તમે જ કહો, ‘વા ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર, શૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર..’ આમાં ‘શૂરા બોલ્યા’ સિવાયનું બધું જ ખેડૂતના એંગલથી છે કે નહીં ?
એક જમાનામાં વોટ્સ-એપ અથવા અંબાલાલના હવામાન વર્તારાને બદલે ભડળી વાક્યો જેવાં સૂત્રો હતાં કે ‘દિવસે વાદળ, રાત્રે તારા; એ સઘળા દુકાળના ચાળા.’
એ જમાનામાં આપણો દેશ કૃષિપ્રધાન હતો પણ આજે સેલ્ફી-પ્રધાન થઈ ગયો છે. છતાં આપણી ગુજરાતી ભાષામાં કંઈ કેટલાય રૂઢિપ્રયોગો હજી એવા છે જે ‘મેઇડ ઇન ખેતર’ છે !
બિચારો કોઈ સરળ માણસ હોય તો કહીએ છીએ કે ‘ગરીબ ગાય જેવો છે’ અક્કલનો ઓથમીર હોય તો ‘બળદિયા જેવો છે’ ઘમંડી હોય તો કહીએ છીએ કે ‘હશે, ભેંશના શિંગડાં ભેંશને જ ભારે પડે’ અને સત્તર વાર સમજાવ્યા છતાં જે ના સમજે તો કહીએ ‘ભેંશ આગળ ભાગવત !’
કોઈ ટોપી કરી જાય, ફ્રોડ થઈ જાય તો કહેવાય કે ‘ભરોસાની ભેંશે પાડો જણ્યો !’ દરેક વિરોધ પક્ષની જે છેલ્લાં 15 વરસની આદત છે તેને શું કહેવાય ? ‘દૂધમાંથી પોરા કાઢવા !’ આજે સોશિયલ મિડીયામાં કંઈપણ પોસ્ટ કરો, હાલત એવી છે કે ‘પડ્યો પોદળો ધૂળ લઈને જ ઉખડે !’ મતલબ કે સાવ મામૂલી વાતનું રિ-એક્શન આવ્યા વિના રહેતું જ નથી.
એમાં જો મોટી સેલિબ્રિટી હોય તો સૌને ‘એના માથે છાણાં થાપવાનો’ ચાન્સ મળી જાય છે. આમાં ને આમાં અમુક લોકોની ‘બકરી ડબ્બા’માં આવી જતી હોય છે. છતાં એમની કહેણી અને કરણીમાં ફેર હોવાનો જ ! તેથી જ તો કહ્યું છે કે ‘છાશ લેવા જવું ને, દોણી સંતાડવી એ કેમ ચાલે ?’
અચ્છા કહો જોઈએ, ‘મરેલી ભેંશના ડોળા મોટા’ એટલે શું ? એટલે એમ કે મર્યા પછી તો સૌનાં વખાણ થાય ! બોલો, ખબર હતી ? શેરબજારમાં મંદી હોય અને ઉપરથી કોઈ મોટી કંપનીનું કૌભાડ ખૂલે ત્યારે શું કહેવાય ? ‘દુકાળમાં અધિક માસ !’ અરે, પેલું પણ છે ને, ‘બાર વરસે બાવો બોલ્યો, તો કહે, જા બેટા દુકાળ પડેગા !’ આ બધી ખેતીને લગતી જ કહેવતો છે ને ?
એક તરફ અહીં પ્રેક્ટિકલ ટિપ્સ છે કે ‘ખેડ ખાતર ને પણી, પાકને લાવે તાણી.’ તો બીજી તરફ જમાનાનું ડહાપણ છે : ‘જર જમીન ને જોરુ, ત્રણે કજિયાના છોરુ’ પણ એ તો એમ જ હોય… ‘કૂવામાં હોય તો હવાડામાં આવે !’ બાકી ‘નેવનાં પાણી મોભે ના ચડે.’ (નેવ એટલે નળિયાંથી પડી રહેલું વરસાદનું પાણી અને મોભ એટલે ઘરનો સૌથી ઊંચો સ્થંભ.)
એ જ રીતે કોઈનાં વખાણ કરીને ચગાવી મારીએ તો કહે છે ‘ચણાના ઝાડ ઉપર ચડાવી માર્યો’ (કેમકે ચણાનાં તો નાનાં છોડ જ હોય) ધીરજ રાખવા માટે કહેવાય કે ‘ઉતાવળે આંબા ના પાકે’ છતાં અમુક ‘ભાદરવાના ભીંડા’ જેવા હોય છે જેમને ટેમ્પરરી સફળતા મળવાથી ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન’ જેવા બની ગયા હોય.
કોઈ મામૂલી માણસના ગુમાનનું કારણ કોઈ બીજું જ હોય ત્યારે કહીએ છીએ કે ‘પાડો કયા ખીલાના જોરે આટલું ઉછળે છે ?’ અને જ્યારે કોઈને પરણાવીને ઠરીઠામ કરવામાં આવે તો કહેતા કે ‘હવે ખીલે બંધાયો..’
ખેતરમાં જીવ વિનાનો ‘ચાડિયો’ હોય, પણ ક્યાંકથી ‘વાયરો વાત લાવ્યો’ હોય અને કોઈની ‘ચાડી ખવાતી’ હોય ત્યારે ‘સૂકા ભેગું લીલું બળે’ ' પાપડી ભેગી ઈયળ બફાય…' છતાંય ક્યારેક એવું બને કે ‘ડાંગે માર્યા પાણી જુદાં ન થાય.’ સાવ નગુણા જેવા માણસમાં પણ ક્યારેક એકાદ ગુણ સારો નીકળે પણ ખરો. એટલે જ કહેવત બની કે ‘લીમડામાં એક ડાળ મીઠી’ બાકી તો સૌ જાણે છે કે ‘બાપ એવા બેટા અને વડ એવા ટેટા.’
આપણે સૌ જાણીએ છીએ કે ‘ખાડો ખોદે તે પડે’ પરંતુ આજના જમાનામાં ખાડા મ્યુનિસિપાલિટીવાળા ખોદે છે અને મહીં પડે છે બિચારા કારવાળા ! એ જ રીતે સાંભળતા આવ્યા છીએ કે ‘વાવો તેવું લણો’ પરંતુ આજની જનરેશનને ખબર જ નથી કે શેરડીને વાવવાની હોય કે રોપવાની હોય ?
ભલે ‘કુલડીમાં ગોળ ભાંગ્યો’ એ કહેવત કિરાણાની દુકાનથી આજે પોલિટીક્સમાં આવી ગઈ પરંતુ ‘વાડ ચીભડાં ગળે’ એવી એફઆઈઆર તો આજે પોલીસ પણ સ્વીકારવા તૈયાર નથી.
છતાં મેઇડ ઇન ખેતર જેવા રૂઢિપ્રયોગો હજી વપરાશમાં છે : ‘વ્હાલ વરસાવ્યું’ હિન્દી ન્યુઝ ચેનલોમાં ઊંધા અર્થમાં વપરાય છે ‘જમકર બરસે…’ જેને ગુજરાતીમાં કહેવાય કે ‘આકરે પાણીએ થયા…’
જુઓને ‘જગતના તાત’ પાસેથી આટલી બધી ભાષા શીખ્યા છીએ છતાં આજે એમની હાલત કેવી છે ? ‘ઉપર આભ ને નીચે ધરતી…’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment