ગુજરાતીમાં બે કહેવતો છે : ‘ન બોલ્યામાં નવ ગુણ’ અને ‘બોલે તેનાં બોર વેચાય’… પરંતુ ત્રીજી પણ એક કહેવત છે : ‘થોડામાં ઘણું !’
આજે કંઈક એવું જ છે…
***
મોદી સરકારે રાંધણગેસના બાટલામાં 200 રૂપિયાની છૂટ જાહેર કરી. એ વાત ઉપર મમતા બેનરજી બોલ્યા કે હજી તો I.N.D.I.A.ની બે મિટિંગ થઈ એની આ અસર છે !
- અમારે તો એટલું જ કહેવું છે કે દીદી, મિટિંગોમાં જરા ઉતાવળ રાખો. અમારે હજી ઘણાના ભાવ ઘટાડવાના છે !
***
રાંધણગેસના બાટલામાં 200 રૂપિયાની છૂટ આપતાં મોદીજીએ કહ્યું કે એક ભાઇ તરફથી દેશની બહેનોને આ ભેટ છે !
- બંગાળમાં તમારી એક ‘દીદી’ છે એમને આ ભેટ કંઈ ખાસ ગમી લાગતી નથી !
***
ચંદ્રયાને જે જગ્યાએ લેન્ડીંગ કર્યું તેનું નામ ‘શિવશક્તિ’ પાડ્યું એમાં અમુક લોકોને ધાર્મિક વાંધો પડ્યો છે.
- ઓકે. પણ ગ્રહોના નામ વિનસ, માર્સ, જ્યુપિટર, નેપચ્યુન, પ્લુટો વગેરે ગ્રીક દેવી દેવતાઓના નામે છે ! ત્યારે એમને વાંધો નહોતો ?
***
નૂહમાં કડક બંદોબસ્ત વચ્ચે 51 સાધુસંતો વડે યાત્રા કાઢવામાં આવી.
- આમાં જીત કોની થઈ ? રમખાણ મચાવનાર 500 જણાની કે યાત્રા કાઢનાર 51 જણાની ?
***
ઈસરો સાથે જોડાયેલા સાયન્ટિસ્ટ હોવાનો ઢોંગ કરનાર મિતુલ ત્રિવેદી કહે છે કે એનો હેતુ માત્ર પોતાના ટ્યુશન ક્લાસની સંખ્યા વધારવાનો હતો.
- આખો હેતુ જ ખોટો કહેવાય ને ? પેલો મહાઠગ કિરણ પટેલ કંઈ ટ્યૂશન ક્લાસિસ થોડા ચલાવતો હતો ?
***
નીરજ ચોપરાએ ભાલાફેંકમાં ગોલ્ડ જીત્યો એ વાત ઉપર સહેવાગે કહ્યું ‘ફેંકો તો ઐસી ફેંકો કી લોગ કહેં કે વાહ, ક્યા ફેંકતા હૈ !’
- આમાં તો કંઈ કહેવાનું જ ના હોય ને !?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment