દર મહિને સરકાર જાહેર કરે છે કે આ મહિને ગયા મહિના કરતાં GSTમાં આટલા ટકા વધારો થયો.. આટલા લાખ કરોડ રૂપિયાનો GST જમા થયો !
અમને લાગે છે કે GSTની ભવ્ય સફળતા પછી એક GET ટેક્સ પણ નાંખવા જેવો છે : G = ગ્રાન્ડ E = એન્ટરટેઇનમેન્ટ T = ટેક્સ ! જેમાં…
***
ફિલ્મો, ટીવી સિરીયલો નાટકો વગેરે ઉપર તો મનોરંજન વેરો છે જ. પરંતુ આપણા નેતાઓ જે રોજેરોજ આપણું મનોરંજન કરે છે એમનું શું ?
***
એટલે ન્યુઝ ચેનલો ઉપર પણ ટેક્સ નાંખો ! જુઓને બિચારા પહેલવાનોએ ધરણાં કર્યાં એમાં (પહેલવાનો સિવાય) સૌને કેટલું મનોરંજન મળ્યું ?
અરે, બિહારમાં બ્રિજ તૂટી પડે કે ઓડિશામાં ટ્રેનો ભિટકાય એમાં પણ લોકોને કેટલો બધો ‘રસ’ પડે છે !
ભારતીય નાટ્યશાસ્ત્રમાં મનોરંજનના નવ રસ કહ્યા છે. તો આવી હોનારતોમાં રસ પડવો એ પણ મનોરંજન જ થયું ને ?
***
ન્યુઝ ચેનલો તો GET ભરશે જ પણ એમાં જે ધનાધનીથી ભરપૂર ચર્ચાઓ થાય છે એ સૌ પેનલિસ્ટોએ પણ ટેક્સ ભરવો પડશે ! (નિંદા-રસ ટેક્સ)
એમાંય જે ન્યુઝ-એન્કર સૌથી વધુ ડ્રામાબાજી વડે મનોરંજન કરે તે (દાખલા તરીકે અર્નબ ગોસ્વામી) સૌથી વધારે GET ભરશે !
***
ચૂંટણીઓ વખતે તો GETનું કલેક્શન દસ ગણું વધી જશે ! તમામ રાજકીય પક્ષોએ ટેક્સ ભરવો પડશે ! અને ઢંઢેરો બહાર પાડે તે દિવસનો ટેક્સ તો સૌથી વધુ હશે કેમકે સૌથી વધુ મનોરંજક આઈટમ તો દર ચૂંટણીમાં ઢંઢેરો જ હોય છે ને !
***
લોચો એક જ થશે. GETવાળા રાહુલ ગાંધી પાસે સતત બાકી ટેક્સની માગણી કરતા રહેશે પણ રાહુલજી કહેશે કે મનોરંજન કરવાનો મારો કોઈ ઈરાદો જ ક્યાં હતો ? આઇ વોઝ સિરીયસ !
***
ફાયદો મોદીજીને થશે. એ કહેશે કે ‘અચ્છે દિન’ અને ’15 લાખ’… આ બે તો મોટી જોક્સ હતી… લો લઈ લો ટેક્સ !
***
- મન્નુ શેખચલ્લી
મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment