રણઝણસિંહનું નવું યોગાસન !

રણઝણસિંહ પોતાની ગરદન ઊંચી કરીને એકીટશે કંઈક જોતા બેઠા હતા અમે પૂછ્યું ‘આ શું કરો છો ?’

નાક ઉપર આંગળી મુકીને મને ચૂપ કરતાં એ બોલ્યા : ‘સવાલું નો કર, મન્નુડા ! બેસી જા ! અને મારી જેમ ઊંચું જો.’

મેં એમ કર્યું. રણઝણસિંહ કહે ‘એમ નહીં, બરોબર ગરદન ઊંચી કરીને જો… શું દેખાય છે ?’

‘છત ઉપર ચોંટેલી ઘરોળી દેખાય છે.’

‘તો સળંગ બે મિનિટ લગી ઘરોળીને જો ! પછી નીચી ગરદન કરીને મારા ઘરના ઓટલાના ટાઈલ્સુ જો ! પછી ફરી ગરદન ઊંચી કરી બે મિનિટ લગી ઘરોળીને જો ! આમ પંદર મિનિટ લગી કર્યે રાખ.’

મેં એમ કર્યું. હજી કંઈ પૂછવા જાઉં એ પહેલાં રણઝણસિંહે નવો હુકમ છોડ્યો. ‘હવે બહાર વયો જા. બે પગ પહોળા કરીને બરોબર ગરદન ઊંચી કરીને આકાશમાં જો. શું દેખાય છે ?’

‘અમદાવાદને ઉલ્લુ બનાવતાં વાદળાં !’

‘તો જોયે રાખ ! પુરી બે મિનિટ લગી જોયે રાખ, પછી પંદર સેકન્ડ માટે નીચું જોજે. શું દેખાય છે!’

બે મિનિટ પછી નીચું જોઈને અમે કહ્યું. ‘અહીં અમદાવાદની તૂટેલી ફૂટેલી ભંગાર સડકો દેખાય છે !’

‘બસ તો, આમ જ પંદર મિનિટ લગી આવું કર્યે રાખ.’

અમે રણઝણસિંહની આજ્ઞાનું પાલન કર્યું. પછી એ અમને પૂછે છે ‘મન્નુડા, બોલ હવે, કેવું લાગે છે ?’

‘ગરદનમાં ટચાકા બોલી ગયા ! કમ્મર સીધી થઈ ગઈ ! ફેફસામાં તાજી હવા ગઈ ! સારું લાગે છે !’

‘બસ ત્યારે ! આજે છાપામાં લખજે કે જુવાનિયાવ માટે આ શ્રેષ્ઠ યોગાસન છે !’

‘ફક્ત જુવાનિયાવ માટે ?’

‘હા, કેમકે દિવસ-રાત ગરદન નીચી વાળીને, મોબાઈલુંમાં મોં ઘાલીને, ગેમું રમી રમીને, સોશિયલ મિડિયામાં પંચાતું કરી કરીને, આખેઆખી યુવાપેઢીની ગરદનું જે નીચે વળી ગઈ છે…’

‘ઈ સીધી થઈ જાય !’ અમે હસવા લાગ્યા.

રણઝણસિંહે ધોળી દાઢી પર હાથ પસવારતાં નવી વાત કરી. ‘બાકી, મન્નુડા, દુનિયાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આસન કિયું, ખબર છે ?’

‘કિયું ?’

‘સિંહાસન !’

***

- મન્નુ શેખચલ્લી

Comments