સિરીયલો Vs. વેબસિરીઝો !


સિરિયલો 100-100 હપ્તા ચાલે તોય જાણે કંઈ અસર પણ નથી થતી અને આજકાલની વેબસિરિઝોમાં 10 એપિસોડની હોય છતાં એની વાહ વાહ થઈ રહી છે !

આ સિવાય પણ સિરિયલો અને વેબસિરિઝોમાં ઘણો ફરક છે…

*** 

સિરિયલોમાં બધા સ્પષ્ટ ઉચ્ચારો કરીને જે કહેવું હોય તે વિસ્તારથી, લંબાણથી અને સામેવાળાને સમજાય એ રીતે બોલે છે.

વેબસિરીઝોમાં અડધું તો મનમાં જ બબડે છે ! ઉપરથી કાં તો ઇંગ્લીશમાં બોલશે અથવા તો સાવ બિહારી-ભોજપુરી જેવી બોલીમાં કંઈક બોલી જશે !

*** 

સિરિયલોમાં જો દાળમાં મીઠું વધારે પડી જાય તો પરિવારમાં હાહાકાર મચી જાય છે !

જ્યારે વેબસિરિઝમાં કોઈ હોમોસેક્સ્યુઅલ કે લેસ્બિયન નીકળે તોય જાણે એનો કોઈ વાંક ના હોય એ રીતે બધાં વર્તે છે !

*** 

સિરિયલોમાં પરિવારની પરંપરા શી રીતે સાચવવાની છે એ વાતે મોટા મોટા પ્રશ્નો ઊભા થયા કરે છે.

વેબસિરિઝોમાં માત્ર પરિવારની જ નહીં, ધર્મની, લગ્નની, સમાજની અને સારા ચરિત્રની પરંપરાઓ તોડવાની જ વાતો ચાલતી હશે !

*** 

સિરિયલોમાં કોઈ મરી જાય તો એનો આઘાત (સદમો) દસ-દસ એપિસોડ લગી ચાલતો રહે છે.

વેબસિરિઝમાં તો દર દસ-દસ મિનિટે કોઈનું મર્ડર થઈ જાય છે !

*** 

સિરિયલોમાં વીસ વીસ એપિસોડ સુધી કાવતરાં ચાલી રહ્યાં હોય... મ્યુઝિકમાં ઢેન્ટેણણેન… ઢેન્ટેણેન.. થયા કરતું હોય તો પણ બહેનો શાંતિથી ટીવી સામે બેસીને શાક સમારતી રહે છે !

જ્યારે વેબસિરિઝોમાં જરાય મ્યુઝિકો ના વાગતાં હોય, ફક્ત ટ્રાફીકના ઘોંઘાટો સંભળાતા હોય અને ખરેખર શું બની રહ્યું છે એ તો ઘણીવાર સમજાતું પણ ના હોય…

છતાં લોકો સોફાની ધાર ઉપર બેસીને ટેન્શનમાં ને ટેન્શનમાં બધું જોતા રહે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments