70 વરસનાં એક સાસુ મંદિરે દર્શન કરવા ગયાં. ત્યાં એમને એક માજી મળી ગયાં.
માજી કહેવા લાગ્યાં : ‘હું તમારે ઘરે છાશ લેવા ગઈ હતી પણ તમારી વહુએ કીધું કે છાશ ખલાસ થઈ ગઈ છે.’
સાસુની આંખો ચમકી. ‘વહુએ એવું કીધું ? સમજે છે શું એના મનમાં ? તમે ચાલો મારી સાથે…’
માજી તો ચાલ્યાં સાસુજી સાથે ! 500 ડગલાં ચાલીને સાસુજીના ઘરે પહોંચ્યાં.
સાસુજી ઘરમાં ગયાં…
માજી રાહ જુએ છે કે હમણાં છાશ લઈને બહાર આવશે.
પણ એ તો બહાર આવ્યાં જ નહીં ! એટલે માજીએ ઘરમાં જઈને પૂછ્યું કે ‘છાશનું શું થયું ?’
જવાબમાં 70 વરસનાં સાસુજી બોલ્યાં કે ‘છાશ તો ખલાસ જ થઈ ગઈ છે પણ આ નવી વહુની હિંમત તો જુઓ ? મને પૂછ્યા વિના તમને ના પાડી દીધી ! હું હજી 70 વરસની બેઠી છું છતાં આ નવી નવ વરસની આવેલી વહુ કેટલી વંઠી ગઈ છે ! તમે જોયું ને ?’
સાસુજી કકળાટ કરતાં રહ્યાં અને માજી બબડતાં બબડતાં જતાં રહ્યાં… બોલો !
***
આ દ્રષ્ટાંત કથા અમને એટલા માટે યાદ આવી કે આજે કોંગ્રેસ-ભાજપની સ્થિતિ સાસુ-વહુ જેવી જ છે !
કોંગ્રેસે જ આધારકાર્ડ શરૂ કરાવ્યાં ! અને જ્યારે ભાજપે તેનો વ્યાપ વધાર્યો ત્યારે વિરોધ કરવા માંડ્યાં !
કોંગ્રેસે જ GSTનો મુત્સદ્દો ઘડ્યો હતો પણ ભાજપે તેનો અમલ કર્યો તો વાંધા પડવા માંડ્યા !
કોંગ્રેસે જ SAARC દેશોની અને નોન-અલાઈન્ડ દેશોની યજમાની કરવાની શરૂઆત કરી પણ હવે G20 ભારતમાં યોજાય છે તો ગમતું નથી !
અને ભૂલતા નહીં, રાજીવ ગાંધીના ટાઇમમાં જ કોંગ્રેસે ‘મેરા ભારત મહાન’નું સૂત્ર આખા દેશમાં પ્રચલિત કર્યું હતું…
પણ હવે ભાજપ ઇન્ડિયાનું ‘ભારત’ કરવા માગે છે તો…
70 વરસનાં સાસુજીને ગમતું નથી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment