એક રિબિનની વારતા...

આજે સાંભળો એક રિબિનની વારતા.

એક હતી રિબિન.

બોબિનમાં લપેટાયેલી એ રિબિનને થતું હતું કે યાર, આ તે કંઈ જિંદગી છે ?

આમ સેંકડો રિબિનોની સાથે ગોડાઉનમાં ચૂપચાપ પડ્યા રહેવાનું ? અહીંથી ક્યાંક બહાર નીકળવું જોઈએ…

એક દિવસ રિબિનની ઇચ્છા પાર પડી. રિબિનોનું એક આખું ખોખું એક દુકાનમાં પહોંચી ગયું. અહીં સરસ મઝાની ટ્યુબલાઇટો હતી. કાચનાં રૂપાળાં ખાનાં હતાં. અને આખો દિવસ ઘરાકોની ચહલ પહલ રહેતી.

દુકાનમાં સુંદર મજાની છોકરીઓ આવતી, જાજરમાન સ્ત્રીઓ આવતી. વાતો વધારે કરતી અને ખરીદી થોડી કરતી.

રિબિનને થતું, મને કોણ લઈ જશે ? મને કોઈ નાની બેબલીના માથામાં જવાનું ના ગમે. એ તો ધૂળમાં રમી રમીને મને મેલી કરી નાંખે.

કોઈ જાડીપાડી બૈરીના માથામાં પણ રહેવાનું ના ગમે કેમકે આખો દિવસ તેલની વાસ આવ્યા કરે.

એના કરતાં, કોઈ હસમુખી સુંદર યુવતી મને લઈ જાય તો કેવી મઝા પડે !

પરંતુ એ જોતી કે દુકાનવાળો ઘરાકને રિબિન આપતાં પહેલાં ફૂટપટ્ટી વડે માપીને કાતર વડે કાપી નાંખતો હતો ! રિબિનને થયું હાય હાય, મારા પણ આવા નાના નાના ટુકડા થઈ જશે ?

ત્યાં તો એક દિવસ એક મોટો માણસ આવ્યો અને કશી લપ્પન-છપ્પન કર્યા વિના આખેઆખી લાંબી રિબિનનું પિલ્લું ખરીદી લીધું ! આપણી રિબિનને મઝા પડી ગઈ.

બીજા દિવસે તે એક સુંદર નદીના કિનારે હતી. અહીં અસંખ્ય લોકો ભેગા થયા હતા. ઢોલનગારાં વાગી રહ્યાં હતાં. ફૂલોની માળાઓ તૈયાર થઈ રહી હતી.

સૌની નજરો રિબિન પર હતી. રિબિનનો વટ હતો. તેની એક બાજુ હજારો લોકો હતા. અને બીજી બાજુ કોઈને પણ જવાની મનાઈ હતી !

ત્યાં તો અચાનક ‘કડડડ…. ધમ્મ્’ કરતા ભયાનક અવાજો આવ્યા ! લોકોની ચીસો સંભળાઈ : ‘પુલ તૂટી પડ્યો… પુલ તૂટી પડ્યો…’

એ પછી છેક આજ સુધી એ રિબિન ત્યાંની ધૂળમાં રગદોળાયા કરે છે. કોઈ નેતા ‘ઉદ્ઘાટન’ કરવા આવતું જ નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments