ભારતમાં આઈફોનનું લેટેસ્ટ મોડલ લોંચ થયું ત્યારે તેની ખરીદી માટે ઘેલા ગ્રાહકો પંદર-પંદર કલાક સુધી લાઇનમાં ઊભા રહ્યા ! આવા આઇફોન-ઘેલાઓની હવે જોક્સ ચાલી છે…
***
આઇફોન-15 લેવા માટે પંદર પંદર કલાક સુધી લાઇનમાં ઊભા રહેશે અને ફોન મળે ત્યારે તો ભગવાન મળ્યા હોય એમ રાજી થઇ જનારા લોકોને...
... જ્યારે બેન્કમાં કે સરકારી ઓફિસમાં માંડ પાંચ મિનિટ માટે લાઇનમાં ઊભા રહેવાનું આવે તો એમને તોડફોડ કરી નાંખવાના વિચારો આવી જાય છે ! બોલો.
***
આઇફોન-15 લોન્ચ થયા પછી...
- આઇફોન-14 વાળાને શરમ આવી રહી છે.
- આઇફોન-13 વાળા ઘરની બહાર નથી નીકળી રહ્યા.
- આઇફોન-12 વાળાને આત્મહત્યાના વિચારો આવી રહ્યા છે.
- અને આઇફોન-11, 10, 9, 8વાળા તો એન્ટિક અથવા ભંગારના બિઝનેસમાં ઝંપલાવવાનું વિચારી રહ્યા છે !
***
આઇફોન લવર :
પોતાની ત્રણ મહિનાની સેલેરી બચાવીને આઇફોન-15 ખરીદે છે.
આઇફોન લવર-પ્રો :
પોતે છ મહિના સુધી એકટાણું કરીને પૈસા બચાવીને આઇફોન-15 ખરીદે છે.
આઇફોન લવર-પ્રો મેક્સ :
છ મહિના સુધી ભૂખ્યો રહીને, ત્રણ મહિનાની સેલેરી બચાવીને, 15 કલાક લાઇનમાં ઊભો રહીને આઈફોન-15 ખરીદે છે... અને ગર્લફ્રેન્ડને બર્થ-ડે ગીફ્ટમાં આપી દે છે ! બોલો.
***
હવે એવી અફવા કોણ ઉડાવી રહ્યું છે કે જ્યારે જ્યારે ભારતમાં નવો આઇફોન લોન્ચ થાય છે ત્યારે પોતાની કિડની વેચનારાઓની સંખ્યામાં ધરખમ ઉછાળો આવે છે ?
***
અને બોસ, આઇફોનના ચાહકોને આઈફોનમાં એવું તે શું દેખાતું હશે કે એની પાછળ આટલા બધા ઘેલા થતા હશે ?
- વેલ, એનો જવાબ તો મોદી-ભક્તો અને રાહુલ-ભક્તો જ આપી શકે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment