સવાલ માત્ર જોતી વખતે વિચાર કરવાનો છે અથવા વિચાર કરીને જોવાનો છે… પછી તમને અનેક ઠેકાણે સવાલ થશે કે… હેં, એવું કેમ ? દાખલા તરીકે…
***
બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ જનારા પૈસા પાછા આપતા નથી, છતાં બેન્કમાં જે બોલપેન હોય છે તેને દોરીથી બાંધી રાખે છે !
બોલો, એવું કેમ ?
***
અમુક છોકરીઓ ઓનલાઇન ઓર્ડર કરીને ડબલ-ચીઝ પિત્ઝા, લાર્જ સાઇઝ વેફર્સ અને પનીર મસાલા વિથ બટર-નાન મંગાવે છે પણ… સાથે ‘ડાયેટ-પેપ્સી’નો ઓર્ડર લખાવે છે !
બોલો, એવું કેમ ?
***
લેમન જ્યુસની બાટલી ઉપર લખ્યું હોય છે : ‘આર્ટિફીશીયલી ફ્લેવર્ડ’ અને વાસણ ધોવાના લિક્વીડ ઉપર લખે છે : ‘મેઇડ વિથ રીયલ લેમન્સ !’
એવું કેમ ?
***
યાદશક્તિ ઘટતી જવાની બિમારીને અલ્ઝાઇમર કહે છે, પણ એનો સ્પેલિંગ અલ્ઝાઇમરની બિમારી ન થઈ હોય તેને પણ યાદ રહે એવો નથી ! Alzheimer !
…એવું કેમ ?
***
શાહરૂખ ખાન 57 વરસનો થઈ ગયો છે છતાં એની ફિલ્મમાં એ ‘જવાન’નો રોલ કરે છે !
… બોલો, એવું…?
***
સતત મોબાઇલ જોયે રાખવાથી આપણી ગરદન જે ચોક્કસ એંગલમાં રહે છે તેના કારણે બહુ નુકસાન થાય છે એ સાચું…
પરંતુ યાર, સતત પુસ્તક વાંચતી વખતે પણ આપણી ગરદન એ જ એંગલમાં રહેતી હોય છે ! છતાં પુસ્તકો વાંચવાથી નુકસાન નથી થતું !
હેં, એવું કેમ ?
***
2014માં રાંધણગેસનો બાટલો માત્ર 410 રૂપિયામાં મળતો હતો. તેના ભાવ સતત વધતા જ ગયા… જે 2023માં 1120 રૂપિયા થઈ ગયા, છતાં હાલમાં તેમાં ફક્ત 200 રૂપિયા ઘટાડ્યા તેને ‘રક્ષાબંધનની ભેટ’ કહે છે !
બોલો… ભાઈ !!... એવું કેમ, હેં ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment