કેરી વિશે છૂટક વિચારો !

અફસોસની વાત છે કે કવિ કાલિદાસથી લઈને આજના અછાંદસ આધુનિક કવિઓમાંથી કોઈએ કેરી વિશે કાવ્યો લખ્યાં જ નથી !

એ જ રીતે ચિંતનકારોએ પણ કેરીને કદી ગંભીર વિષય તરીકે લીધી જ નથી. એમ જોવા જાવ તો બિચારો કોમનમેન પણ કેરી વિશે ખાસ વિચારતો નથી…

આજે ત્રણેય ખોટ પુરી કરવાનો નમ્ર પ્રયાસ છે…

*** 

કોમનમેન :

- કેરીને હિન્દીમાં ‘આમ’ શા માટે કહેવામાં આવે છે ? જ્યારે કેરી જેવું દુનિયામાં કોઈ ‘ખાસ’ ફળ નથી…

*** 

કોમનમેનને આમ આદમી શા માટે કહેવામાં આવે છે ? શું નેતાઓને અમારામાં ખરેખર ‘રસ’ છે ? કે પછી અમે (લોહી) ‘ચૂસવા’ માટે જ કામમાં આવીએ છીએ ?

*** 

અચ્છા, કોઈ કેરીનું નામ ‘લંગડો’ શા માટે છે ? એના ભાવ તો ભલભલાને દોડતા કરી મુકે એવા હોય છે !

*** 
અને ‘તોતાપુરી’ ? એ તો કંઈ નામ છે ? શું એ કેરી પોપટ (તોતા) માટે છે ? યાર, નામ તો સરખાં પાડો ? જુઓ, અમે કેવું સરસ નામ પાડ્યું છે… ‘કેસર’ !

*** 

ચિંતનકાર :

કેરી ખાઈ લીધા પછી એમાંથી ગોટલી શોધવાની ક્રિયા એ આંખો ગ્રંથ વાંચી લીધા પછી એની પાછળનું વિચારબીજ શોધવાના ફાંફાં સમાન છે.

*** 
પાઉડર વડે પકવેલી કેરી એ બિચારી ભોળી કેરી ઉપર AIનું આક્રમણ છે.

*** 

કવિ :

ઉનાળા સાથે કેરીએ
હરિફાઈ માંડી છે…
હું કવિતા વડે પકાવું
એ એમ જ પકાવે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments