટી પકવતા હોય છે !
***
અતીતજીવી
એવા દેશવાસીઓ, જે માને છે કે ભારતમાં હજારો વર્ષો પહેલાં બધું જ મહાન હતું, બધી શોધો થઈ ચૂકી હતી, એટલે વર્તમાનમાં પણ આપણે મહાન જ છીએ.
***
ગોદી મિડિયા
આ શબ્દનો પહેલો અક્ષર બદલી નાંખવાથી તેની પાછળનો અર્થ અને હેતુ બન્ને સ્પષ્ટ થઇ જાય છે !
***
ઈકો સિસ્ટમ
આ ગોદી મિડીયાની સામેના છેડાની પ્રચાર વ્યવસ્થા છે. આમાં સૌએ એક જ પ્રકારના 'ઇકો' યાને કે પડઘા પાડતા રહેવાનું હોય છે !
***
ટ્રોલ ટપોરી
સવારથી મધરાત લગી જે નવરા લોકો સોશિયલ મિડીયામાં જાણીતી વ્યક્તિઓની પાછળ 'હાથ ધોઈને' ગંદકી ઉછાળવામાં લાગેલા હોય છે તે !
***
એઝંડાધારી
હાથમાં કેસરી, લીલો કે લાલ ઝંડો હોય કે ના હોય, એમના દિમાગમાં અમુક એજન્ડા બહુ ક્લિયર હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment