ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ‘સરદાર’નું બિરુદ પામેલા જામનગરના વણિક ચંદુલાલ શાહની કહાણી આગળ વધારીએ ?
ગયા સપ્તાહે આપણે જોયું તેમ ચંદુલાલને ત્રણ ચાર ફિલ્મો પોતાની ઝડપી સ્ટાઇલમાં બનાવી નાંખ્યા પછી દિગ્દર્શનમાંથી થોડો રસ ઉડી ગયો હતો. એ મુંબઈના સટ્ટાબજારમાં રૂપિયા રમાડીને મોજ કરી રહ્યા હતા.
એક દિવસે ચંદુલાલ એક મેટિની શોમાં બેસીને કોઈ અંગ્રેજી ફિલ્મની મજા માણી રહ્યા હતા ત્યાં પાછળથી કોઈએ આવીને એમના ખભે ટપલી મારતાં કહ્યું ‘જરા બહાર આવોને, તમારા માટે અગત્યનો સંદેશો છે.’
ફિલ્મ અધૂરી મુકીને ચંદુલાલ બહાર આવ્યા તો ખબર પડી કે સંદેશો એમની પહેલી ફિલ્મના પ્રોડ્યુસર, એટલે કે ઇમ્પિરીયલ થિયેટરના માલિકનો હતો.
વાત એમ હતી કે હવે તે રેગ્યુલર પ્રોડ્યુસર બની ચૂક્યા હતા. એમણે ‘લક્ષ્મી ફિલ્મ કંપની’નું બેનર પણ બનાવી લીધું હતું. પોતાની નવી મોટા બજેટની ફિલ્મ બનાવવા માટે તેમણે મશહૂર ‘કોહીનૂર ફિલ્મ કંપની’ને એડવાન્સ રકમ પણ ચૂકવી આપી હતી પણ પ્રોબ્લેમ એ હતો કે કોહીનૂર કંપનીના ખાસ ડિરેક્ટર ‘હોમી માસ્ટર’ના પગે ફ્રેકચર થઈ ગયું હતું. (એ જમાનામાં ટાંટિયા ભાંગે તો બે મહિનાનો ખાટલો થતો હતો.) ઇમ્પિરીયલના માલિકની ખાસ રિક્વેસ્ટ હતી કે ચંદુલાલ આ ફિલ્મ પૂરી કરી આપે.
ચંદુલાલને ખરેખર તો ફરી દિગ્દર્શનની ‘મજુરી’ કરવામાં ખાસ રસ નહોતો પરંતુ એક વણિક જેમ પોતાની દુકાનના પહેલા ઘરાકને કદી ભૂલતો નથી એ ન્યાયે ચંદુલાલ હોમી માસ્ટરને હોસ્પિટલમાં મળવા ગયા.
હોમી માસ્ટરે પોતાના ઓશિકા નીચેથી ફિલ્મની સ્ક્રીપ્ટ કાઢીને જાણે પોતાનું સંતાન કોઈને સોંપતા હોય તેમ ચંદુલાલને કહ્યું ‘હવે આ ફિલ્મ તમે જ બનાવીને પૂરી કરી શકો તેમ છો.’
ચંદુલાલે વિવેક કર્યો કે ‘હોય ? માસ્ટરજી તમે ઝટપટ સારા થઈ જશો અને ફિલ્મ તો તમે જ બનાવશો.’ જવાબમાં હોમી માસ્ટર જે વાક્ય બોલ્યા એમાં જ ચંદુલાલની કિસ્મત બદલવાનો સંકેત હતો !
હોમી માસ્ટરે કહ્યું, ‘ચંદુલાલ, ચિંતા ના કરો. ફિલ્મની હિરોઇન ગોહરબાનો છે એટલે ફિલ્મ તો હિટ જ જશે.’ બસ, આટલું સાંભળતાં જ ચંદુલાલે જીદ પડતી મુકી ! કેમકે એ જમાનાની મશહૂર અને ખુબસુરત ગોહરબાનો સાથે કામ કરવા મળે તેવી આ સોનેરી તક હતી !
બસ, એ પછી ચંદુલાલ મંડી પડ્યા ! રાતોરાત બેસીને આખી સ્ક્રીપ્ટ નવેસરથી લખી. (પોતાની સ્ટાઇલ મુજબ જ, હોમી માસ્ટરને પૂછવા પણ ના ગયા!)
ત્રણ જ દિવસ પછી શૂટિંગ શરૂ થઈ ગયું. ચંદુલાલે આ વખતે 104 ડીગ્રી તાવમાં પણ સતત કામ ચાલુ રાખ્યું. દિવસે જે શૂટિંગ થતું તેનાં રીલ રાત્રે ડેવલપ થતાં અને બીજા દિવસે તેનું એડિટીંગ પણ થઈ જવા લાગ્યું. બિલકુલ હોલિવૂડ સ્ટાઈલમાં ચંદુલાલે એ ફિલ્મ રિલીઝના દિવસો પહેલાં તૈયાર કરી દીધી !
જીહા, એ ફિલ્મ હતી ‘ગુણસુંદરી’ ! ગોહરબાનોની નજરમાં આ યુવાન એ જ વખતે વસી ગયો… પણ આ આકર્ષણ યુવાનીનું નહીં, રૂપિયા કમાવવાની ધગશનું હતું, ચતુર વેપારીવૃત્તિ અને સાહસિક સ્વભાવના કોમ્બિનેશનનું હતું. એટલું જ નહીં, ચંદુલાલના આધુનિક એપ્રોચનું પણ હતું.
‘ગુણસુંદરી’ એના જમાનાની બહુ જ ક્રાંતિકારી ફિલ્મ હતી. મુંગી ફિલ્મ હોવા છતાં એમાં આગ-ઝરતા સંવાદો હતા. (કેપ્શન-કાર્ડના સ્વરૂપે) ફિલ્મની વાર્તા એવી છે કે એક સંસ્કારી યુવતીનાં લગ્ન અતિશય ધનવાન અને મોડર્ન રંગે રંગાયેલા પરિવારમાં થાય છે. એમાં એક દ્રશ્યમાં રાતના સમયે પતિ સજીધજીને બહાર લીલા કરવા જઈ રહ્યો છે, પત્ની રોકે છે, તો પતિ કહે છે ‘આજકાલની મોટા ઘરની સ્ત્રીઓ નથી પૂછતી કે પતિ ક્યાં જાય છે ?’
આગળ જતાં ગોહરબાનો પ્રતિશોધ લેવા માટે મોડર્ન વુમન બની જાય છે. ત્યારે એવું જ દ્રશ્ય રીપીટ થાય છે. આ વખતે શણગાર સજીને પત્ની બહાર જઈ રહી છે. પતિ રોકે છે તો પત્ની કહે છે ‘મોટા ઘરના પુરુષો આજકાલ નથી પૂછતા કે પત્ની ક્યાં જાય છે !’
ગોહર નામ ભલે મુસ્લિમ લાગે પણ તે એ સમયના અત્યંત ધનાઢય વોહરા પરિવારની દિકરી હતી. પરંતુ પિતા મામાજીવાલાને ધંધામાં જબરદસ્ત ખોટ જતાં આખો વૈભવ વિખેરાઈ ગયો હતો. એ સમયે પેલા દિગ્દર્શક ‘હોમી માસ્ટરે’ મામાજીવાલાને સૂચન કર્યું હતું કે તમારી દિકરીને ફિલ્મોમાં અભિનય કરવાની છૂટ આપો. માત્ર 16 વરસની ઉંમરે 1919માં આવેલી ફિલ્મ ‘બિલ્વમંગલ’ રીલીઝ થતાં જ ગોહર છવાઈ ગઈ હતી.
પરંતુ હવે 1927ની સાલ હતી. 24 વરસની ગોહર મોટી સ્ટાર તો હતી જ પરંતુ વોહરા પરિવારની એ યુવતી રૂપિયાની કિંમત જાણવા ઉપરાંત હીરાને પારખી લેવાની આવડત પણ જાણતી હતી.
આગળ જતાં જામનગરના આ ‘વાણિયા’ અને મુંબઈની આ ‘વોહરણ’ની જોડી કેટલી જામી ? એમના વિશે કેવી અફવાઓ ઊડી ? અને હા, ચંદુલાલ ‘સરદાર’ કેમ કહેવાયા ? તથા સરદાર વલ્લભભાઈ સાથેનો શું કિસ્સો હતો ? વાંચતા રહેજો…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment