એ જુના સાઈકલ દિવસો !

ગઇકાલે ‘ઇન્ટરનેશનલ સાઇકલ-ડે’ હતો. જોવાની વાત એ છે કે જે ચીજનું અસ્તિત્વ જોખમમાં હોય એનો જ દિવસ ઉજવાય છે !
શું કોઈ ‘સ્કુટી-ડે’ ઉજવશે ? મોબાઈલ-ડે કે ફેસબુક-ડે ઉજવશે ? એટલે જ તમે માર્ક કરજો ‘ફાધર્સ ડે’ અને ‘મધર્સ ડે’ ઉજવવા પડે છે, આજકાલ !

*** 

તમે મને કહો, જ્યારે તમે ‘સાઇકલ મારી સરરર જાય, ટીન ટીન ટોકરી વગાડતી જાય..’ એવું ગાતા હતા.

- ત્યારે સાઇકલ-ડે ઉજવાતો હતો ?

*** 

જ્યારે 10 પૈસામાં 1 કલાક માટે સાઇકલ ભાડે મળતી હતી અને એક જ સાઇકલ ઉપર ચાર ચાર છોકરાંઓ ચડી બેસીને ધમ્માલ મચાવતા હતા…

- ત્યારે સાઇકલ-ડે ઉજવાતો હતો ?

*** 

અરે, સાઇકલ ઉપર ઉભરાતા વ્હાલને પ્રદર્શિત કરવા માટે ફિલ્મોમાં હિરો હિરોઇન અને એમના ફ્રેન્ડ્ઝ લોકોએ લગભગ બે ડઝનથી વધુ ગાયનો સાઇકલ સાથે પિક્ચરાઇઝ કરાવીને ગાઈ નાંખ્યા…

- ત્યારે સાઇકલ-ડે ઉજવાતો હતો ?

*** 
સાહેબો, જ્યારે આ દેશમાં ખરેખર સાઇકલો વડે પર્યાવરણનું રક્ષણ થતું હતું ત્યારે તો કોઈએ સાઇકલ-ડે ઉજવ્યો જ નહીં !

- અને હવે સૌ ટ્રાફિક સિગ્નલ પાસે ધૂમાડા કાઢતા વાહનોમાં બેઠાં બેઠાં મોબાઇલમાં ‘હેપ્પી સાઈકલ-ડે’ના મેસેજો કરે છે !

*** 

આપણે સૌ નાના હતા ત્યારે કોઈએ આપણા માટે નાની સાઇઝની સાઇકલો બનાવી જ નહીં ! મથી મથીને, પડી આખડીને, કેંચી-કટ મારીને સાઇકલ ચલાવતાં શીખ્યા એમાં તો કેટલા હરખાઈ જતા !

અને આજે છોકરું હજી આઠમામાં આવે ત્યાં તો સ્કુટીની જીદ પકડે છે અને સાઇકલને ભંગાર ખાતે પડતી મુકે છે !

- છતાં એ જ યુવા-પેઢી ‘સાઇકલ-ડે’ના મેસેજો સૌથી વધારે ઉત્સાહથી મુકીને મોબાઇલમાં ‘ગો ગ્રીન… ગો ગ્રીન’ રમે છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments