તમે માર્ક કરજો, લોકો પાસે ‘ના’ પાડવા માટેનાં ફિક્સ વાક્યો હોય છે ! બોરિંગ ફંકશન હોય, અણગમતી વ્યક્તિનો પ્રસંગ હોય, દૂરનાં સગાંનાં લગ્ન હોય, અરે, ત્રાસદાયક કવિ સંમેલન હોય કે ઇવન ગુજરાતી ફિલ્મનો પ્રિમિયર હોય… ત્યારે પણ આ જ રીતે ના પાડતા હશે !
***
(1) જોઉં છું, વિચારું છું…
(અલ્યા, બારીમાં બેઠેલા કાગડા સિવાય કશું જોતો નથી અને વિચારીને તો પહેલેથી જ બેઠો છે.)
***
(2) પૂછીને કહું…
(તમને શું લાગે છે, બોસને પૂછવાનું હશે ? ના, એની વાઇફને પણ નહીં પૂછે !)
***
(3) બિઝી છું, નહિતર…
(શેનો બિઝી ? જ્યારે જુઓ ત્યારે મોબાઇલમાં ઓનલાઇન હોય છે, નવરીનો…)
***
(4) પહેલાં કહેવું હતું ને !
(પહેલાં તને જ કીધું છે ! બાકીના 300ને તો હજી હવે ફોન કરવાના છે.)
***
(5) તારીખ કઈ છે ? વાર કયો છે ?
(ના ના, ટાઇમ અને ચોઘડિયું પણ પૂછી લે ને? તોય મહુરત નહીં આવે એનું !)
***
(6) સોરી યાર, બહારગામ જવાનું છે.
(એ ક્યાંય જવાનો નથી. આખો દિ’ ઓફિસમાં ગુડાણો હશે, ને સાંજે શાક લેવા જશે… થેલી લઈને.)
***
(7) દસ્સ જ મિનિટમાં કન્ફર્મ કરું છું.
(દસ મિનિટ પછી તમે ફોન કરશો તો ફરી એ જ જવાબ આપશે : બસ, દસ્સ જ મિનિટમાં કોલ કરું છું !)
***
(8) ચોક્કસ ટ્રાય કરીશ.
(એમાં ‘ટ્રાય’ શું કરવાનું છે ? ઊભા થવાની ‘ટ્રાય’ કરીશ ? ઘરની બહાર નીકળવાની ‘ટ્રાય’ કરીશ ? ટ્રેનમાં કે બસમાં ચડવાની ‘ટ્રાય’ કરીશ?)
***
(9) પાક્કું ! ચોક્કસ… પણ શ્યોર નહીં હોં !
(બોલો, આમાં શું સમજવાનું ? એ જ, કે પાર્ટી છેલ્લી ઘડીએ ફસકી જવાની છે ! બીજું શું ?)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment