દોમદોમ સાહ્યબી અને અઢળક સંપત્તિ જેના નામે હતી એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘સરદાર’ ગણાતા ચંદુલાલ શાહ જ્યારે 1975માં મૃત્યુ પામ્યા ત્યારે એમની પાસે ન તો કાર હતી, ન તો બંગલો, ન તો નોકર-ચાકર કે ન મોટું બેન્ક બેલેન્સ. જોનારાઓ કહે છે કે ચંદુલાલ મુંબઈમાં બીઈએસટીની બસમાં ફરતા થઇ ગયા હતા.
ફિલ્મોની આ રૂપેરી ચળકાટભરી દુનિયા જેટલી આકર્ષક છે એટલી જ નીષ્ઠુર અને નિર્દય છે. ચંદુલાલ શાહ અવસાન પામ્યા ત્યારે એક માત્ર રાજકપૂરને બાદ કરતાં એમની સ્મશાનયાત્રામાં કોઈ નામી ફિલ્મી હસ્તિઓ ફરકી પણ નહોતી. જોકે રાજકપૂર સાથે એમના એવા ગાઢ સંબંધો પણ નહોતા. પરંતુ રાજકપૂરની પહેલી ફિલ્મ ‘નીલકમલ’ તેમને અપાવવામાં ચંદુલાલે મદદ કરેલી એ ઋણ કદાચ રાજ સાહેબ ભૂલ્યા નહોતા.
ચંદુલાલની આવી દશા શી રીતે થઈ ? આજે ચોથા અને છેલ્લા પ્રકરણમાં આ ભડવીર ગુજરાતીની દાસ્તાન આગળ વધે છે ત્યારે આપણે જોઈએ છીએ કે એક જમાનો હતો જ્યારે ચંદુલાલ અને ગોહરબાનો પોતપોતાની વિદેશી બનાવટની કારમાં બેસીને રણજીત સ્ટુડિયોમાં દાખલ થતાં ત્યારે દરરોજ આશાસ્પદ કલાકારો, સંગીતકારો તથા ડિસ્ટ્રીબ્યુટરો, ફાઈનાન્સરોને તેમને મળવા માટે લાઈન લગાવીને બેસી રહેવું પડતું હતું. આઝાદી પહેલાંના આ બ્લેક એન્ડ વ્હાઈટ યુગમાં રણજીત સ્ટુડિયોનો બિઝનેસ પશ્ચિમમાં પાકિસ્તાનમાં કરાંચી, રાવલપીંડી અને લાહોરથી માંડીને પૂર્વમાં મ્યાનમારના રંગૂન સુધી પહોંચી ચૂક્યો હતો.
ચંદુલાલે જ્યારે પોતાના સ્ટુડિયોની સ્થાપના કરી ત્યારે તે પોતાના વતન જામનગરને ભૂલ્યા નહોતા. એટલે જ જામનગરના રાજા રણજિતસિંહના નામની યાદગિરી સચવાયેલી રહે એટલા માટે રણજીત સ્ટુડિયોના લોગોમાં જામનગર સ્ટેટની રાજમુદ્રા રખાવી હતી, જેમાં એક વિજયી યોધ્ધો હણહણતા ઘોડા ઉપર સવાર થયેલો દેખાય છે.
ચંદુલાલનો આ ઘોડો સતત વિજયો ઉપર વિજયો મેળવતો રહ્યો.પરંતુ 1947માં આઝાદી મળી અને ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પછી જાણે કે યુગ પલટાઈ ચૂક્યો હતો.
‘રણજીત મુવીટોન’, જેમાં સ્વર્ગથી પણ વધારે સિતારાઓ પગારપત્રક ઉપર હતા એમાંથી ઘણા કલાકારો પાકિસ્તાન જતા રહ્યા. સાથે સાથે અમુક સંગીતકારો, સિનેમેટોગ્રાફરો, અને અન્ય કસબીઓએ પણ ભારત છોડી પાકિસ્તાનની વાટ પકડી.
જો કે યાદ રહે, બન્ને દેશની સરહદો ઉપર કોમી હિંસાએ માઝા મુકી હતી પણ મુંબઇ ફિલ્મ ઉદ્યોગમાં સ્હેજ પણ કોમી વૈમનસ્ય હતું જ નહીં.
પરિસ્થિતિ અચાનક બદલાવાને કારણે ભલભલા પ્રોડ્યુસરો ખોટના ખાડામાં ઉતરી ગયા હતા. પરંતુ બદલાતા પવન મુજબ ષઢને ફેરવવાની કુનેહ ધરાવતા ચંદુલાલે આઝાદી પછી ધંધાની આખી ચાલ બદલી નાંખી. એમણે દિગ્દર્શન કરવાનું તો પહેલેથી જ ઓછું કરીને ફિલ્મોના નિર્માણ તથા વિતરણના પાસાં પર વધારે ધ્યાન આપવાનું શરૂ કરેલું, પણ હવે એમણે સમયનાં વહેણ પારખીને રણજીત સ્ટુડિયોને વધુ ને વધુ આધુનિક સાધનોથી સજ્જ બનાવીને બહારના પ્રોડ્યુસરોને ભાડે આપવાનું શરૂ કર્યું.
એ સમયે રાજકપૂરના RK સ્ટુડિયો પછી રણજીત જ એક એવો સ્ટુડિયો હતો જ્યાં પ્રોડ્યુસરોને લાઈટ, કેમેરા, સાઉન્ડ, એડિટીંગથી માંડીને છેક ચાય-બિસ્કીટ, અને ભોજન સુધીની તમામ સગવડો અંદર જ મળી જતી હતી. ’70ના દાયકામાં મુંબઈમાં સૌથી પહેલો એર-કન્ડીશન સ્ટુડિયો પણ રણજીતનો હતો.
ચંદુલાલની ધંધાદારી ભાગીદાર ગોહર બાનુએ 1940માં અભિનય કરવાનું બંધ કરી દીધું હતું. ચંદુલાલે પણ પછી દિગ્દર્શન કરવાનું છોડ્યું હતું. છતાં 1952માં રાજકપૂર અને નરગીસને લઈને તેમણે ‘પાપી’ બનાવી જે ખાસ ચાલી નહીં. ત્યાર બાદ ચંદુલાલે પોતાના મેનેજમેન્ટ કૌશલ્યનો જ સૌથી વધુ ઉપયોગ કર્યો.
પરંતુ આગળ જતાં એમ કહી શકાય કે ચંદુલાલ ‘ઓટો-પાયલોટ’ મોડમાં આવી ગયા. સ્ટુડિયોનાં ભાડાં એની મેળે તિજોરીમાં આવી રહ્યાં હતાં. એમનો કાબેલ સ્ટાફ લગભગ બધું સંભાળી રહ્યો હતો. એવામાં નવરા પડેલા ચંદુલાલને ફરી સટ્ટાબજારનો ચસકો લાગ્યો !
અગાઉ પણ તેઓ મન પડે ત્યારે સટ્ટો કરી લેતા હતા પણ હવે રોજ સવાર પડેને સટ્ટાબજારમાં રૂપિયા રમાડવાની લત ચંદુલાલને લાગી ગઈ હતી. એમાં વળી મહાલક્ષ્મીની ઘોડાની રેસનો ઉમેરો થયો. છેવટે આ જુગારવૃત્તિ જ એમના પતનનું કારણ બની.
અગાઉ જ્યારે પોતે યુવાન હતા ત્યારે આ જુગારવૃત્તિ ધંધાદારી સાહસના સ્વરૂપે પ્રગટ થતી હતી. ‘વિમલા’ કે ‘ગુણસુંદરી’ જેવી ક્રાંતિકારી થિમ ધરાવતી ફિલ્મો પ્રોડ્યુસરને પૂછ્યા વિના બનાવી નાંખવી કે પછી ખિસ્સામાં ઝાઝી મૂડી ના હોવા છતાં આખેઆખા રણજીત સ્ટુડિયો માટે બજારમાંથી મોટી મૂડી ઊભી કરવા જેવાં ‘જુગાર’ એ ખેલી ચૂક્યા હતાં.
પરંતુ હવે એવું ‘થ્રિલ’ ફિલ્મો બનાવવાના ધંધામાં રહ્યું નહોતું. આખરે એ 'થ્રિલ' સટ્ટાબજારમાંથી મેળવવાની વૃત્તિ ઉપર તે કાબુ રાખી શક્યા નહીં.
એક કિસ્સો એ જમાનાના લોકો હજી યાદ કરે છે કે જ્યારે ચંદુલાલને માથે 1 કરોડ રૂપિયાનું દેવું ચડી ગયું હતું ત્યારે માત્ર પોતાની જુબાનની કિંમત રાખવા એમણે ખૂબ જ થોડા દિવસોમાં 95 લાખ રૂપિયા જેવી તોતિંગ રકમ પોતાની મિલકતો ગિરવે મુકીને અથવા વેચીને ચૂકવી આપી હતી !
હા, આજે એટલું કહી શકાય કે ચંદુલાલને વિજય માલ્યા બનતાં ના આવડ્યું.
અગાઉ લખ્યું હતું તેમ, આ ગુજરાતી વાણિયાની કહાણી કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાય કમ નથી. આજે કોઈ હંસલ મહેતા કે સંજય લીલા ભણસાલી ધારે તો ચંદુલાલ શાહની જીવનકથા ઉપર એક જબરદસ્ત વેબસિરીઝ બની શકે તેમ છે.
જો એમ થશે તો મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઉપર ચંદુલાલનું જે 'રૂણ' છે, તે કંઈક અંશે ચૂકવાયેલું ગણાશે.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment